ડાકુ કુસુમા નાઈનના મોતથી આ ગામમાં દિવાળી, 41 વર્ષ પહેલા કર્યો હતો ભયંકર નરસંહાર
- કુસુમા નાઈનના મોતથી ગામલોકોમાં ખુશીનો માહોલ
- 41 વર્ષ પહેલા કુસુમાએ ભયંકર નરસંહાર કર્યો હતો
- બેન્ડિટ ક્વિન ફૂલન દેવી સાથે હતી દુશ્મની
Kusuma Nain Death : ઉત્તર પ્રદેશના ઔરૈયાના અસ્તા ગામના લોકો આજે ખૂબ ખુશ છે. ગામલોકોની આ ખુશી કુખ્યાત ડાકુ કુસુમા નાઈનના મૃત્યુને કારણે છે. 41 વર્ષ પહેલા આ ગામમાં કુસુમાએ ભયંકર નરસંહાર કર્યો હતો. તેણે ધોળા દિવસે ગામના બાળકો અને વૃદ્ધો સહિત 14 લોકોને લાઇનમાં ઉભા રાખીને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. એટલું જ નહીં, તેણે તેના સાથીઓ જોડે બે લોકોની આંખો પણ કાઢાવી નાખી હતી. આ પછી, આ લોકો મૃતદેહની આજુબાજુ ફરતા હતા અને જોર-જોરથી હસતા પણ હતા. ત્યારબાદ બહાર નીકળતી વખતે આ ડાકુએ ગામને આગ લગાડી દીધી.
કુસુમાના મોતથી ગામલોકોમાં ખુશીનો માહોલ
ટીબીની બીમારીને કારણે પીજીઆઈમાં દાખલ કુસુમા નાઈનના મૃત્યુના સમાચાર આ ગામમાં પહોંચતા જ ગામલોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. લોકોએ ગામના ચબુતરા પર ઘીના દીવા પ્રગટાવ્યા. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, કુસુમાનું જીવન તેમને છેલ્લા 41 વર્ષથી પરેશાન કરી રહ્યું હતું. ગામના લોકોએ કહ્યું કે તેઓ હજુ પણ 41 વર્ષ પહેલાની ઘટનાને એવી રીતે યાદ કરે છે જાણે ગઈકાલે જ બની હોય. તમને જણાવી દઈએ કે બેહમઈ ઘટનામાં, ડાકુ ફૂલન દેવીએ 22 લોકોને લાઇનમાં ઉભા રાખીને ગોળી મારી દીધી હતી તેનો બદલો લેવા કુસુમા નાઈન ડાકુ બની હતી.
આ પણ વાંચો : IIT Baba નો નવો વિવાદ! ગાંજો મળતા પોલીસે નોંધી FIR
1984માં કર્યો હતો નરસંહાર
આ હત્યાકાંડનો બદલો લેવા માટે, કુસુમા નાઈનએ 1984 માં હોડી ચાલકોના ગામ અસ્તામાં આ સામૂહિક હત્યાકાંડને અંજામ આપ્યો હતો. આ ગામમાં રહેતી એક વૃદ્ધ મહિલા રામકુમારીએ જણાવ્યું કે કુસુમાએ તેના પરિવારના બે લોકોને ગોળી મારી દીધી હતી. જેમાં તેના પતિ બંકેલાલ અને સસરા રામેશ્વર હતા. કુસુમા તેમને ઘરેથી ઉઠાવીને લઈ ગઈ અને ગામના અન્ય 12 લોકો સાથે લાઇનમાં ઊભા રાખી ગોળી મારી દીધી. આ દરમિયાન, કુસુમાએ બે લોકોના મૃતદેહ પરથી આંખો કઢાવી અને પછી જોર જોરથી હસવા લાગી.
