બંધારણ દિવસે શરૂ થશે કોંગ્રેસનું "ભારત જોડો સંવિધાન અભિયાન"
- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક નવું અભિયાન શરૂ કરશે
- કોંગ્રેસનું 'ભારત જોડો બંધારણ અભિયાન' થશે શરૂ
- આજથી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમથી શરૂ થશે
- મલ્લિકાર્જુન ખડગે સહિત વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે
- બે મહિના સુધી ચાલશે ભારત જોડો બંધારણ અભિયાન'
Bharat Jodo Samvidhan Campaign : 26મી નવેમ્બરે બંધારણ દિવસના અવસરે કૉંગ્રેસ પાર્ટીએ 'ભારત જોડો સંવિધાન અભિયાન' શરૂ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન સમગ્ર દેશમાં સંચાલિત કરવામાં આવશે અને 26 જાન્યુઆરી, 2025 સુધી ચાલશે. અભિયાનના માધ્યમથી બંધારણના મૂલ્યોની જાળવણી, એકતા અને સામાજિક ન્યાયના સંદેશને વેગ આપવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વિવિધ રાજ્યોમાં રેલીઓ અને ડોર ટુ ડોર પ્રચાર દ્વારા લોકો સુધી જવાની યોજનાઓ બનાવવામાં આવી છે.
અભિયાનનો અંત નવી દિલ્હીમાં ભવ્ય રેલી સાથે
અભિયાનમાં ખાસ ધ્યાન 'એક સંવિધાન-સમાનતાનો અધિકાર', બંધારણની ગેરંટી, ભેદભાવથી મુક્તિ અને બંધારણની રક્ષા જેવા મુદ્દાઓ પર રાખવામાં આવ્યું છે. આ ઝુંબેશ 26 જાન્યુઆરીએ નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે એક વિશાળ રેલી સાથે પૂર્ણ થશે. આ રેલીમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી હાજરી આપશે. આ ઝુંબેશની તૈયારી માટે કૉંગ્રેસના વિવિધ રાજ્યોના નેતાઓએ બેઠક કરી છે. હરિયાણા, પંજાબ અને ચંદીગઢ માટે કેપ્ટન અજય યાદવે ખાસ તકેદારી રાખી છે. તેમણે જણાવ્યું હતું કે, આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને બંધારણના મૂલ્યો અને તેના અમલના 75 વર્ષના ઉત્સવ વિશે માહિતગાર કરવાનો છે.
જાતિ પર આધારિત વસ્તી ગણતરીની માંગ
કૉંગ્રેસના નેશનલ OBC વિભાગના અધ્યક્ષ અજય યાદવે જણાવ્યું કે, આગામી દિવસોમાં તેઓ દેશભરમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરશે. તેમની દ્રષ્ટિએ, આ પ્રકારની ગણતરી દેશના રાજકીય, સામાજિક અને આર્થિક પ્રશ્નો ઉકેલવામાં મદદરૂપ થશે. ભાજપ સરકાર પર આક્ષેપ કરતા, તેમણે કહ્યું કે હાલની સરકાર દેશની મોટાભાગની સંપત્તિ અને આવક થોડા વિશિષ્ટ લોકોના હાથે સોંપી રહી છે.
બંધારણના મૂલ્યો જાળવવા કૉંગ્રેસની જવાબદારી
કૉંગ્રેસે 'ભારત જોડો સંવિધાન અભિયાન'ને માત્ર એક ઝુંબેશ નહીં, પરંતુ બંધારણના મૂળભૂત મૂલ્યો જાળવવા અને લોકોમાં જાગૃતિ ફેલાવા માટેના પ્રયાસ તરીકે દર્શાવ્યું છે. રેલીઓ, પ્રચાર ઝુંબેશો અને સંવાદો દ્વારા તે સમાનતા અને ન્યાયના તત્ત્વો પર ભાર મૂકશે. આ અભિયાન દેશના લોકો સાથે સાંસ્કૃતિક અને સામાજિક જોડાણ વધુ મજબૂત કરવા માટે શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: Constitution Day 2024 : આજે બંધારણ દિવસની કરાશે ઉજવણી, જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં વિશેષ કાર્યક્રમ