સુનીલ પાલ બાદ હવે અભિનેતા મુશ્તાક ખાનનું થયું અપહરણ!
- બોલીવૂડ અભિનેતા મુશ્તાક ખાનનું મેરઠ હાઈવે પરથી અપહરણ
- સન્માન સમારંભના બહાને ખંડણીનું ષડયંત્ર!
- બોલીવૂડ અભિનેતા બે દિવસ સુધી બંધક રહ્યા
- મુશ્તાક પાસેથી બળજબરીથી 2 લાખ વસૂલવામાં આવ્યા
Actor Mushtaq Khan kidnapped : મનોરંજન જગતમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. બોલીવૂડના જાણીતા અભિનેતા મુશ્તાક ખાનનું મેરઠ હાઇવે પરથી અપહરણ કરાયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ અપહરણ કરનારાઓએ મુશ્તાક પાસેથી ખંડણીની માંગ કરવામાં આવી હતી અને પૈસા પણ વસૂલ કરાયા હતા. બિજનૌરમાં મુશ્તાકને રોકવામાં આવ્યા હતા અને બળજબરીપૂર્વક પૈસા લેવામાં આવ્યા હતા.
મુશ્તાક ખાન પાસેથી ખંડણી વસૂલી
પ્રાથમિક માહિતી અનુસાર, 20 નવેમ્બરના રોજ મુશ્તાક ખાને મેરઠમાં એક સન્માન સમારંભ માટે હાજરી આપી હતી. ઇવેન્ટના આયોજકોએ તેમને ખાસ આમંત્રણ આપ્યું હતું. પરંતુ, ઇવેન્ટ સ્થળે પહોંચતા પહેલા મેરઠમાં જ તેમનું અપહરણ કરાયું હતું. બાદમાં તેમને બિજનૌર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં બે દિવસ સુધી રોકી રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન અપહરણકારોએ મુશ્તાકને બંધક બનાવી તેમના બેંક ખાતામાંથી 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.
સન્માન સમારંભના બહાને અપહરણ
મળતી માહિતી અનુસાર, મુશ્તાક ખાનના અપહરણ પાછળ એક સન્માન સમારંભના બહાને તેમને લલચાવવાનો પ્લાન હતો. આ માટે રાહુલ સૈની નામના શખ્સે 15 ઓક્ટોબરે મુશ્તાક સાથે સંપર્ક કર્યો અને તેમને આ પ્રોગ્રામ માટે આમંત્રણ આપ્યું. બિઝનેસ ક્લાસ ફ્લાઇટથી દિલ્હી આવવા માટે ભાડું ચૂકવવામાં આવ્યું હતું. તેમણે મુંબઈથી દિલ્હી માટે 20 નવેમ્બરની ફ્લાઇટમાં મુસાફરી કરી. એરપોર્ટ પર જ રાહુલ દ્વારા બુક કરાવેલી કાર મોકલવામાં આવી હતી. કારમાં મુશ્તાકને બેસાડ્યા પછી, ડ્રાઇવરે કાર રસ્તામાં રોકી અને તેઓને બીજી કારમાં બેસાડી દેવામાં આવ્યા. આ નવી કારમાં વધુ બે શખ્સો જોડાયા. તે પછી, મુશ્તાકને બિજનૌરના મોહલ્લા ચાહશિરી વિસ્તારમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને બે દિવસ સુધી બંધક બનાવી રાખવામાં આવ્યા અને ખંડણી માટે ધમકાવવામાં આવ્યા.
પોલીસ તપાસ અને આરોપીઓની શોધ
મુશ્તાક ખાને કોઈક રીતે ત્યાંથી પોતાને છોડાવવામાં સફળ થયા અને સુરક્ષિત સ્થળે પહોંચ્યા બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો. બિજનૌર પોલીસમાં અપહરણ અને ખંડણીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તપાસ માટે 5 ટીમો બનાવી છે અને આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. સુત્રો જણાવે છે કે, સુનીલ પાલના અપહરણ માટે પણ આ જ વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Sunil Palનું અપહરણ કરી આંખે પાટા બાંધી અજ્ઞાત સ્થળે લઇ જવાયો હતો