SIDDHAPUR : સવારનો નાસ્તો એટલે સિદ્ધપુરની પ્યાલી વાનગી, 70 વર્ષનો છે ઇતિહાસ
SIDDHAPUR : ગુજરાતમાં એક કહેવત છે કે “સસ્તું ભાડું અને સિધ્ધપૂરની જાતરા” સિધ્ધપુર એટ્લે ‘માતૃગયા’...સિધ્ધપુર એટ્લે જ્યાં હાલ પણ બ્રાહ્મણોની ચોર્યાશી થાય છે અને એ પણ પરંપરાજગત રીતે..અબોટિયાં,પંગત...વચ્ચે શ્લોકોની સમસામેની બઘડાટી...વ્હોરાઓની ભવ્ય હવેલીઑ...
ક્યારેક આપણી આજુબાજુની કેટલીક એવી વસ્તુઓ કે જગ્યાઓ હોય છે જેનું મહત્વ સમય જતાં સમજાય છે. ઉદાહરણ તરીકે, પાટણની રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ(World Heritage Site) નો દરજ્જો મળ્યા પછી તેનું મહત્વ વધ્યું અને પર્યટકોની સંખ્યા પણ વધી.
આવી જ કંઈક વાત છે પાટણ જિલ્લાના સિદ્ધપુર SIDDHAPUR શહેરની. RRR અને RAEES, મૂવી બાદ ગુજરાતનું પેરિસ ગણાતું આ ઐતિહાસિક શહેર મોટાભાગે ઘણા લોકોની નજરમાં ચડ્યું. આમતો સિદ્ધપુરનું બિંદુ સરોવર માતૃ શ્રાદ્ધ માટે પ્રખ્યાત છે.
ઇતિહાસ પ્રમાણે 19મી સદીના અંત અને 20મી સદીની શરૂઆતમાં અહીં દાઉદી વોહરા સમુદાયના લોકો સ્થાયી થયા, જેમણે શહેરની સાંસ્કૃતિક પરિદૃશ્ય પર ખાસ છાપ છોડી છે. એમાંથી એક અનોખી ઓળખ છે અહીંની "પ્યાલી" નામની વાનગી, જે આજના સમયમાં સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ પ્રખ્યાત છે.
વોહરાઓ માટે, સિદ્ધપુરનું મુખ્ય આકર્ષણ માત્ર તેની અદ્ભુત જાળીવાળા હવેલીના ઝરોખાઓની સાથે ચણા બટેટા વેચતી લારી છે. દરરોજ સવારે લોકો એક રીતિ રિવાજ હોય તેમ ચણા બટેટાના સ્વાદિષ્ટ બાઉલને આરોગવા પ્યાલીની લારી તરફ જાય જ છે અને પરંપરાગત રીતે નાસ્તા સમાન તેને માણે છે. સિદ્ધપૂરીઓ હંમેશા કહે છે કે સિદ્ધપૂર આવો અને ચણા બટેટા ન માણો, તો ધરમ ધક્કો કહેવાય.
SIDDHAPUR ની વોરા સમુદાયની આ ઐતિહાસિક વાનગી 'પ્યાલી'
સિદ્ધપુર(SIDDHAPUR )ના દાઉદી મોહલ્લા, અથવા "વોહરાવાડ,"ના મકાનો માટેનો ઇતિહાસ અદભૂત છે. પણ જ્યારે પણ આ રંગબેરંગી ગુજરાતની ધરોહર ગણાતા આ મકાનોને જોઈએ ત્યારે તે બોલિવુડની કોઈ ફિલ્મના સેટ જેવી મનમોહક લાગે કારણ કે આ મકાનો લાકડાના સુંદર નકશીકામથી બનેલા છે. સિદ્ધપુરની "પ્યાલી" વિશે સાંભળતાં પહેલા મનમાં એજ વિચાર આવે કે રાજકોટ કે ભાવનગરનો પ્યાલી ગોળા જેવી કોઈ વાનગી હશે. પરંતુ, આ "પ્યાલી" તેના સ્વરૂપમાં તદ્દન અલગ છે. વોરા સમુદાયની આ ઐતિહાસિક વાનગી 'પ્યાલી' માત્ર સિદ્ધપુર પૂરતી મર્યાદિત નથી રહી, હવે તે મુંબઈના સ્ટ્રીટ ફૂડ કલ્ચરમાં પણ લોકપ્રિય બની છે, કારણ કે ત્યાં મોટા પ્રમાણમાં બોહરા સમુદાયના લોકો વસે છે.
સિદ્ધપુરમાં મળી રહેતી પ્યાલી, જેને ચણા-બટેકા ચાટ તરીકે ઓળખવામાં આવે છે, આ શહેરનું એક મોખરાનું સ્ટ્રીટ ફૂડ ગણાય છે. આ અનોખી વાનગી આજની તરીખે માત્ર 30 રૂપિયા જેવી સામાન્ય કિંમતમાં ઉપલબ્ધ છે, જે ખાવાના શોખીનો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ચણાની મીઠાસ અને મસાલેદાર બટેકાના મિશ્રણ સાથે બનતી આ વાનગીનો સ્વાદ અનોખો છે. તેમાં મેંદાની પાતળી પુરી, મસાલા બટેકા, બાફેલા ચણા, લચકો પીળી કઢી, ખજૂર-આંબલીની મીઠી ચટણી, લાલ મરચા પાવડર સાથે લીલી મરચાની ચટણી અને તાજી જીણી સમારેલી કોથમીર ઉમેરી તૈયાર થતી આ વાનગી ખાવા સિદ્ધપુર વાસીઓના ટોળાં વડે છે.
