I am Vrushali : અંગરાજ વસુષેણ કર્ણના જીવનરૂપી મહાકાવ્યમાં કર્ણની અંગરાજ્ઞી
I am Vrushali : કોણ છે આ વૃષાલી? કોણ છું હું? એ તથ્યની પૂર્ણ સંભાવના છે કે તમે મને ન જાણતા હોવ, મારું નામ સુદ્ધાં તમે ન સાંભળ્યું હોય એ સહજ છે. તમે મને શું કામ ઓળખો? લોકો મને કયા કારણથી જાણે? મારા અસ્તિત્વનું કારણ તો મહદંશે સ્વયં હું પણ સ્પષ્ટ રીતે સમજી શકી નથી તો બીજા એને કઈ રીતે જાણી કે પ્રમાણી શકવાના?
પરંતુ બીજી રીતે વિચારી જુઓ તો એમ પણ થાય કે આપણી આસપાસના લોકોમાંથી પોતાના અસ્તિત્વનું કારણ કોણ પૂર્ણપણે સમજી શક્યું છે? આપણાં હોવા – ન હોવાની અસરનો પરિધ કેટલો? ખૂબ ઓછો, કદાચ એક પરિવાર કે સગાંઓના વિસ્તાર કે કોઈ રાજ્ય પૂરતો એ સીમિત નથી? પોતાના અસ્તિત્વથી વિશ્વને બહુ ફરક પડી જવાનો છે એવું માનતા લોકોની ચિતાની રાખ પણ રજકણ બનીને પંચમહાભૂતમાં ઉડી - ભળી ગઈ છે.
I am Vrushali : મહાગાથા ગણાતી કથાઓ આજે વિસરાઈ ગઈ
સમય જાણે એક અનંત ઉંડો-અતળ કૂવો છે, એના ગર્ભમાં તો અનેક મહારથીઓ, મહાજનપદો, મહાગાથાઓ, અનેક સંસ્કૃતિઓ, સભ્યતાઓ અને સમાજ અને એ સાથે અનેક કથાઓ – એ બધું સમાઈ ગયું છે. એ બધું જ જે ક્યારેક આ પૃથ્વી પર અદ્વિતિય હતું, એ લોકો જે ક્યારેક અજેય હતાં, અપ્રતિમ બળ, અનોખું શરીરસૌષ્ઠવ અને અવર્ણનીય સુંદરતા ધરાવતા એ લોકો ક્યાં ગયા? એ સઘળું કાળની ગર્તામાં સમાતું ગયું. લોકોના સ્મૃતિપટલ પરથી ભૂંસાતું રહ્યું અને અંતે નામશેષ થઈ ગયું. આપણે ક્યાં સુધી જીવીએ છીએ?
જ્યાં સુધી પૃથ્વીના પટ પર રહેલો આપણને યાદ રાખતો છેલ્લો માણસ છે ત્યાં સુધી જ તો... એક ક્ષણે ભૂમિના પટ પર ધબકતી મહાન સભ્યતાઓ અને ઉત્તમ સંસ્કૃતિ બીજી ક્ષણે જાણે કદી હતી જ નહીં એમ બિલકુલ લુપ્ત થઈ ગઈ છે - ફક્ત ભૌતિક રીતે નહીં, લોકોના સ્મરણમાંથી પણા એક સમયે મહાગાથા ગણાતી કથાઓ આજે વિસરાઈ ગઈ છે! એનું સ્થાન નવી ગાથાઓ, નવી સભ્યતાઓ અને નવી સંસ્કૃતિઓએ લીધું છે! આવતીકાલે એ બધું પણ ભૂંસાઈ જશે! કાળ કોઈને છોડતો નથી!
અને એટલે જ હું વિચારું છું કે કાળની આ અનેરી રમત સામે એક ક્ષુલ્લક સ્ત્રી, એક સૂતપુત્રી વૃષાલીનું શું ગજું? શું મારી વિશેષતા એ જ કે મેં કુરુક્ષેત્રના રણમેદાનમાં થયેલા અતુલ્ય સમરને જોયું – જાણ્યું – અનુભવ્યું છે? એ સમય દરમ્યાન જન્મ લીધો હોવાને લીધે, એ અનોખા લોકોની વચ્ચે જીવી હોવાને લીધે, શ્રીકૃષ્ણનું ક્વચિત સામિપ્ય પામી હોવાને લીધે-અંગરાજ કર્ણને લીધે હું વિશેષ છું? - કદાચ હા!
