UP News: લગ્નના સાત ફેરા લીધા, DJના તાલે નાચી, વિદાય પહેલા જ કન્યા ફરાર થઈ પછી..!
- UP ના બારાબંકી જીલ્લામાં લગ્ન કર્યા બાદ કન્યા ફરાર
- પ્રેમી સાથે ભાગી જવાની આશંકા!
- કન્યા પક્ષ સામે પોલીસમાં ફરિયાદ
UP News:ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં લગ્ન વિધિ પૂર્ણ કર્યા પછી કન્યા એકાએક ગાયબ થઈ ગઈ હતી. ઘણી શોધખોળ બાદ પણ તેનો પત્તો લાગ્યો નથી. અંતે વરરાજાને કન્યા લીધા વગર પાછા ઘરે જવું પડ્યું હતુ. જેથી વરરાજાના પરિવારે કન્યાના પરિવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વર-વધૂએ DJ ના તાલે સાથે નાચ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના બારાબંકીના બાંકી તાલુકામાં બની હતી. બંશીલાલ ગૌતમની પુત્રી પલ્લવીની સગાઈ ઘુંઘાટર પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી સુનીલ ગૌતમ સાથે થઈ હતી. ગત મંગળવારે રાત્રે ખૂબ જ ધામધૂમથી જાનૈયા જાન લઈને પહોંચ્યા હતા. જાનૈયાઓનું ખૂબ સારી રીતે સ્વાગત કરાયું હતુ. જે બાદ મોડી વર-વધૂએ સાત ફેરા લઈ લગ્નના તાંતણે બંધાયા હતા. સાથે જ વરરાજા સુનીલ કુમાર અને કન્યા પલ્લવીએ સ્ટેજ પર DJ ના તાલે ડાન્સ કર્યો હતો.
કોઈ કમી ના રહે તે માટે જમીન ગીરવે મૂકી
વરરાજાના જણાવ્યા મુજબ લગ્નમાં કોઈ કમી ના રહી જાય તે માટે તેણે પોતાની ત્રણ એકર જમીન રૂ. 1.60 લાખમાં ગીરવે મૂકી અને કન્યા માટે ઘરેણાં બનાવડાવ્યા હતા. જ્યારે બુધવારે સવારે જાનૈયાઓ ઘરે જવાની તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે કન્યા એકાએક લાપતા થઈ ગઈ હતી. પરિવારે અને જાનૈયાઓએ કન્યાને શોધવાના ખૂબ પ્રયાસો કર્યા હતા. જો કે તે મળી આવી ન હતી. બપોર સુધી કન્યાનો પત્તો લાગ્યો ન હતો. જેથી બંને પક્ષના પરિવારો પણ ગભરાટ સાથે ઉહાપોહ મચી ગયો હતો.
પ્રેમી સાથે ભાગી જવાની આશંકા
વર પક્ષે આશંકા વ્યક્ત કરી છે કે કન્યા તેના કોઈ પ્રેમી સાથે ભાગી ગઈ છે. આરોપ છે કે કન્યાએ પહેલેથી જ ભાગી જવાનો ઘાટ ઘડ્યો હતો. જેથી બંને પક્ષના પરિવારો વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. વરરાજાએ જમીન ગીરવે મૂકી કરેલો ખર્ચો માથે પડતાં કન્યાના પરિવાર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ આ મામલે તપાસ હાથ ધરી છે.


