દિલ્હીમાં મહિલા સાંસદ પણ સુરક્ષિત નહીં? સંસદ ભવનની પાસે સોનાની ચેન ખેંચીને ભાગ્યા બાઇક સવાર
- ચાણક્યપુરીમાં સાંસદ પર બાઈક સવારનો હુમલો!
- સોનાની ચેઈન લૂંટાયા બાદ સાંસદ ઘવાયા
- દિલ્હીના સુરક્ષિત વિસ્તારમાં દિનદહાડે લૂંટ
- કોંગ્રેસ સાંસદે અમિત શાહને લખ્યો પત્ર
- ચાણક્યપુરી જેવી જગ્યા પણ સુરક્ષિત રહી નહીં!
- સાંસદે ઉઠાવ્યો સુરક્ષાનો સવાલ
- દિલ્હીમાં મહિલા સાંસદ સુરક્ષિત નહીં?
- CCTVના આધારે લૂંટારૂની શોધખોળ શરૂ
R. Sudha chain theft : દિલ્હીના ઉચ્ચ સુરક્ષાવાળા ચાણક્યપુરી વિસ્તારમાં સોમવારે સવારે એક ચોંકાવનારી ઘટના બની, જ્યારે તમિલનાડુના મયિલાદુથુરાઈના કોંગ્રેસ સાંસદ આર. સુધાની સોનાની ચેઈન બાઇક સવાર બદમાશે છીનવી લીધી. આ ઘટના સંસદ ભવનથી થોડે દૂર, પોલેન્ડ એમ્બેસી નજીક, સવારે 6:15 થી 6:20 વાગ્યાની આસપાસ બની, જ્યારે સુધા મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. બદમાશે ફુલ-ફેસ હેલ્મેટ પહેરીને ચહેરો ઢાંક્યો હતો અને સ્કૂટી પર આવીને ચેઈન ખેંચીને ભાગી ગયો. આ હુમલામાં સુધાના ગળામાં ઈજા થઈ, તેમનો ચૂડીદાર ફાટ્યો, અને તેઓ આઘાતમાં છે.
પોલીસની કાર્યવાહી અને તપાસ
ઘટનાની જાણ થતાં દિલ્હી પોલીસે તાત્કાલિક કેસ નોંધ્યો અને આરોપીને પકડવા માટે 10થી વધુ ટીમો રચી. તપાસ માટે વિસ્તારના CCTV ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે, ડમ્પ ડેટા શોધવામાં આવી રહ્યો છે, અને પ્રત્યક્ષદર્શીઓ સાથે વાતચીત કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તમિલનાડુ ભવન અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ચાણક્યપુરી, જ્યાં અનેક દૂતાવાસો અને સરકારી નિવાસસ્થાનો આવેલા છે, તે દિલ્હીનો અત્યંત સુરક્ષિત વિસ્તાર ગણાય છે, છતાં આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
સાંસદની ફરિયાદ અને ગૃહમંત્રીને પત્ર
આ ઘટના બાદ, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આર. સુધાને લોકસભા સ્પીકર ઓમ બિરલા પાસે લઈ જઈને ફરિયાદ નોંધાવી. સુધાએ પોતે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આ ઘટનાની વિગતો જણાવી. તેમણે લખ્યું, "ચાણક્યપુરી જેવા ઉચ્ચ સુરક્ષા વિસ્તારમાં, જ્યાં દૂતાવાસો અને સંરક્ષિત સંસ્થાઓ છે, આવો હુમલો આઘાતજનક છે. મારા ગળામાં ઈજા થઈ, મારી સોનાની ચેઈન છીનવાઈ ગઈ છે અને હું હાલમાં આઘાતમાં છું." તેમણે વધુમાં પ્રશ્ન ઉઠાવ્યો, "જો રાષ્ટ્રીય રાજધાનીના આવા વિસ્તારમાં મહિલા સાંસદ સુરક્ષિત નથી, તો બીજે ક્યાં સુરક્ષા મળશે?" તેમણે ગૃહમંત્રીને વિનંતી કરી કે CCTV ફૂટેજની મદદથી આરોપીને ઝડપી લેવામાં આવે.
સંસદ સત્ર દરમિયાન સુરક્ષા પર ચિંતા
આ ઘટના એવા સમયે બની છે જ્યારે સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, અને ચાણક્યપુરીમાં સુરક્ષા ખૂબ જ કડક હોય છે. આમ છતાં, બદમાશે આવી હિંમતભેર ઘટનાને અંજામ આપ્યો, જે દિલ્હીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. સુધા, જે તમિલનાડુ ભવનમાં રહે છે, એ ઘટના બાદ દિલ્હી પોલીસની પેટ્રોલિંગ ટીમને ફરિયાદ કરી અને ચાણક્યપુરી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી. આ ઘટનાએ રાષ્ટ્રીય રાજધાનીમાં મહિલાઓની સુરક્ષા અને પોલીસની તૈયારી પર ચર્ચા ઉભી કરી છે.
આ પણ વાંચો : Prayagraj Viral Video : ઘરમાં ઘૂસ્યું પૂરનું પાણી, મા ગંગા સમજી પોલીસ અધિકારીએ કરી પૂજા