Pigeon Feeding Controversy : મુંબઈમાં કબૂતરોને ચણ નાંખવા પર પ્રતિબંધ મામલે વિવાદ
- મુંબઈમાં કબૂતરને ચણ નાંખવા ઉપર પ્રતિબંધ
- મહારાષ્ટ્ર સરકારે BMCને આપ્યા આદેશ
- કબૂતરખાના બંધ કરવાનો આપ્યો આદેશ
Pigeon Feeding Controversy : મુંબઈમાં કબૂતરોને ચણ નાંખવા પર પ્રતિબંધ મામલે વિવાદ (Pigeon Feeding Controversy)ઊભો થયો છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ પછી જાહેર જગ્યાએ કબૂતરોને ચણ નાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના કારણે મુંબઈમાં અનેક જગ્યાએ કબૂતરખાનાને બંધ કરી દેવાયા છે. આ મામલે મુંબઈના માહિમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધમાં પહેલી FIR નોંધવામાં આવી છે.
અજાણ્યા શખ્સ વિરુદ્ધમાં પહેલી FIR નોંધાઈ
માહિમ પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ, એલજી રોડ પર કારની અંદરથી એક માણસ કબૂતરોને ખવડાવતો જોવા મળ્યો હતો. સમગ્ર મામલે પોલીસને કારની નંબર પ્લેટ સ્પષ્ટ ન દેખાતા આરોપીની ઓળખ થઈ ન હતી. જેથી પોલીસે ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 270 અને 223 હેઠળ અજાણ્યા શખ્સ સામે FIR નોંધી છે. પોલીસ હાલમાં કાર અને આરોપીની ઓળખ માટે CCTV ફૂટેજની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો -Madhya Pradesh Rain : અત્યાર સુધીમાં 252 વ્યક્તિના મોત, 3,628 લોકોનું રેસ્ક્યુ કરાયું
શું છે સમગ્ર મામલો?
બોમ્બે હાઈકોર્ટે 31 જુલાઈ, 2025ના રોજ એક આદેશ પસાર કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, મુંબઈના તમામ 51 કબૂતરખાનાઓ બંધ કરી દેવા જોઈએ, કારણ કે તે જાહેર આરોગ્ય માટે ખતરો બની રહ્યા છે. કોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે, જો કોઈ વ્યક્તિ આ સ્થળોએ કબૂતરોને ખવડાવતા જોવા મળે તો તેની સામે BNSની કલમ 223, 270 અને 271 હેઠળ FIR નોંધાશે. આ પછી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ દાદરમાં પ્રખ્યાત કબૂતરખાનાને બંધ કરી દીધો અને તેને પ્લાસ્ટિક શીટથી ઢાંકી દીધો, જેનાથી અહીં દરરોજ હજારો કબૂતરોને ખવડાવવાની પરંપરા બંધ થઈ ગઈ. કોર્ટના આદેશ પછી BMCએ કબૂતરોને ખવડાવનારા 50 થી વધુ લોકો પર 500 નો દંડ પણ ફટકાર્યો.
આ પણ વાંચો -Corruption Case : AAP નેતા સત્યેન્દ્ર જૈન સામે CBIને કોઈ પુરાવા ના મળ્યા,કોર્ટે કેસ કર્યો બંધ
જૈન સમુદાયની ચેતવણી
જૈન સમુદાય અને અન્ય પક્ષી પ્રેમીઓએ આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે, કબૂતરોને ખવડાવવું એ તેમની ધાર્મિક પરંપરાનો એક ભાગ છે અને તે અહિંસાના સિદ્ધાંત અનુસાર છે. કબૂતરખાનું બંધ થયા પછી હજારો કબૂતરો ભૂખમરાથી મરી રહ્યા છે. જૈન સમુદાયે એવી પણ ચેતવણી આપી છે કે, જો 10 ઓગસ્ટ સુધીમાં કબૂતરોને ખવડાવવાની પરવાનગી આપવામાં નહીં આવે તો સંતો આમરણાંત ઉપવાસ પર બેસશે.
આ પણ વાંચો -બિહારમાં ચૂંટણી પહેલા CM નીતીશકુમારનું શિક્ષકોની બમ્પર ભરતીનું એલાન
બાળકો અને વૃદ્ધો માટે ખતરનાક
BMC અને આરોગ્ય વિભાગનું કહેવું છે કે, કબૂતરોના મળ, પીંછા અને તેમના માળાઓમાંથી કચરો હવામાં ફેલાય છે, જે "પિજન લંગ" નામના ફેફસાના રોગનું કારણ બની શકે છે. આ રોગ ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને અસ્થમાના દર્દીઓ માટે ખતરનાક છે. નાગરિકો શ્વાસ લેવામાં તકલીફ, એલર્જી અને આંખોમાં બળતરા જેવા લક્ષણો અનુભવી રહ્યા છે, જે કબૂતરો દ્વારા થતા પ્રદૂષણનું કારણ હોવાનું ડોકટરો માને છે. મહારાષ્ટ્ર રાજ્ય માનવ અધિકાર પંચે પણ આ બાબતની નોંધ લીધી છે અને BMC અને આરોગ્ય વિભાગને આઠ અઠવાડિયામાં વિગતવાર અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે.
મહારાષ્ટ્ર સરકારે બેઠક બોલાવી
આ મુદ્દા પર વધી રહેલા વિવાદને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે એક બેઠક બોલાવી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, 'આ નિર્ણય કોર્ટના આદેશ પર લેવામાં આવ્યો છે, પરંતુ જાહેર લાગણીઓનો આદર કરીને તેના પર પુનર્વિચાર કરવામાં આવશે.જ્યારે મુંબઈના સંરક્ષક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ BMC કમિશનરને કબૂતરો માટે વૈકલ્પિક જગ્યા શોધવા વિનંતી કરી છે. વિચારણા હેઠળના કેટલાક સંભવિત સ્થળોમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC), આરે કોલોની અને સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન (SGNP)નો સમાવેશ થાય છે. જોકે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. યોજાવા જઈ રહેલી બેઠકમાં આ તમામ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે.


