Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હીથી પટના સુધી SIR પર વિપક્ષનો હંગામો, સંસદ અને વિધાનસભામાં કાર્યવાહી ઠપ

રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ અને અન્ય નેતાઓએ SIR પ્રક્રિયાને “લોકતંત્રની હત્યા” ગણાવી
દિલ્હીથી પટના સુધી sir પર વિપક્ષનો હંગામો  સંસદ અને વિધાનસભામાં કાર્યવાહી ઠપ
Advertisement
  • દિલ્હીથી પટના સુધી SIR પર વિપક્ષનો હંગામો, સંસદ અને વિધાનસભામાં કાર્યવાહી ઠપ

નવી દિલ્હી/પટના: બિહારમાં મતદાર યાદીના વિશેષ ગહન પુનરાવર્તન (Special Intensive Revision - SIR) ને લઈને મંગળવારે દિલ્હીથી લઈને બિહાર સુધી સંસદ અને વિધાનસભામાં તીવ્ર હંગામો જોવા મળ્યો હતો. લોકસભા અને રાજ્યસભામાં પ્રશ્નોત્તરી અને શૂન્યકાળ પણ ચાલી શક્યા નહીં. હંગામો એટલો વધ્યો કે સંસદની કાર્યવાહી બુધવાર સુધી સ્થગિત કરવી પડી હતી. બીજી તરફ બિહાર વિધાનસભામાં વિપક્ષી ધારાસભ્યોએ SIRના વિરોધમાં કાળાં કપડાં પહેરીને સદનમાં હંગામો કર્યો.

લોકસભામાં પોસ્ટરો સાથે વિરોધ

Advertisement

લોકસભામાં કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ બિહારમાં SIRને લઈને નારેબાજી શરૂ કરી દીધી હતી. કોંગ્રેસ, સપા, ડીએમકે અને અન્ય વિપક્ષી પક્ષોએ હંગામો મચાવ્યો હતો. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું, “તમે પોસ્ટરો લઈને હંગામો કરવા આવ્યા છો, આ સદનની પરંપરાને અનુરૂપ નથી. સદનને ચાલવા દો. આજે પ્રશ્નોત્તરીમાં ખેડૂતોના મુદ્દે ચર્ચા થવાની છે. લાગે છે કે તમે પ્રશ્નોત્તરી અને ખેડૂતોના મુદ્દે ચર્ચા નથી ઇચ્છતા.”

Advertisement

અધ્યક્ષની વારંવાર વિનંતી છતાં હંગામો ન રોકાતાં સદનની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. 12 વાગ્યે કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે પણ કોંગ્રેસ, સપા, ટીએમસી, ડીએમકે અને આરજેડીના સભ્યોએ વેલમાં આવીને નારેબાજી કરી હતી. કેટલાક સભ્યો પોસ્ટરો લહેરાવતા હતા, જેના પર SIRના વિરોધમાં નારા લખેલા હતા.

સરકાર ચર્ચા માટે તૈયાર, વિપક્ષ અડગ

પીઠાસીન અધ્યક્ષ જગદંબિકા પાલે વિપક્ષી સભ્યોને વિનંતી કરી, “તમે તમારી બેઠક પર જાઓ. પોસ્ટરો ન બતાવો, આ સદનની ગરિમા અને મર્યાદાને ઠેસ પહોંચાડે છે. જો તમે ચર્ચા ઇચ્છો છો, તો વ્યવસાય સલાહકાર સમિતિ (BAC)માં આ મુદ્દો રજૂ કરો ત્યાં નિર્ણય લેવામાં આવશે. સરકાર તમામ મુદ્દાઓ પર ચર્ચા અને જવાબ આપવા તૈયાર છે.” જોકે, તે છતાં વિપક્ષે હંગામો ચાલુ રાખ્યો અને કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.

વિપક્ષે સદનની અંદર અને બહાર બંને જગ્યાએ હંગામો કર્યો. સદનની કાર્યવાહી પહેલાં વિપક્ષી સભ્યોએ સંસદના મકર દ્વાર પર SIRના મુદ્દે તીવ્ર વિરોધ પ્રદર્શન કર્યું. તેમનો આરોપ હતો કે ચૂંટણી પંચ સત્તાધારી પક્ષની મદદથી આ પ્રક્રિયા ચલાવી રહ્યું છે, જે અસંવૈધાનિક છે.