12 વર્ષની ઉંમરે વિધવા બની
રામકુમારી કહે છે કે તે સમયે તેમના લગ્નને માત્ર 12 વર્ષ થયા હતા અને કુસુમાએ તેને વિધવા બનાવી દીધી હતી. તે દિવસથી, તે દરેક ક્ષણે ભગવાનને તેના મૃત્યુ માટે પ્રાર્થના કરતી હતી. આ ગામના રહેવાસી પ્રેમચંદ કહે છે કે આ ઘટના તેમની નજર સામે બની હતી. તેમણે કહ્યું કે તેમને બેહમાઈ ઘટના વિશે તો નથી ખબર, પરંતુ તેમને એટલી ચોક્કસ ખબર છે કે કુસુમાએ તે ઘટનાનો બદલો તેના પરિવારના સભ્યો પાસેથી લીધો હતો. આ માટે, લાલારામ અને કુસુમાએ ગામમાં બે સભાઓ યોજી હતી. તે ઘટના પછી ગામના લોકો ગભરાઈને ભાગી ગયા હતા. પછી સરકારે પોતાની રીતે મૃતદેહોનો અગ્નિસંસ્કાર કર્યો હતો.
આ પણ વાંચો : રામ મંદિર પર હુમલો કરવાનું કાવતરું! ફરીદાબાદથી યુપીના શંકાસ્પદની ધરપકડ, 2 હેન્ડ ગ્રેનેડ જપ્ત
અસ્તા ગામની એક વૃદ્ધ મહિલા સોમવતીએ કહ્યું કે બધા લોકોને છેતરપિંડીથી બોલાવવામાં આવ્યા હતા. સમાઘાનના નામે, તેમને એક જગ્યાએ ભેગા કરવામાં આવ્યા અને પછી ગોળી મારી દેવામાં આવી. સોમવતી કહે છે કે આ ઘટનામાં તેના પિતા, કાકા અને મામાનું મોત થયું હતું. તે ઘટના પછી, તે દરરોજ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે કુસુમાને ખરાબ મોત મળે, આખરે ભગવાને તેની પ્રાર્થના સાંભળી. તે રીબાઈ રીબાઈને મરી. આ ખુશીની ઉજવણીમાં, આખા ગામમાં ઘીના દીવા પ્રગટાવવામાં આવી રહ્યા છે.
બદલો લેવા કુસુમા ડાકુ બની હતી
બેન્ડિટ ક્વિન ફૂલન દેવીએ પોતાના પર અત્યાચાર કરનાર 22 રાજપૂતોને લાઈનમાં ઉભા રાખીને ગોળી મારી દીધી હતી. આ ઘટનાનો બદલો લેવા માટે કુસુમા નાઈન મેદાને આવી હતી. ડાકુ બનેલી કુસુમા નાઇને એ પછી પોતાની ગેંગ સાથે મળીને 15 મલ્વાહોને એજ રીતે લાઈનમાં ઉભા રાખીને મોતને ઘાટ ઉતારી દીધા હતા, જે રીતે ફૂલન દેવીએ 22 ને માર્યા હતા. આ ઘટના બાદ કુસુમા નાઈન ડાકુઓની દુનિયામાં મોટું નામ બની ગઈ હતી. જો કે વર્ષો પછી તેણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું અને બાકીની જિંદગી જેલમાં જ વિતાવી રહી હતી. બે દિવસ પહેલા કુસુમા નાઈનનું ટીબીની જીવલેણ બિમારીના કારણે મોત થઈ ગયું છે. કુસુમા નાઈને મરતા પહેલા તેના એક ઓળખીતાને કહ્યું હતું કે, ભૂલથી પણ કોઈ ગુનો ન કરવો, નહીંતર આખી જિંદગી મારી જેમ જેલમાં સડશો. આ કાયદો વ્યવસ્થાની જીત ગણાય. જો સામંતવાદી તત્વોએ ફૂલન દેવીને ન્યાય કર્યો હોત તો કુસુમા નાઈનનો જન્મ ન થયો હોત.
આ પણ વાંચો : Bihar Budget 2025-26 : નાણામંત્રીએ રજુ કર્યુ 3.17 લાખ કરોડનું બજેટ, મહિલાઓ માટે ખાસ જાહેરાતો


