બિહારમાં ચૂંટણી પહેલા સરકારની મોટી જાહેરાત, સરકારી નોકરીઓમાં મહિલાઓને 35 ટકા અનામત
- બિહારમાં ચૂંટણી પહેલા સરકારની મોટી જાહેરાત
- સરકારી નોકરીઓમાં મહિલાઓને 35 ટકા અનામત
- તમામ સંવર્ગ અને સ્તરની સીધી ભરતીમાં અનામત
- મૂળ નિવાસી મહિલાઓને મળશે અનામતનો લાભ
- બિહાર યુવા આયોગ ગઠનની પણ જાહેરાત કરી
- યુવાનો સશક્ત અને સક્ષમ બનાવવાનો ઉદ્દેશ્યઃ CM
- રોજગાર માટે આયોગ કરશે વિભાગો સાથે સંકલન
Bihar : બિહારમાં ચૂંટણીનો માહોલ ગરમાતો હોય તેવા સમયે નીતિશ કુમારની સરકાર (Nitish Kumar's government) એ રાજ્યની મહિલાઓ અને યુવાનો માટે 2 મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. રાજ્ય સરકારે સરકારી નોકરીઓમાં મૂળ બિહારની મહિલાઓ માટે 35 ટકા અનામત (35 percent reservation for women of Bihar) ની વ્યવસ્થા અને ‘બિહાર યુવા આયોગ’ની રચનાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયો નીતિશ કેબિનેટની તાજેતરની બેઠકમાં લેવામાં આવ્યા, જેમાં કુલ 43 એજન્ડાઓને મંજૂરી આપવામાં આવી હતી. આ પગલાં રાજ્યના યુવાનો અને મહિલાઓને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે લેવામાં આવ્યા છે, જે રાજકીય અને સામાજિક રીતે પણ નોંધપાત્ર મહત્વ ધરાવે છે.
સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 35% અનામત
નીતિશ કુમારની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં એક ઐતિહાસિક નિર્ણય લેવાયો, જે અંતર્ગત બિહારની મૂળ નિવાસી મહિલાઓને સરકારી નોકરીઓમાં 35 ટકા અનામત આપવામાં આવશે. આ અનામત તમામ સંવર્ગ અને સ્તરની સીધી ભરતીઓમાં લાગુ પડશે, જેમાં કોઈપણ વિભાગની નોકરીઓનો સમાવેશ થાય છે. આ નિર્ણય લાંબા સમયથી ચાલતી માંગનો જવાબ છે, જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે બિહારની નોકરીઓમાં અનામતનો લાભ ફક્ત રાજ્યની મહિલાઓને જ મળવો જોઈએ, અને અન્ય રાજ્યોની મહિલા ઉમેદવારોને આ લાભથી વંચિત રાખવામાં આવે. આ પગલું મહિલાઓના સશક્તિકરણ અને આર્થિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વનું ગણાય છે.
બિહાર યુવા આયોગની રચના
કેબિનેટની બેઠકમાં ‘બિહાર યુવા આયોગ’ની રચનાને પણ મંજૂરી આપવામાં આવી, જેનો ઉદ્દેશ્ય રાજ્યના યુવાનોને શિક્ષણ, તાલીમ અને રોજગારની તકો પૂરી પાડીને તેમને સશક્ત અને સક્ષમ બનાવવાનો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે આ આયોગની રચના અંગે X પર પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, “બિહારના યુવાનોને રોજગારની તકો અને તાલીમ આપવા માટે આ આયોગની રચનાને મંજૂરી આપવામાં આવી છે. આ આયોગ યુવાનોની સ્થિતિ સુધારવા અને તેમને લગતી બાબતોમાં સરકારને સલાહ આપવાનું કામ કરશે.” આયોગ વિવિધ વિભાગો સાથે સંકલન કરીને યુવાનો માટે રોજગારની તકો વધારવા અને તેમની કૌશલ્ય વિકાસની યોજનાઓ પર કામ કરશે.
मुझे यह बताते हुए प्रसन्नता हो रही है कि बिहार के युवाओं को अधिक से अधिक रोजगार के अवसर उपलब्ध कराने, उन्हें प्रशिक्षित करने तथा सशक्त और सक्षम बनाने के उद्देश्य से राज्य सरकार ने बिहार युवा आयोग के गठन का निर्णय लिया है और आज कैबिनेट द्वारा बिहार युवा आयोग के गठन की मंजूरी भी दे…
— Nitish Kumar (@NitishKumar) July 8, 2025
CM નીતિશ કુમારનું નિવેદન
કેબિનેટ બેઠક બાદ નીતિશ કુમારે આ નિર્ણયોને “યુવાનો અને મહિલાઓના સશક્તિકરણ તરફનું એક મોટું પગલું” ગણાવ્યું. તેમણે ખાસ કરીને યુવા આયોગની ભૂમિકા પર ભાર મૂકતા કહ્યું કે, “આ આયોગ યુવાનોને શિક્ષણ અને રોજગારની ખાતરી આપવા માટે કામ કરશે, જેથી તેઓ રાજ્યના વિકાસમાં યોગદાન આપી શકે.” આ ઉપરાંત, તેમણે આયોગની રચના અને તેના સભ્યોની નિમણૂક અંગે પણ વિગતો આપી, જે રાજ્યના યુવાનોના હિતમાં નીતિઓ ઘડવામાં મદદ કરશે.
રાજકીય અને સામાજિક મહત્વ
આ નિર્ણયો ચૂંટણી પૂર્વે લેવામાં આવ્યા હોવાથી તેનું રાજકીય મહત્વ પણ ઓછું નથી. મહિલાઓ માટે અનામતનો નિર્ણય રાજ્યમાં મહિલા મતદારોને આકર્ષવાનો પ્રયાસ ગણી શકાય, જ્યારે યુવા આયોગની રચના યુવા મતદારોની રોજગાર અને શિક્ષણની માંગને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે. આ બંને નિર્ણયો બિહારના સામાજિક અને આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી શકે છે, ખાસ કરીને મહિલાઓ અને યુવાનોના સશક્તિકરણના સંદર્ભમાં.
આ પણ વાંચો : Bihar elections : ચિરાગ પાસવાને વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી, ભાજપ-જેડીયુની મુશ્કેલીઓ વધશે!