I am Vrushali -મને મારી વાત મૂકવાનો આ અવસર મળ્યો એ ય ઘણું.
સમયની એ બલિહારી છે કે એ દરેકને પોતાની વાત મૂકવાનો અવસર આપે છે! સમયના ગર્ભમાં દબાયેલું ઘણું અચાનક અનેક સદીઓ પછી પાછું આળસ મરડીને ઉઠે અને ચર્ચામાં આવે એવું ક્વચિત થતું આપણે સૌએ અનુભવ્યું છે. કોને માટે એ અવસર ક્યારે આવશે એ નિર્ણય ભલે સમય પોતે કરતો; મને મારી વાત મૂકવાનો આ અવસર મળ્યો એ ઘણું છે.
ખરું પૂછો તો મારા જીવનમાં – મારી કથામાં ચર્ચા કરવા જેવું, જાણવા જેવું, અહોભાવ અનુભવવા જેવું કે ધૃણા કરવા જેવું શું છે? શું છે જે અગત્યનું હતું? જે આપ સૌ સમક્ષ મૂકવા હું સદીઓ પછી જાગૃત થઈ? મારું અસ્તિત્વ તો અંગરાજ વસુષેણ કર્ણના જીવનરૂપી મહાકાવ્યમાં એમની સહચરી તરીકે ફક્ત એક શ્વોક પૂરતું જ સીમીત થઈ શકે એટલું નગણ્ય છે, આ વિચારું છું ત્યારે જ મને યાદ આવે છે પિતાજીની વાણી, એમણે કહ્યું હતું કે દરેક શ્વોક, દરેક શબ્દ, પ્રત્યેક અક્ષર એક લોક સુધીની યાત્રા કરાવી શકે એવો સમર્થ હોઈ શકે છે. અંગરાજ વસુષેણની યાત્રા એક ક્ષત્રિયની સૂત તરીકે અને પછી ફરી એક સૂતની ક્ષત્રિય તરીકેની યાત્રા છે. જીવનના બે અંતિમોની વચ્ચે એ સતત ઝૂલતાં રહ્યાં છે અને એમની સાથે એ દરેક અંતિમ પર એમના અસ્તિત્વનો અવિભાજ્ય હિસ્સો બનીને ઉભી હતી હું-વૃષાલી.
અર્જુનના વિષાદનો ઉત્તર તો શ્રીકૃષ્ણે આપ્યો પણ અંગરાજના વિષાદનું શું?
ઘટિકાયંત્રમાં ભલે રેતી સરકતી હોય, પણ એ માધ્યમે ખરેખર તો સરતો હોય છે સમય. અંગરાજ જો સમય હોય તો હું રેતકણ બનવા જેટલી પાત્રતા ધરાવું જ છું, તમે કદી વિચાર્યું છે કે અર્જુનના વિષાદનો ઉત્તર તો શ્રીકૃષ્ણે આપ્યો પણ અંગરાજના વિષાદનું શું? એમને તો ખબર હતી કે એમના સગા ભાઈઓ સામે એ યુદ્ધે ચડવાના છે. એમનો વિષાદ અર્જુનથી મોટો નહોતો? કદાચ! શું એમના વિષાદનું નિવારણ કોઈએ કર્યું?