SIDDHAPUR નું બુરહાની નાસ્તા ઘર ચણા બટેટા
આ પ્રખ્યાત વાનગીના સ્થાપક સિદ્ધપુરના દહૂદી વોહરા સમુદાયના યુસુફભાઇ હબીબ હતા, જેઓ નાનપણથી જ વિવિધ વાનગીઓ બનાવતા અને નવીન પ્રયોગો કરવાના શોખીન હતા. વર્ષો પેહલા આ વાનગી પુરી વગર માત્ર ચણા બટાકા તરીકે વોહરા સમુદાયમા નાસ્તામા ખવાતી હતી. આ વાનગીથી પ્રેરાઈને, યુસુફભાઈએ પોતાનો ખાસ સ્વાદ અને મસાલા વિકસાવ્યા, જેમાં ફરસી પુરી, કઢી અને ચટણી જેવી બીજી સામગ્રીનો ઉમેરો કર્યો. 1952માં, તેમણે સિદ્ધપુરના ઇસ્લામપુર જમ્પ્લી પોળમાં સેન્ટ્રલ બેંક સામે 'બુરહાની નાસ્તા ઘર ચણા બટેટા' નામે એક લારી શરૂ કરી અને પોતાની વ્યવસાયીક જિંદગીની સફરની શરુઆત કરી. આ વ્યવસાયમાં શરૂઆતમાં માત્ર 1-2 પૈસામાં આ વાનગી પીરસાતી હતી. સિદ્ધપુરવાસીઓને ચખાડતા જ આ વાનગી ટૂંક સમયમાં ખૂબ લોકપ્રિય બની ગઈ. હાલમાં ત્રીજી પેઢીના નુરુદ્દીન હબીબ અને તેમના પિતા અબ્બાસભાઈ દ્વારા આ વ્યવસાય આગળ ધપાવવામાં આવી રહ્યો છે.
નુરુદ્દીનભાઈ કહે છે, "અમારી લારીની ડિઝાઇન અને સજાવટ આજે પણ 1952 જેવી યથાવત રાખવામાં આવી છે. સમય સાથે માત્ર કાચ અને રંગમા ઉમેરા કરાયા છે. નામ પણ જે રીતે એ સમયમાં બનાવવામાં આવ્યું હતું એજ અમે રાખ્યું છે. અમે સાદગી અને ગુણવત્તામાં કોઈ પણ સમજૂતી કરતા નથી. 'પ્યાલી' નામ મારા દાદા યુસુફભાઇ તે સમયમાં સીરામિકના ગોળ વાટકામાં વાનગી પીરસતાં હોવાથી મળ્યું હતું. 70 વર્ષથી આ વાનગીનો સ્વાદ અને રાંધવાની પરંપરા એ જ છે. તે સમયની ભાવસ્થિરતા અને ગુણવત્તા આજ સુધી જાળવવામાં આવી છે, જે અમારું મુખ્ય લક્ષ્ય છે."
તીખી ચટણી અને ખજૂરની મીઠી ચટણી સાથે ખાવામાં અવિસ્મરણીય અનુભવ
SIDDHAPURના નુરુદ્દીનભાઈના કહેવા મુજબ, પ્યાલીમાં વપરાતા બધા મસાલા ઘરઘથ્થું છે એટલે કે હાથે બનેલા છે. તેઓ કહે છે, "અમે મસાલા બટેકા માટે ખાસ મીઠા બટેકા મંગાવતા હોઈએ છીએ. કઢી અને ચટણી કોલસાની ભઠ્ઠી પર રાંધવામાં આવે છે, જેનાથી આ વાનગીમાં એક નેચરલ સ્મોકી અને પરંપરાગત સ્વાદ આવે છે. મૈંદાની પુરી સામાન્ય પુરી કરતા અલગ અને ખાસ છે, તીખી ચટણી અને ખજૂરની મીઠી ચટણી સાથે ખાવામાં અવિસ્મરણીય અનુભવ આપે છે."