રાજ્યસભામાં પણ પ્રશ્નોત્તરી-શૂન્યકાળ ઠપ

રાજ્યસભામાં હંગામાને કારણે બે વખત સ્થગન બાદ બપોરે 2 વાગ્યે કાર્યવાહી શરૂ થઈ. ઉપસભાપતિ હરિવંશે પોત-પરિવહન અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલને ‘સમુદ્રથી માલ વહન વિધેયક 2025’ રજૂ કરવા કહ્યું હતું, પરંતુ વિપક્ષે SIR સહિતના મુદ્દાઓ પર ચર્ચાની માગણી કરીને હંગામો શરૂ કર્યો. કેટલાક સભ્યો આસન પાસે આવી ગયા હતા.

ઉપસભાપતિએ સભ્યોને શાંતિ જાળવવા અને કાર્યવાહી ચાલવા દેવાની અપીલ કરી પરંતુ હંગામો ન રોકાતાં સદન આખા દિવસ માટે સ્થગિત કરવું પડ્યું. આ હંગામાને કારણે શૂન્યકાળ અને પ્રશ્નોત્તરી ચાલી શક્યા નહીં.

બિહારમાં કાળાં કપડાં પહેરીને વિરોધ

બિહાર વિધાનસભામાં વિપક્ષી ધારાસભ્યોએ SIRના વિરોધમા કાળાં કપડાં પહેરીને સદનમાં પ્રવેશ કર્યો અને હંગામો મચાવ્યો હતો. આના કારણે વિધાનસભા અધ્યક્ષે કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી. સવારે 11 વાગ્યે સદનમાં પ્રવેશતી વખતે વિધાનસભા અધ્યક્ષ નંદકિશોર યાદવ આશ્ચર્યચકિત દેખાયા હતા. તેમણે વિપક્ષી ધારાસભ્યોને કહ્યું, “તમે બધા ખૂબ સારા લોકો છો. તમે કાળાં કપડાં કેમ પહેર્યા? આ શોભે નહીં.”

કાર્યવાહી શરૂ થયાના અડધા કલાકથી પણ ઓછા સમયમાં નંદકિશોર યાદવે હંગામાને કારણે કાર્યવાહી સ્થગિત કરવાની જાહેરાત કરી, કારણ કે વિપક્ષી ધારાસભ્યો વેલમાં આવીને નારેબાજી કરી રહ્યા હતા, જેનાથી પ્રશ્નોત્તરીમાં પણ અડચણ આવી રહી હતી.

વિપક્ષનો આરોપ અને ચૂંટણી પંચનો જવાબ

વિપક્ષનો આક્ષેપ છે કે SIR પ્રક્રિયા દ્વારા દલિત, પછાત, અતિપછાત અને લઘુમતી સમુદાયોના મતદાતાઓને યાદીમાંથી બાકાત કરવાનું “ષડયંત્ર” ચાલી રહ્યું છે. રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ અને અન્ય નેતાઓએ આ પ્રક્રિયાને “લોકતંત્રની હત્યા” ગણાવી હતી. તેઓ માને છે કે આ પ્રક્રિયા ચૂંટણી પહેલાં સરકારના ઈશારે ચલાવવામાં આવી રહી છે, જે અસંવૈધાનિક છે.

ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોંગદનામામાં આ આરોપોનો ખંડન કર્યું છે, જણાવ્યું કે SIR એ મતદાર યાદીને શુદ્ધ કરવાની સામાન્ય પ્રક્રિયા છે, જે 2003 પછી પહેલીવાર થઈ રહી છે. પંચે બંધારણની કલમ 326નો હવાલો આપતા કહ્યું કે આ પ્રક્રિયા નાગરિકતા, ઉંમર અને નિવાસની પાત્રતા ચકાસવા માટે છે, અને તેમાં રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટ્સ (BLA) પણ સહભાગી છે.

રાજકીય પડઘા અને આગળનો માર્ગ

બિહાર વિધાનસભાનું મોનસૂન સત્ર, જે 21થી 25 જુલાઈ, 2025 સુધી ચાલશે, 17મી વિધાનસભાનું અંતિમ સત્ર છે. આ સત્રમાં SIR અને કાયદો-વ્યવસ્થાને લઈને વિપક્ષનો હંગામો ચાલુ રહેવાની શક્યતા છે. સુપ્રીમ કોર્ટમાં SIR વિરુદ્ધની યાચિકાઓ પર 28 જુલાઈ, 2025ના રોજ આગળની સુનાવણી થશે, જે આ વિવાદનું ભવિષ્ય નક્કી કરશે.

આ પણ વાંચો- ભારતમાં વિવિધ પંથ-સંપ્રદાયો છતાં ઝઘડા નથી: મોહન ભાગવતે સમજાવ્યું ભારતીયતા શું છે?

Tags :
Advertisement

.

×