Bihar : યુવાનના ખભા પર સવાર થયેલા સાંસદનો Video Viral
- બિહારમાં સાંસદ તારિક અનવરનો Viral Video : ખભા પર બેઠા નેતા
- પૂર-ધોવાણગ્રસ્ત વિસ્તારમાં સાંસદની ‘ખભાની સવારી’ ચર્ચામાં
- યુવાનના ખભા પર સવાર થયેલા સાંસદનો વીડિયો વાયરલ
Bihar Viral Video : નેતાઓને લોકોની વચ્ચે રહેતા અને તેમની સમસ્યાઓ સાંભળતા આપણે અનેકવાર જોયા છે, પરંતુ શું ક્યારે તમે કોઇ નેતાને જનતાની તકલીફો દૂર કરતા જોયા છે? થોડો મુશ્કેલ સવાલ છે. આ વચ્ચે તાજેતરમાં બિહારના કટિહારના સાંસદ તારિક અનવરની એક તસવીર અને વીડિયો (Video) એ સૌનું ધ્યાન ખેંચ્યું છે. પૂર અને ધોવાણગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન, સાંસદ કાદવ અને પાણીના ભરાયેલા રસ્તાને પાર કરવા માટે એક સ્થાનિક યુવાનના ખભા પર સવાર થયા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા, રાજકારણમાં નેતાઓના વર્તનને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. શું આ લોકસેવાનો અભિનય છે કે પછી ખરેખર મજબૂરી?
પૂર અને ધોવાણની પરિસ્થિતિ
ગંગા નદીના જળસ્તરમાં ઘટાડો થતાં, કટિહારની ધુરિયાહી પંચાયતમાં જમીન ધોવાણની સમસ્યા વધુ ગંભીર બની છે. આ ધોવાણથી શિવનગર અને સોનાખાલ જેવા ગામોના લોકો ભયભીત છે. ગ્રામજનોની વિનંતી પર, સાંસદ તારિક અનવર રવિવારે આ વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની સાથે તેમના સમર્થકો અને કાર્યકરો પણ હતા. ગ્રામજનોને મળવા અને તેમની મુશ્કેલીઓ સમજવા માટે, તેઓ બોટ અને ટ્રેક્ટરનો ઉપયોગ કરીને અંદરના વિસ્તારોમાં ગયા.
જમીન ધોવાણની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા જ્યારે તેઓ સોનાખાલ ગામ પાસે પહોંચ્યા, ત્યારે રસ્તામાં કાદવ અને પાણી ભરાયેલું હતું. આ પરિસ્થિતિમાં આગળ વધવું મુશ્કેલ હતું, અને તે સમયે જ આ વાયરલ વીડિયોનો પ્રસંગ બન્યો.
સાંસદના ખભા પર સવારીનો વિવાદિત Video
વાયરલ વીડિયો (Viral Video) માં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સાંસદ તારિક અનવર એક યુવાનના ખભા પર બેઠા છે, અને તે યુવાન તેમને કાદવ અને પાણી ભરેલા રસ્તા પરથી પસાર કરાવી રહ્યો છે. આ દ્રશ્ય જોઈને અનેક લોકોએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી છે. કેટલાક લોકોએ તેને નેતાનો અહંકાર અને મજબૂરીનો લાભ ઉઠાવવાની વૃત્તિ ગણાવી છે.
कटिहार के सांसद “तारिक अनवर” ! थोड़ा भी शर्म - लिहाज बाक़ी रहता, तो राजनीति छोड़ दिए होते ??
pic.twitter.com/CdTHMUezX4— Abhishek Singh (@Abhishek_LJP) September 8, 2025
જોકે, આ સમગ્ર ઘટના પર સાંસદ તારિક અનવરે ખુલાસો આપ્યો છે. તેમણે કહ્યું કે તેઓ ધોવાણવાળા સ્થળનું નિરીક્ષણ કરવા ગયા હતા. રસ્તામાં કાદવ અને પાણી હોવાને કારણે સ્થાનિક લોકોએ જ તેમને ખભા પર લઈ જવાની વિનંતી કરી. સાંસદે જણાવ્યું કે તેઓ સ્થાનિક લોકોના આગ્રહને ટાળી શક્યા નહીં અને તેમની વિનંતી પર જ તેઓ ખભા પર સવાર થયા. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ કોઈ રાજકીય સ્ટંટ નહોતો, પરંતુ લોકોની ભાવનાઓનો આદર હતો.
મહત્વપૂર્ણ મુદ્દાઓ અને આગામી પગલાં
આ વાયરલ વીડિયો (Viral Video) એ ભલે ચર્ચા જગાવી હોય, પરંતુ તેના મૂળમાં રહેલી વાસ્તવિકતા વધુ ગંભીર છે. કટિહારના આ ગામોમાં પૂર અને ધોવાણની સમસ્યા વર્ષોથી ચાલી રહી છે. નદીનું પાણી ઘટતા જમીન ધોવાણ વધી રહ્યું છે, જે ગામોના અસ્તિત્વ માટે ખતરો છે. સાંસદે આ પરિસ્થિતિનો સર્વે કર્યા બાદ સ્થાનિક વહીવટી તંત્ર અને સરકાર સમક્ષ આ સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરી છે.
સાંસદ અનવરે કહ્યું કે, પૂર પહેલા પણ આ વિસ્તારોમાં ધોવાણ થતું હતું, અને હવે પાણી ઘટતા આ સમસ્યા વધુ વકરી છે. તેમણે સરકારને આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા માટે યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને અને ગ્રામજનોને મુશ્કેલીમાંથી મુક્તિ મળે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટના ભલે વીડિયો પૂરતી સીમિત લાગતી હોય, પરંતુ તે રાજકારણીઓ અને સામાન્ય લોકો વચ્ચેના સંબંધો, અને કુદરતી આફતો સામે તંત્રની નિષ્ફળતા જેવા અનેક ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
આ પણ વાંચો : કરોળિયાને ક્યારેય જાળ બનાવતા જોયો છે? જુઓ આ Video