વાનગી સંપૂર્ણ શાકાહારી
તેઓ તમામ સામગ્રી કઈ રીતે ઉપયોગમાં લેવાય તેની માહિતી આપતા કહે છે, "મસાલા બટેકા માટે લીલી મરચીના ટુકડા સૌ પ્રથમ સિંગતેલમાં સાતળી તેમાં લાલ મરચું પાવડર અને ગરમ મસાલો ઉમેરી મીઠા બટેકાને રાંધવામાં આવે છે. કઢી માટે પાણીમાં મીઠુ, ચણાના લોટ ઉમેરી ઉકાળી તેમાં મલાઈના મિશ્રણથી તેને ક્રિમી ટેક્સચર અપાય છે. આ કઢીનો સ્વાદ મોળો હોય છે. ખજૂર અને આંબલીની ચટણીને અડધો કલાક મસાલા ઉમેરી ઉકળવામાં આવે છે જે પ્યાલીમાં ખટમીઠો સ્વાદ આપે છે. અમારું પ્રોડક્શન વર્કશોપ લારીની સામેની દુકાનમાં જ સ્થિત છે, જ્યાં તાજો અને શુદ્ધ માલ તૈયાર થાય છે. આ વાનગી સંપૂર્ણ શાકાહારી છે, અને તેની તમામ સામગ્રી અહીં જ તૈયાર કરવામાં આવે છે.
આ પ્યાલી માટે દરરોજ સવારે 9થી 12 સુધી લાઈનો લાગી જાય છે, અને શનિવાર-રવિવારની ભીડ તો ખાસ જબરજસ્ત હોય છે. અહીં ફક્ત સિદ્ધપુરવાસીઓ જ નહીં, પરંતુ બહારગામથી ફરવા આવેલા લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ખાસ કરીને વેકેશન અથવા રજાના દિવસોમાં, વધુ પાર્સલ સુવિધા ઉપલબ્ધ કરવી પડે છે. સિદ્ધપુરની આ પ્યાલી માત્ર બે-ત્રણ જગ્યાએ જ મળે છે, પરંતુ અહીંનો સ્વાદ અનન્ય છે, કારણ કે આ વાનગીના મૂળ સ્થાપક યુસુફભાઇ છે. આ પ્યાલી હવે દુબઈ સુધી પણ પહોંચી છે. ભાવસ્થિરતા માટે ગાંધીજીના સત્ય અને અહિંસાના સિદ્ધાંતને અનુસરતા, તેઓ ગુણવત્તા સાથે કોઈ સમજૂતી કરતા નથી. "મોંઘવારી છતાં અમે શ્રેષ્ઠ ગુણવત્તા જાળવીએ છીએ, અને અહીંની સુવિધાઓ સસ્તી હોવા છતાં અમે કોઈ પણ ચોખાઈ થી લઇ ગુણવત્તા સુધી કોઈ સમાધાન કરતા નથી." એમ તેઓ ગર્વભેર કહે છે.
પ્યાલી પીરસવાની એક ખાસ શૈલી
પ્યાલી પીરસવામાં એક ખાસ શૈલી અપનાવવામાં આવે છે જેમાં બટેકાના નાના ચોરસ ટુકડાઓમાં બાફેલા ચણા, મૈંદાની પુરીના ટુકડાઓ પર કઢી, ખજૂરની ચટણી, લાલ મસાલેદાર ચટણી અને કોથમીર છાંટી પીરસવામાં આવે છે. સમય સાથે, ગ્રાહકોને તેમની પસંદગી પ્રમાણે વાનગીને કસ્ટમાઈઝ કરવાની સવલત પણ અપાઈ છે. "આ નાસ્તો માત્ર એક વાનગી જ નહીં, પરંતુ એક ઐતિહાસિક અનુભવ છે," તેઓ અંતમાં ઉમેરે છે.
સિદ્ધપુરની ઓળખ સમી પ્રખ્યાત 'પ્યાલી' વાનગીની વિશિષ્ટતા તેની સામગ્રીના સંયોજનમાં છુપાયેલી છે: ચણા, મસાલાવાળા બટેટાં, ખજૂર-આંબલીની ચટણી, પાપડી, તાજી ક્રિમી કઢી અને લાલ મરચાની ચટણી. માત્ર 30 રૂપિયામાં મળતી આ વાનગીનો સ્વાદ એટલો અદભૂત છે કે બીજી કોઈ વાનગીને સરખાવી શકાતી નથી. સિદ્ધપુર જવાનુ થાય તો પ્યાલી અવશ્ય ચાખજો. આ વાનગીનો સ્વાદ તમારું દિલ જીતી લેશે અને તમારું મન ફરીથી આ ડીશની લલચાણમાં સિદ્ધપુર શહેર તરફ ખેંચાય જશે એ ગેરંટી.
આ પ્યાલી સિદ્ધપુર (SIDDHAPUR)ની પ્રખ્યાત વાનગીઓનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. આ ઉપરાંત, આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ પરંપરાનું પ્રતિબિંબ પણ છે, જે ઘણા વર્ષોથી ગૌરવપૂર્વક ચલાવવામાં આવી રહી છે. ત્રીજી પેઢી દ્વારા આ વાનગીનું મહત્વ અને ગુણવત્તા જાળવી રાખવામાં આવી છે. તમે પણ જો સિદ્ધપુર જઈ રહ્યા હોય તો અહિયાંની પ્યાલી જરૂર થી ચાખજો. મોજ પડશે.
આ પણ વાંચો : Life Style : પ્રેશર કૂકરના ઉપયોગની અણઆવડત તમને હોસ્પિટલ પહોંચાડી શકે છે, વાંચો વિગતવાર


