Yogasan: કબજિયાતને જડમૂળથી દૂર કરવા રોજ કરો આ 3 આસન
- વજ્રાસન તંદુરસ્ત માનવીઓએ પણ કરવું જોઈએ
- પવનમુક્તાસનથી આંતરડાની કામ કરવાની ક્ષમતામાં વધારો થાય છે
- ભૂજંગાસનથી જૂની કબજિયાત દૂર થાય છે
Ahmedabad: "પહેલું સુખ તે જાતે નર્યા" આ કહેવત અનુસાર શરીરની તંદુરસ્તી બહુ મહત્વની છે. સમગ્ર શરીરમાં પણ પેટ તંદુરસ્ત હોવું બહુ જરૂરી છે. જો આપને પાચન સંબંધી સમસ્યાઓ હોય અથવા કબજિયાત રહેતી હોય તો શરીરમાં વિવિધ રોગોનો પગપેસારો થઈ જાય છે. તેથી જ કબજિયાત અને પાચન સંબંધી સમસ્યાઓને જડમૂળથી દૂર કરવી બહુ જરૂરી છે. જેના માટે આ 3 યોગાસનો રામબાણ ઈલાજ છે.
યોગાસન-1-વજ્રાસન
જમ્યા પછી કરી શકાતું હોય તેવા આસનો પૈકીનું એક આસન છે વજ્રાસન. ચયાપચયની ક્રિયામાં રક્ત પરિભ્રમણનું બહુ મહત્વ હોય છે. વજ્રાસનની પોઝિશનમાં બેસવાથી પેટના સ્નાયુઓ મજબૂત થાય છે અને પાચનક્રિયા સુધરે છે. વજ્રાસન કરવા માટે તમારા ઘૂંટણ પર બેસો. તમારી પીઠ સીધી રાખો અને તમારા હાથ તમારા જાંઘ પર રાખો. આ સ્થિતિમાં 2-3 મિનિટ રહો. નિયમિત વજ્રાસન કરવાથી પેટના સ્નાયુઓ મજબૂત થાય છે અને પાચન સુધરે છે. વર્ષો જૂની કબજિયાતમાં પણ ફેર પડે છે. વજ્રાસન તંદુરસ્ત માનવીઓએ પણ કરવું જોઈએ. તેનાથી શરીરને વજ્ર જેવી તાકાત પ્રાપ્ત થાય છે તેથી જ તેને વજ્રાસન કહેવામાં આવે છે.
આ પણ વાંચોઃ Health Tips: કેટલા ટકા બ્લોકેજ હોય તો હાર્ટ સર્જરી કરાવવી પડે, જાણો નિષ્ણાત પાસેથી
યોગાસન-2-પવનમુક્તાસન
પવનમુક્તાસન નામ પ્રમાણે ગુણ ધરાવે છે. આ આસનના નિયમિત અભ્યાસથી શરીરમાં રહેલ રોગકારક વાયુ દૂર થાય છે. શરીર હળવું બને છે. આ આસનના નિયમિત અભ્યાસથી આંતરડાની કામ કરવાની ક્ષમતામાં વધારો થાય છે. કબજિયાતથી મુક્તિ મેળવવા માટે પણ પવનમુક્તાસનને શ્રેષ્ઠ આસન ગણવામાં આવે છે. પવનમુક્તાસન કરવા માટે તમારી પીઠ પર સૂઈ જાઓ. બંને ઘૂંટણ વાળીને છાતી તરફ લાવો. બંને ઘુટણને હાથની પકડ બનાવીને જકડી રાખો. ત્યારબાદ નાકને ઘૂંટણને અડકવાનો પ્રયાસ કરો. આ સ્થિતિમાં 20-30 સેકન્ડ રહો અને ઊંડો શ્વાસ લો.
યોગાસન-3-ભૂજંગાસન
ભૂજંગાસનમાં શરીરનો આકાર સાપ જેવો થતો હોવાથી આ આસનને ભૂજંગાસન(સાપ જેવો આકાર) નામ આપવામાં આવ્યું છે. ભૂજંગાસન કરવા માટે તમારા પેટ પર સૂઈ જાઓ. હથેળીઓને ખભા નીચે રાખો અને શ્વાસ લેતી વખતે છાતી ઉપર ઉઠાવો. 15થી 20 સેકન્ડ આ સ્થિતિમાં રહો. ત્યારબાદ ધીરે ધીરે નીચે આવો (મૂળ સ્થિતિમાં આવો). આ આસન પેટ પર દબાણ લાવે છે, જેનાથી કબજિયાત અને ગેસની સમસ્યા ઓછી થાય છે. આ આસનને દિવસમાં 5 વાર કરવાથી કબજિયાત દૂર થાય છે અને પેટ મજબૂત થાય છે.
આ પણ વાંચોઃ Health Tips : હાડકાં મજબુત રાખવા હોય તો આજે જ આ 3 વસ્તુઓ છોડી દો, જાણો ડૉક્ટરે શું કહ્યું


