Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Hindu festivals : શ્રાવણમાસથી દેવ દિવાળી સુધીના તહેવારો 

શ્રાવણમાસથી ઉત્સવની શરૂઆત, .
hindu festivals   શ્રાવણમાસથી દેવ દિવાળી સુધીના તહેવારો 
Advertisement

Hindu festivals : આપણા હિન્દુ શાસ્ત્રોમાં અનેક તહેવારોનો ઉલ્લેખ જોવા મળે છે. હિંદુ ધર્મના તહેવારો તિથિ અને પંચાગ આધારિત હોય છે. તહેવારો આપણા જીવનમાં હર્ષોલ્લાસ લાવે છે. તે સાથે જ સામાજિક અને ધાર્મિક રીતે આપણને સાંકળી રાખે છે. 

શ્રાવણ સુદ પુનમ - રક્ષાબંધન -9/08/25

રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. તેને બળેવ પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત તેને નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પર્વ ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક છે. આ તહેવારની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધી તેના દીર્ધાયુષ્ય અને સફળતાની કામના કરે છે, તો ભાઈ પણ બહેનના રક્ષણનું વચન આપે છે.

Advertisement

રક્ષાબંધનનો ઉલ્લેખ આપણને મહાભારતમાં જોવા મળે છે. કહેવાય છે કે ભગવાન કૃષ્ણ જ્યારે શિશુપાલનો વધ કરી રહ્યા હતા ત્યારે તેમની આંગળીમાં વાગે છે. ત્યારે દ્રોપદીએ તેમની સાડીનો પલ્લુ ફાડી તેમની આંગળી પર બાંધ્યા હતો. જેનાથી કૃષ્ણની આંગળીમાંથી વહી રહેલું લોહી બંધ થઈ ગયું. ત્યારે કૃષ્ણએ દ્રોપદીને હમેશા તેમનું રક્ષણ કરવાનું વચન આપ્યુ હતુ.

Advertisement

કહેવાય છે કે આ પ્રસંગ પછી રક્ષાબંધનના પર્વની ઉજવણી થવા લાગી.

શ્રાવણ વદ પાંચમ નાગ પાંચમ - 13/08/25

નાગ પાંચમ શ્રાવણ વદ પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. નાગ પાંચમના દિવસે ઘરની મહિલાઓ પાણીયારે નાગ દેવતાનું ચિત્ર બનાવી તેની પૂજા કરે છે. તેમને બાજરીના લોટની કુલેરનો પ્રસાદ ધરાવામાં આવે છે.

નાગ પાંચમનો ઉલ્લેખ આપણને આપણા ધાર્મિક શાસ્ત્રો જેવા કે મહાભારત અને રામાયણમાં પણ જોવા મળે છે. નાગ પાંચમ ખાસ રીતે મહાભારત સાથે સંકળાયેલ છે. તે સમયના રાજા પરીક્ષિતને તક્ષક નામના નાગે ડંખ માર્યો હતો. તેથી રાજાના પુત્ર જનમેજયે બધા નાગોને મારવા માટે એક યજ્ઞનું આયોજન કર્યુ હતુ. આ યજ્ઞને આસ્તિક મુનિએ રોક્યો હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે. તે મુજબ જે દિવસે આ યજ્ઞ રોકવામાં આવ્યો ત્યારે શ્રાવણ વદ પાંચમ હતી. ત્યારથી તે દિવસને નાગ પાંચમ તરીકે ઉજવવામાં આવે છે.

શ્રાવણ વદ છઠ્ઠ - રાંધણ છઠ્ઠ 14/08/25

દર વર્ષે તિથિ મુજબ શ્રાવણ વદ છઠ્ઠને રાંધણ છઠ્ઠ તરીકે ઉજવવામાં આવે છે. આમ તો તહેવારના નામ પરથી જ આપણને ખ્યાલ આવી જાય છે. રાંધણ છઠ્ઠના દિવસે મહિલાઓ આખો દિવસ વ્યંજનો અને ભોજન બનાવે છે. આખો દિવસ મહિલાઓ રાંધતી હોવાથી તેને રાંધણ છ્ઠ્ઠ તરીકે ઓળખવામાં આવે છે.

