INDIA ગઠબંધનમાં પડી રહી છે તિરાડો! હવે મમતા બેનર્જીએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા
- INDIA ગઠબંધનમાં પડી રહી છે તિરાડો!
- હવે મમતા બેનર્જીએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા
- મમતા બેનર્જીના ત્રણ નવા પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (West Bengal Chief Minister Mamata Banerjee) એ તેમના નવા પુસ્તકમાં કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, ભાજપ (BJP) ની ત્રીજી વખત કેન્દ્રમાં સત્તામાં વાપસી થઇ છે જેના માટે એકમાત્ર કોંગ્રેસ (Congress) જવાબદાર છે. મમતા બેનર્જી અનુસાર, કોંગ્રેસની વ્યૂહરચનામાં રહેલી ખામીઓના કારણે વિપક્ષી INDIA ગઠબંધન ચૂંટણીમાં સફળ થઈ શક્યું નહીં, અને તેનો ફાયદો ભાજપને મળ્યો, જે બહુમતી વિના પણ સત્તામાં પાછું આવી શક્યું.
પુસ્તક વિમોચન સમારોહ
કોલકાતા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં મંગળવારે મમતા બેનર્જીના ત્રણ નવા પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું. આમાંના એક પુસ્તકનું નામ ‘બંગલાર નિર્બાણો ઓ આમરા’ છે, જેમાં તેમણે 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. પુસ્તકમાં મમતાએ જણાવ્યું કે, "અમે વિપક્ષી પાર્ટીઓએ એક સાથે આવીને ભાજપ વિરુદ્ધ મજબૂત ગઠબંધન ઉભું કરવાનો પ્રયત્ન કર્યો. શરૂઆતથી જ અમે એક સામાન્ય લઘુત્તમ કાર્યક્રમ અને સામાન્ય ઢંઢેરા પર ભાર મૂક્યો હતો. ગઠબંધનનું નામ પણ મારો પ્રસ્તાવ હતો. કોંગ્રેસને રાષ્ટ્રીય ગઠબંધનના નેતૃત્વની ઓફર પણ કરવામાં આવી હતી, છતાં કોઈ ચોક્કસ કાર્યક્રમ કે ઢંઢેરો નક્કી ન થઈ શક્યો. વિપક્ષી પક્ષો એકબીજાની વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા હતા, જેનો સીધો ફાયદો ભાજપને મળ્યો અને તે બહુમતી વિના પણ સત્તામાં આવી શકી."
કોંગ્રેસને જીત માટે ગઠબંધનના સહયોગી જવાબદાર
મમતાએ એવો પણ દાવો કર્યો કે કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં જે બેઠકો જીતી છે, તે ગઠબંધનના અન્ય સાથીઓના સમર્થનથી સંભવ બની છે. કોંગ્રેસની પોતાની તાકાત એટલી નથી, પરંતુ ગઠબંધનના મતોથી તેમને સફળતા મળી છે. મમતાએ બંગાળમાં કોંગ્રેસ અને ડાબેરી મોરચાની બેઠક વહેંચણીની ગોઠવણ પર પણ કટાક્ષ કર્યો. તેમના મતે, તૃણમૂલ વિરોધી ગઠબંધન ભાજપ સાથે ગૂપ્ત સહમતી ધરાવે છે, જેનો મહાનગર અને ગ્રામ્ય વિસ્તારોના મતદાતાઓ પર પ્રભાવ પડ્યો હતો. જણાવી દઈએ કે મમતા બેનર્જીએ બંગાળમાં કોંગ્રેસ અને CPI(M) ની આગેવાની હેઠળના ડાબેરી મોરચા વચ્ચેની બેઠક વહેંચણીની ગોઠવણ પર પણ ટિપ્પણી કરી હતી.
વિકાસ કાર્યો થકી મળ્યું જન સમર્થન
તેમણે કહ્યું કે, ભાજપ સાથે ગુપ્ત કરાર હેઠળ રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસ વિરોધી એક મોટું ગઠબંધન છે. મમતા બેનર્જીના મતે, 2024ની લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની સફળતા તેમની સરકાર દ્વારા કરવામાં આવેલા વિવિધ વિકાસલક્ષી કાર્યોથી પ્રેરિત જાહેર સમર્થનને કારણે હતી. 2024ની ચૂંટણીમાં, તૃણમૂલ કોંગ્રેસે 29 બેઠકો જીતી હતી. 2019 માં તેની સંખ્યા 22 હતી. જ્યારે ભાજપનો દેખાવ ઘટ્યો અને તે 12 બેઠકો સુધી મર્યાદિત રહી. 2019ની ચૂંટણીમાં ભાજપ પાસે 18 સાંસદ હતા. કોંગ્રેસે એક બેઠક જીતી, જ્યારે CPI(M)ના નેતૃત્વ હેઠળના ડાબેરી મોરચાને એક પણ બેઠક મળી નહીં.
આ પણ વાંચો : શ્રદ્ધાળુઓ કરતા VIP પર વધારે ધ્યાન, મહાકુંભ દુર્ઘટના અંગે ભડક્યા રાહુલ ગાંધી


