Strong willpower : આપણી અંદરના અવાજને સરવા કાને સાંભળીશું તો આંતરિક વિજય પાક્કો
Strong willpower : ફ્રેડરિક લુમિસ(Frederick Loomis)સ્ત્રીરોગનાં જાણીતા નિષ્ણાત હતા. રાતદિવસ એમણે સ્ત્રીનાં દુ:ખ-દર્દ દૂર કરવા માટે સમર્પિત કર્યા. એકવાર માગરિટ નામની સ્ત્રી એમની હોસ્પિટલમાં આવેલી અને એમને પત્ર લખેલો. એ પત્ર વાંચીને ફ્રેડરિકનું જીવન બદલાઈ ગયું. પત્રનો સૂર એવો હતો કે, તમે સતત બીજાની સેવા કરો છો પણ પોતાની જાતની કદી સેવા કરી? તમે તમારી જાતને, તમારા માંહ્યલાને અન્યાય કરો છો. એ પત્ર દસેકવાર વાંચી ગયા. રાત આખી ઊંઘી ન શક્યા. બીજે દિવસે ત્રણ મહિનાની રજા પર ઊતરી ગયા. આપણી જાતને આપણે બહુ ટેક ઈટ ઇઝી લઈએ છીએ. આત્માને અન્યાય કરી બેસીએ છીએ. બીજા જેટલું જ પોતાની જાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
મક્કમ મનોબળ હોય તો જ કોઈ વ્યસન છોડી શકીએ છીએ. જેમ કોઈ થાંભલાને પકડીને આપણે ઊભા રહીએ અને રાડો પાડીએ કે થાંભલો મને નથી છોડતો. અરે ભાઈ, તું થાંભલાને છોડી દે એટલે તું મુક્ત થઈ જઈશ. વ્યસનનું પણ એવું જ છે. તમે પકડીને બેઠા છો અને રાડો પાડો છો કે વ્યસન મને નથી છોડતું. ગુસ્સો નુકસાનકારક છે, પણ ઘણીવાર ગુસ્સો ફાયદાકારક બને છે. પતિના વ્યસન સામે પત્નીનો ગુસ્સો ઉપકારક બને છે. આવો ગુસ્સો સંબંધને સુદૃઢ બનાવે છે. પોતાનાં હોય એનાં સૂચનો સાંભળતા થઈએ અને સૌથી અગત્યનું કે, આપણી અંદરના અવાજને સરવા કાને સાંભળીશું તો આંતરિક વિજય પાક્કો. આંતરિક વિજય મેળવનાર વ્યક્તિને કદી બાહ્ય જગત પરાજિત કરી શકતું નથી.
Strong willpower: યોગ સાથે નિયમિત જીવનનો સંયોગ
ભીતરની દુનિયામાં બધું ઉત્તમ જ છે એવું નથી, એની પણ બીજી સાઇડ છે, જેને આંતરિક વિરોધી શક્તિ કહે છે. એ માટે આત્મનિરીક્ષણ જરૂરી હોય છે. પોતાના વિકારોની ઓળખપરેડ કરવી પડે, શોધી લીધા પછી એને સંપૂર્ણ નાબૂદ કરવા પડે. કેન્સરના કણ જેમ સહેજ પણ રહી જાય તો ફરી વિસ્તરે છે. આજે અઢળક અનિશ્ચિતતાઓને કારણે માનસિક તાણનું પ્રમાણ વધતું જાય છે. જગતમાં સુવિધાઓ વધી એટલું જ સ્ટ્રેસનું પ્રમાણ વધ્યું છે. કામ વધુ અને સમય ઓછો છે, એવા સંયમમાં ઊર્જા મેળવવા યોગ સાથે નિયમિત જીવનનો સંયોગ કરવો પડશે. પ્રકૃતિ કદી બીમાર નથી પડતી, કેમ કે એ લયમાં છે. જે દિવસે તમને તમારી અખંડ ઓળખાણ થઈ જશે એ દિવસે તમે આખી દુનિયાને ઓળખી શકશો. ચાલો, આજથી હોવાને હેલ્લો કહી અને 'સ્વ'ની શોધ આરંભીએ.
'ગલી બોય' ફિલ્મના નાયકનું જીવનસૂત્ર `અપના ટાઇમ આયેગા' અનોખો રંગરાગ છેડે છે. સ્ટ્રગલર ગલી બોયને પિતા પૂછે છે કે, 'તું છે શું?' ત્યારે એ કહે છે કે `હું કોણ છું, એ તમે મને બતાવશો?' એકવાર ઉઘાડ થયા પછી સારી સૃષ્ટિ લીલી છમ્મ લાગશે. કોઈ ઉકળાટ કે ઉચાટ દેખા નહીં દે.
Strong willpower કારકિર્દીના કાંગરા નીચે સપનાં ઢબૂરાઈ જતાં હોય છે
ઈશ્વરે આપણને ધરતી પર જે કામ માટે પસંદ કર્યા હોય, એ જ કરવું જોઈએ. ઘણીવાર કારકિર્દીના કાંગરા નીચે સપનાં ઢબૂરાઈ જતાં હોય છે. એડિસન કહે છે કે, `આશાને પોતાનો સંરક્ષક, અનુભવને સલાહકાર, ધીરજને ખાસ મિત્ર અને સાવધાનીને મોટો ભાઈ બનાવી શકે, એ જ વ્યક્તિ સફળતાનાં શિખરો સર કરી શકે છે. જેમ ટીપે ટીપે સરોવર ભરાય એમ નાની નાની તક જ માહોલ સર્જી શકે છે.' શેખચલ્લીનાં સ્વપ્ન અને વાસ્તવની વાર્તા જુદી હોય છે. સેલ્સમૅનથી સિંગર સુધીની યાત્રામાં સાયગલે ભૂપાલીથી ભૈરવીની ભાવ-ભંગિમા ઝીલી. જગતનો ઇતિહાસ તપાસતાં માલૂમ પડે કે, સામાન્ય માણસ જ અસામાન્ય આસમાનને આંબી શક્યો છે. અભાવોના અરણ્યમાં જીવતા વ્યક્તિને ખબર છે કે, સખત પરિશ્રમ સિવાય કોઈ આરો-ઓવારો નથી.
એકવાર જંગલમાં સસલા પાછળ સિંહ પડ્યો. સિંહના ખૂબ દોડ્યા બાદ પણ સસલું છટકી જવામાં સફળ રહ્યું. આ દૃશ્ય જોઈ રહેલા બીજા એક સિંહે કહ્યું કે, તને ધિક્કાર છે કે, એક મગતરા જેવા સસલાને પણ પકડી ન શક્યો? ત્યારે સિંહે કહ્યું કે મારા માટે એ ભોજનનું લક્ષ્ય હતું, પરંતુ સસલા માટે તો જીવ બચાવવો એ લક્ષ્ય હતું. એટલે મારા કરતાં સો ગણી તાકાત એનામાં આવી જાય એ સ્વાભાવિક છે. જ્યારે આપણી આગળપાછળ કોઈ બેકિંગ ન હોય ત્યારે જ અંદરની ખરી આગ પ્રગટે છે.
આ પણ વાંચો Milkshakes મગજ માટે ઝેર ! જે લોકો પીવે છે તે જાણો વૈજ્ઞાનિકોની આ ચેતવણી