શ્રાવણ વદ સાતમ - શીતળા સાતમ 15/08/25

શીતળા સાતમના દિવસે મા શીતળાની પૂજા કરવામાં આવે છે. તે દિવસે મહિલાઓ દ્વારા છઠ્ઠના દિવસે રાંધવામાં આવેલ વ્યંજનને તેમને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે. આ દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે. શીતળા સાતમના દિવસે ઘરના લોકો ઠંડુ ભોજન જમે છે. આ તહેવારની ઉજવણી સંતાનોના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે. તે દિવસે મહિલાઓ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા સાંભળે છે. તેમજ સંતાનોના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે કામના કરે છે.

શ્રાવણ વદ આઠમ- જન્માષ્ટમી 16/08/25

જન્માષ્ટમી શ્રાવણ વદ આઠમના દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે મધ્યરાત્રિએ ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. તેમના જન્મની સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લોકો ઉપવાસ રાખે છે. શ્રીકૃષ્ણ મંદિરોમાં તેમનો જન્મોત્સવ ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે મંદિરો અને શેરીઓમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. રાત્રે 12 વાગે મંદિરોમાં મટકી ફોડવામાં આવે છે. તે સાથે જ 'જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખીના નાદ' થી વાતાવરણ ગૂંજી ઉઠે છે અને લોકો કૃષ્ણ જન્મોત્સવના ઉત્સાહમાં ઓતપ્રોત થઈ જાય છે.

ભાદરવા સુદ ચોથ - ગણેશ ચતુર્થી -27/08/25

દર વર્ષે ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશોત્સવની શરૂઆત થાય છે. આ ગણેશોત્સવ આવનાર નવ દિવસ ચાલે છે. આ તહેવાર મહારાષ્ટ્રના મુખ્ય તહેવારોમાંથી એક છે. તેની મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાતમાં પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ નવ દિવસ ગલી મોહલ્લામાં ઠેર ઠેર વિશાળ ગણેશ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. તેમજ આવનાર નવ દિવસ સુધી બાપ્પાની આગતા સ્વાગતા કરવામાં આવે છે. આ તહેવારમાં છેલ્લા દિવસે એટલે કે નવમા દિવસે ગણેશ વિસર્જન કરી ગણપતિ દાદાને વિદાય આપવામા આવે છે. ભક્તો આંખોમાં અશ્રુ સાથે તેમને વિદાય આપે છે. ગણેશોત્સવ દરમ્યાન મહોલ્લામાં અને સાર્વજનિક રીતે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

આસો સુદ એકમ -નવરાત્રિ પ્રારંભ - 22/09/25

આસો સુદ એકમથી મા દુર્ગાની નવરાત્રિનો પ્રારંભ થાય છે. આ તહેવાર ગુજરાતનો જ નહીં સમગ્ર વિશ્વનો સૌથી લાંબો નૃત્યોંત્સવ-તહેવાર છે. આ તહેવારમાં મા આદ્યશક્તિ જગદમ્બાની અને તેના નવ અવતારોની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ તહેવારમાં ગરબાનું આગવું મહત્વ છે. નવ દિવસ માતાના ગરબા ધામધૂમથી કરવામાં આવે છે. તે ઉપરાંત લોકો નવ દિવસના ઉપવાસ કરે છે. તેમજ છેલ્લા દિવસે કુંવારીકાને ભોજન કરાવવાને શુભ મનાવામાં આવે છે.

આસો સુદ દશમ-દશેરા -02/10/25

નવરાત્રિ પછીના દશમા દિવસને દશેરા તરીકે ઉજવામાં આવે છે. તેનું પણ પોતાનું આગવું મહત્વ છે. દશેરાના દિવસે વાહનો અને શસ્ત્રો ની પૂજા કરવાનું મહાત્મ્ય છે. લોકો આ દિવસે નવા વાહનો પણ ખરીદે છે. તે સાથે જ દશેરાના દિવસે ધર્મનો અધર્મ પર વિજય થયો હોવાથી તેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એ જ દિવસ છે જ્યારે રામે રાવણનો વધ કરી અધર્મ પર ધર્મનો વિજય કર્યો હતો. આ દિવસે દેશના વિવિધ ખૂણામાં રાવણ દહનનું આયોજન પણ કરવામા આવે છે. તે દિવસે ગુજરાતમાં ફાફડા જલેબી ખાવાનો રિવાજ છે.

