Health Tips : શું આપના શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી રહ્યું છે ? જાણી લો આ ઘાતક દ્રવ્યને ઘટાડવાના ઉપાયો
- આજે અનેક લોકો Uric Acid ના વધુ પડતા પ્રમાણથી પીડાય છે
- યુરિક એસિડના વધુ પડતા પ્રમાણને Hyperuricemia તરીકે પણ ઓળખવામાં આવે છે
- સાંધામાં તીવ્ર દુઃખાવો, આંગળીઓમાં સોજા વગેરે યુરિક એસિડ વધવાના લક્ષણો છે
Health Tips : આજે અનેક લોકો હાયપરયુરેસેમિયા (Hyperuricemia) રોગથી પીડાઈ રહ્યા છે. હાયપરયુરેસેમિયા રોગ એટલે શરીરમાં યુરિક એસિડ (Uric Acid) નું પ્રમાણ વધી જવું. જ્યારે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય ત્યારે કેટલાક લક્ષણો જોવા મળે છે. જેમાં શરીરના વિવિધ સાંધાઓમાં દુખાવો, આંગળી અને અંગુઠામાં સોજો આવવો, જીભનો સ્વાદ બદલાઈ જવો વગેરે લક્ષણોનો સમાવેશ થાય છે. આ લક્ષણો જો આપના શરીરમાં જોવા મળે તો સમયસર ચેતી જજો. આજે અમે આપને યુરિક એસિડના વધુ પ્રમાણથી થતી વિવિધ બીમારીઓ અને તેનાથી બચવાના કેટલાક ઉપાયો વિશે જણાવીશું.
યુરિક એસિડનું વધુ પડતું પ્રમાણ ઘાતક છે
જો કોઈપણ વ્યક્તિના શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય તો તેને કિડની સંબંધી રોગો (Kidney Diseases) થઈ શકે છે. આ ઉપરાંત સંધિવા જેવા રોગો પણ થઈ શકે છે. જેમાં ઢીંચણમાં અસહ્ય દુઃખાવો થાય છે અને આંગળી અને અંગુઠામાં સોજો જોવા મળે છે. આ ઉપરાંત યુરિક એસિડનું પ્રમાણ વધી જવાથી હાઈ બ્લડપ્રેશર અને હૃદયરોગ જેવી સમસ્યાઓનું જોખમ વધી જાય છે. આપ આપના ડેઈલી રુટિનમાં થોડો ફેરફાર કરીને અને કેટલાક ઘરગથ્થુ ઉપચારોની મદદથી શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ કંટ્રોલ કરી શકો છો.
શું રાખશો કાળજી ?
સામાન્ય રીતે યુરિક એસિડનું વધુ પ્રમાણ હોય ત્યારે પ્રોટીનનું ઈનટેક બંધ કરી દેવાની સલાહ આપવામાં આવે છે. જો કે કેટલાક કિસ્સામાં દરેક પ્રકારનું પ્રોટીનનું સેવન બંધ કરવાની જરુર નથી, પરંતુ કેટલાક જટીલ પ્રકારના પ્રોટીનનું વધુ પડતું સેવન બંધ કરવું જોઈએ. આ ઉપરાંત તમે તમારા આહારમાં એવા કેટલાક ખાદ્યપદાર્થોનો સમાવેશ કરી શકો છો, જે યુરિક એસિડ ઘટાડવામાં મદદ કરી શકે છે. જેમાં વિટામીન સી (Vitamin C) થી ભરપૂર ફળો, કાચા પપૈયા, તજ આ ઉપરાંત બ્લેક કોફી અને ગ્રીન ટીનું પણ નિયમિત સેવન કરી શકો છો.
યુરિક એસિડને કાબૂ કરતાં પદાર્થો
જો આપના આહારમાં વિટામીન સીનું પૂરતા પ્રમાણમાં સેવન કરશો તો તમારી કિડની યુરિક એસિડને વધુ યોગ્ય રીતે ઉત્સર્જન કરી શકશે. વિટામીન સીની કુદરતી આપૂરતી કરવા માટે આમળા, નારંગી, લીંબુ જેવા ફળોનો રસ નિયમિત પીવો જોઈએ. વધુ ફાયદો મેળવવા માટે આ ખાટા રસનું સેવન વહેલી સવારે કરવું જોઈએ. હળવા બાફેલા કાચા પપૈયા માં પપેઈન હોય છે, જે એક પાચક ઉત્સેચક છે જે બળતરા ઘટાડે છે અને પાચનમાં મદદ કરે છે. તે સાંધાના દુખાવાને ઘટાડવામાં મદદરુપ થાય છે. બ્લેક કોફી અને ગ્રીન ટીમાં ક્લોરોજેનિક એસિડ અને કેટેચિન જેવા એન્ટીઓકિસડન્ટ હોય છે જે યુરિક એસિડના ઉત્પાદનમાં સામેલ એન્ઝાઈમ ઝેન્થાઈન ઓક્સિડેઝને અટકાવી શકે છે. તેથી આ પીણાંનો ઉપયોગ સવારે, બપોરના ભોજન પછી ઓછી માત્રામાં અને સાંજે પીવું શ્રેષ્ઠ છે.
આ પણ વાંચોઃHealth Tips : ચોમાસામાં હોઠને મુલાયમ અને ગુલાબી બનાવવા માટે અજમાવો આ ઉપાયો


