બિહારમાં ટ્રેનની અડફેટે 3 મહિલાઓના મોત; ટ્રેક પર વિખરાયા મૃતદેહો
- બિહારમાં એક મોટી દુર્ઘટના બની છે
- ટ્રેનની અડફેટે આવતા ત્રણ સગી બહેનોના મોત થયા છે
- મહિલાઓ રેલ્વે ટ્રેક પાર કરવાનો પ્રયાસ કરી રહી હતી
Bihar Accident News: બિહારના લખીસરાય સ્ટેશન પર એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં ટ્રેનની અડફેટે આવતા ત્રણ મહિલાઓના કરૂણ મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલાઓ શ્રાદ્ધમાં ભાગ લેવા આવી હતી. પેસેન્જર ટ્રેનમાંથી ઉતરતાની સાથે જ તેમને હમસફર એક્સપ્રેસે ટક્કર મારી દીધી. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. અકસ્માત બાદ મહિલાઓના મૃતદેહ ટ્રેક પર વિખેરાઈ ગયા હતા. મૃતકોની ઓળખ પિપરિયાની રહેવાસી 42 વર્ષીય સંસાર દેવી, પીરગૌરાની રહેવાસી 55 વર્ષીય ચંપા દેવી અને 60 વર્ષીય રાધા દેવી તરીકે થઈ છે.
લખીસરાયમાં કિઉલ-ઝાઝા રેલ્વે લાઇન પર થયો અકસ્માત
તમને જણાવી દઈએ કે, આ ત્રણેય સગી બહેનો હતી. તેઓ પોતાના મોટા સાળા સાધુ મંડલના ભાઈ શંભુ મંડલના બ્રહ્મભોજ કાર્યક્રમમાં હાજરી આપવા માટે લખીસરાય પહોંચી હતી. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને રેલ્વે વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. આ અકસ્માત લખીસરાયમાં કિઉલ-ઝાઝા રેલ્વે લાઇન પર થયો હતો.
આ પણ વાંચો : પહેલા સગીરને ફાંસીની સજા આપી, હવે સુપ્રીમ કોર્ટે પોતાની ભૂલ સુધારી, 25 વર્ષ પછી મુક્ત થયો આરોપી
રેલ્વેની લોકોને ટ્રેક ઓળંગતી વખતે સાવધાન રહેવાની અપીલ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મહિલાઓ ટ્રેક પાર કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન, તેઓ એક હાઇ સ્પીડ ટ્રેન સાથે અથડાયા હતા. ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટના બાદ સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માતની જાણ રેલવે અને પોલીસને કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. રેલવેએ ફરી એકવાર મુસાફરોને ટ્રેક ઓળંગતી વખતે સાવધાની રાખવાની અપીલ કરી છે.
જમુઈમાં વધુ એક વ્યક્તિનું મોત
જમુઈમાં કિઉલ-જસીદિહ રેલ્વે લાઇન પર એક અકસ્માત થયો હતો, જેમાં 55 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતુ. તેલવા બજાર હોલ્ટ નજીક ગુરુવારે બપોરે એક વ્યક્તિ ધનબાદ-પટણા ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતા તેનુ મોત નિપજ્યુ હતુ. રેલવે પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ હજુ સુધી થઈ નથી. પ્રત્યક્ષદર્શીઓનો આરોપ છે કે, ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. છતાં પોલીસ લાશ ઉપાડવા પહોંચી ન હતી. એક માલગાડી અને એક પેસેન્જર ટ્રેન મૃતદેહ પરથી પસાર થઈ ગઈ. બાદમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ ગઈ.
આ પણ વાંચો : શું લાડલી બહેન યોજના ખાલી ચૂંટણી જીતવા માટે જ હતી? 1.63 લાખ મહિલાઓના નામ હટાવાયા