આસો વદ બારસ - વાઘ બારસ - 17/10/25

વાઘ બારસના દિવસથી દિવાળીના તહેવારની શરૂઆત ગણવામાં આવે છે. વાઘ બારસના દિવસે ગાય અને વાછરડાંની પૂજા કરવામાં આવે છે. ગાયને આપણા શાસ્ત્રોમાં માતાનું સંબોધન કરવામાં આવ્યું છે.

આસો વદ તેરસ -ધનતેરસ 18/10/25

ધનતરેસના દિવસે લોકો ધનની દેવી લક્ષ્મીની પૂજા કરે છે. ધનતેરસ દિવાળીના બે દિવસ પહેલા આવે છે. તે દિવસે લોકો સાંજે ઘરે અને ઓફિસમાં દીપ પ્રગટાવી માતા લક્ષ્મીની પૂજા કરે છે. તે સાથે જ એ વાત પણ સંકળાયેલી છે કે સમુદ્ર મંથન દરમ્યાન ભગવાન ધન્વતંરી પ્રગટ્યા હતા તેથી તેને ધન્વંતરી ત્રયોદશી કે ધન્વતરી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ધનતેરસના દિવસે સોનું યાંદી ખરીદવાને શુકનવંતુ ગણવામાં આવે છે. આ દિવસે લોકો સોના ચાંદીની ખરીદી કરે છે. ધનતેરસના દિવસે ધન-ધાન્ય-સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્વ છે. પુરાણોમાં મળતા ઉલ્લેખ અનુસાર બલિરાજાના કારવાસમાં કેદ લક્ષ્મીજી અને અન્ય દેવતાઓને વિષ્ણુજીએ તેરસના દિવસે મુક્ત કરાવ્યા હતા. તેથી આ દિવસને લક્ષ્મીપૂજનો દિવસ માનવામા આવે છે.

આસો વદ કાળી ચૌદશ- 20/10/25

ધનતેરસ પછીના બીજા દિવસને કાળી ચૌદશ, નરક ચતુર્દશી, રૂપચૌદશ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી ચૌદશના દિવસે શ્રીકૃષ્ણએ નરકાસુર નામના રાક્ષસનો વધ કરી તેના ત્રાસમાંથી લોકોને મુક્ત કર્યા હતા. નરકાસુરનો વધ કર્યો હોવાથી તેને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી ચૌદશને મેલી વિદ્યાના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.મેલિ વિદ્યાના સાધકો કાળી ચૌદશના દિવસે સાધના કરી ફળ મેળવવા માંગે છે.

આસો વદ અમાસ -દિવાળી - 21/10/25

આસો વદ અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. તે દિવસે ભગવાન રામ રાવણનો વધ કરી આયોધ્યા પરત ફર્યા હતા. તેથી તે દિવસે સમગ્ર અયોધ્યામાં દીવા પ્રગાટવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેથી દિવાળીને પ્રકાશ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે.

દિવાળીના દિવસે લોકો પોતાના આંગણામાં રંગોળી બનાવે છે. તેમજ પ્રકાશ પર્વની ઉજવણી દિપ પ્રગટાવી કરે છે. તે દિવસે સમગ્ર દેશ દીવાના પ્રકાશથી ઝળહળી ઉઠે છે. ચારે બાજુ પ્રકાશ જ પ્રકાશ રેલાય છે. લોકો એક બીજાને દિવાળીની શુભેચ્છા પાઠવે છે. સાથે જ નાના બાળકો આ પર્વની ઉજવણી ફટકડા ફોડી કરે છે. ચારે બાજુ હર્ષોલ્લાસ જોવા મળે છે. આ વર્ષે દિવાળીનો તહેવાર 21 ઓકટોબર 2025ના રોજ મનાવામાં આવશે.

કારતક સુદ એકમ-બેસતુ વર્ષ - 22/10/25

કારતક સુદ એકમ હિન્દુઓનું નવુ વર્ષ માનવામાં આવે છે. તેને બેસતુ વર્ષ પણ કહેવામાં આવે છે. કારતક સુદ એકમના દિવસે લોકો નવા વર્ષની ઉજવણી કરે છે. ઘરની બહાર રંગોળી બનાવે છે. એક બીજાને ગળે મળે છે અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. આ વર્ષે 22 નવેમ્બર 2025ના રોજ બેસતુ વર્ષ છે.