અંગરાજ કર્ણ(karna)અને હસ્તિનાપુરના રાજકુમાર દુર્યોધન-Duryodhan સાથે એમણે લીધેલા દરેક નિર્ણય પર તર્કનું યથાર્થતાનું એની યોગ્યતાનું અને એ નિર્ણયોની ધર્મ સાથે સુસંગતતાનું પ્રશ્નચિહ્ન હતી હું! એમના દરેક પગલે રજ બનીને પથરાઈ હતી હું. એમના દૈદિપ્યમાન વ્યક્તિત્વમાંથી પ્રગટતું પ્રકાશમાન કિરણ હતી હું! - હા હું વૃષાલી છું –હતી; મારી સર્વસામાન્ય ઓળખ છે અંગરાજ વસુષેણ કર્ણની પત્ની તરીકેની.. પણ ફક્ત એ જ મારી ઓળખ નથી. કોઈ સ્ત્રીની ઓળખ ફક્ત એના પતિને લીધે પૂર્ણતાને પામતી નથી. કારણ કે અંગરાજ્ઞી થતાં પહેલા હું હતી સૂતપુત્રી! સમાજને જ્ઞાન આપનાર, માર્ગ બતાવનાર એક વિચક્ષણ નીતિનિપુણ સૂતની પુત્રી! અર્ધનારિશ્વર શિવ પણ શક્તિ વગર અધૂરા છે; અને એ જ શક્તિની પોતાની ઓળખ છે, પૂર્ણતા તરફનો પ્રવાસ, સર્જન પાલન કે સંહાર શક્તિ વગર શક્ય નથી જ.
સઘળું ગુમાવીને પણ ગૌરવ અનુભવવાનું દુષ્કર કાર્ય મળ્યું
મારી જીવનગાથા મહત્વાકાંક્ષાથી ભરપૂર, જીવનના સર્વે ઉપભોગો માણતી, વિલાસિતામાં આળોટતી અને સત્તા માટે પ્રયત્નો કરતી કોઈ સામ્રાજ્ઞિના જીવનની રાજકારણના ઉતારચડાવથી ભરેલી યાત્રા નથી, કદાચ અન્ય રાજસ્ત્રીઓની જેમ મારી ગાથામાં તમને મારા અસ્તિત્વને પ્રમાણિત કરતું કોઈ કારણ ન પણ મળે; તો સામે પક્ષે મારી જીવનગાથા કોઈ સૂત સ્ત્રીની જીવન સરિતાની જેમ તદ્દન સરળ, એકધારી, એકમાર્ગી અને નિર્મળતાથી વહી નથી, એમાં ડગલે ને પગલે અણધાર્યા વળાંક મળ્યા છે. આકરી કસોટીઓ આવી છે, નિર્ણયોને પ્રમાણિત કરવાનો કાર્યબોજ આવ્યો છે અને સઘળું ગુમાવીને પણ ગૌરવ અનુભવવાનું દુષ્કર કાર્ય મળ્યું છે. મારા નિર્ણયોએ ભલે પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે અનેકોના જીવનમાં ભાગ ભજવ્યો છે.
અંગરાજ ભલે જન્મે ક્ષત્રિય, પણ જીવન તો તેમણે સૂત તરીકે જ વીતાવ્યું. જ્યારે મેં સૂતપુત્રી હોવા છતાં એક ગર્વિષ્ઠ ક્ષત્રિયાણીના જીવનનાં અનિવાર્ય અંગ એવાં વણકહ્યાં સંવેદનો, અગમ્ય મનોરથો, કર્તવ્યપાલનનો ગર્વ, યુદ્ધોની ભયાનકતા અને પ્રજાપાલનની સાવ સામાન્ય લોકોના અંતરના આશિર્વાદ પ્રાપ્ત કરવાની સંતોષપ્રદ ગૌરવશાળી ક્ષણો ભોગવી છે. સૂતકન્યા હોવા છતાં એક ક્ષત્રિયાણીનું જીવન મને જીવવા મળ્યું એ મારું નસીબ જ કહી શકો જેની અનેકોને સતત ઈર્ષ્યા રહેતી પણ મને જ ખ્યાલ છે કે મેં કેટલું પ્રાપ્ત કર્યું અને કેટલું ગુમાવ્યું. એ હિસાબ તો હું જાણું, બીજું જાણે મારું મન, અને ત્રીજા - પૂર્ણપુરુષોત્તમ સખા શ્રીકૃષ્ણ(Krushna).
આ પણ વાંચો : Manifestation : માણો શુભ સંકલ્પની તાકાત!