ગુજરાતી લોકોનું નવું વર્ષ કારતક સુદ એકમથી શરૂ થાય છે. તેને પડવો પણ કહેવામાં આવે છે. કારતક સુદ એકમથી વિક્રમ સંવતનું નવું વર્ષ ચાલુ થાય છે. આ દિવસે વેપારી માણસ જૂનું ખાતુ બંધ કરી નવું ખાતુ ચાલુ કરે છે. બેસતા વર્ષના દિવસે વ્યવસાયિક લોકો નવા વર્ષે ચોપડા પૂજન કરી તેમના ધંધાની નવી શરૂઆત કરે છે. તે દિવસે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે.

કારતક સુદ બીજ - ભાઈ બીજ 23/10/25

દિવાળી પછીના બીજા દિવસને ભાઈ બીજ તરીકે ઉજવામાં આવે છે. આ તહેવાર ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક છે. ભાઈબીજના દિવસે ભાઈ બહેના ઘરે જાય છે. ભાઈબીજ સાથે યમુનાજી અને તેમના ભાઈ યમ સાથે સંકળાયેલી છે. તેથી આ તહેવારને યમ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે.

યમરાજ તેમની બહેન યમુનાને ખૂબ પ્રેમ કરતા હતા. પરંતુ માતા યમુનાના લગ્ન થઈ ગયા હોવાથી તે તેમને મળી શકતા ન હતા.ત્યારે એક દિવસે યમરાજને તેમની બહેન ખૂબ યાદ આવતા તે તેમને મળવા તેમના ઘરે જાય છે. ત્યારે કારતક સુદ બીજ હોવાથી તેને ભાઈબીજ તરીકે ઓળખવામાં આવે છે. પોતાના ઘરે ભાઈને આવેલા જોઈ યમુનાજી ખૂબ જ ખુશ થયા. તેમણે ભાઈ યમરાજને તિલક કરી મીઠાઈ ખવડાવી. તેથી પ્રસન્ન થઈ યમરાજે બહેન યમુનાને વરદાન માંગવા કહ્યું.

તે સમયે યમુનાજીએ વરદાન માંગ્યું કે હવેથી તમે દર વર્ષે આ દિવસે મળવા આવશો. આ દિવસે જે બહેન ભાઈના કપાળ પર તિલક કરશે તેને યમરાજ દીર્ધાયુષ્ય આપશે. તે ભાઈ બહેનની રક્ષા કરશે. તેના પર યમરાજે યમુનાજીને તથાસ્તુ કહી વરદાન આપ્યું. ત્યારથી દર વર્ષે કારતક સુદ બીજને ભાઈબીજ તરીકે ઉજવવામાં આવે છે.

કારતક સુદ પાંચમ - લાભ પાંચમ 26/10/25

લાભ પાંચમને દિવાળીના તહેવારનો છેલ્લો દિવસ કહેવાય છે. તે દિવસે વેપારીઓ પોતાના ધંધાનું મુહૂર્ત કરે છે. લાભ પાંચમને દિવસે કરેલી પૂજા સૌભાગ્ય લાવનારી માનવામાં આવે છે.

કારતક સુદ એકાદશી -દેવી ઉઠી એકાદશી -01/11/25

આ એકાદશીનું અન્ય એકાદશી કરતા ઘણું વધુ મહત્વ છે. સનાતન ધર્મમાં આ એકાદશીનું આગઉ મહત્વન છે. કારતક સુદ એકાદશીને દેવી ઉઠી એકાદશી કે દેવ પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે. આ એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે.

કહેવાય છે કે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર્તુમાસ પછી યોગનિદ્રામાંથી જાગે છે. દેવી ઉઠી એકાદશી પછી સારા કાર્યો જેવા કે ગૃહ સંસ્કાર, લગ્ન, મુંડન જેવા સારા કાર્યો ફરીથી ચાલુ થાય છે. આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી સાંસારિક પાપોમાંથી મુક્તિ મળે છે.

આ પણ વાંચો: 3500 વર્ષ જૂના કબ્રસ્તાનમાં દફનાવેલ 'બુક ઓફ ડેડ' મળ્યું, જાણો શું છે તેનું રહસ્ય

Advertisement

.

×