ગુટખા ખાવા ડ્રાઇવરે સ્ટિયરિંગ છોડ્યું, મહાકુંભમાં જઈ રહેલી બસ 25 મુસાફરોને લઈને પલટી
- મહાકુંભ સ્નાન માટે જઈ રહેલી બસ ગાઝીપુર વારાણસી હાઇવે પર અકસ્માતનો ભોગ બની
- આ દુર્ઘટનામાં 24 મુસાફરો ઘાયલ થયા છે અને એકનું મોત થયું છે
- મુસાફરોના ઇનકાર છતાં, ડ્રાઇવરે ગુટખા ખાવા સ્ટિયરિંગ છોડ્યું હતુ
Accident on Ghazipur Varanasi Highway : નેપાળથી મહાકુંભ સ્નાન કરવા આવી રહેલા મુસાફરોથી ભરેલી બસ ઉત્તર પ્રદેશના ગાઝીપુર-વારાણસી હાઈવે પર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા લોકો ગંભીર રીતે ઘવાયા છે અને ઘટનાસ્થળે અરેરાટી ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા તમામને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં કુલ 25 ઈજાગ્રસ્તોને મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે. તબીબોની ટીમે એક વ્યક્તિને મૃત જાહેર કર્યો છે, જ્યારે અન્ય 24 ઘાયલોની મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે.
ગાઝીપુર-વારાણસી હાઈવે પર અકસ્માત
વહેલી સવારે મહાકુંભ માટે નેપાળથી મુસાફરોથી ભરેલી બસ ગાઝીપુર-વારાણસી હાઈવે પર સદર કોતવાલી વિસ્તારના મીરાનાપુર ગામ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે બસને અકસ્માત નડ્યો હતો. આ પછી અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. નજીકના ગ્રામજનોના સહકાર અને પોલીસ પ્રશાસનની મદદથી તમામ 25 ઘાયલોને સરકારી મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે. આ અકસ્માતમાં એક મુસાફરનું મોત નીપજ્યું છે, જ્યારે 24 મુસાફરો સારવાર હેઠળ છે. જેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. એક મુસાફરનો હાથ કપાઈ ગયો છે અને તેની સર્જરી ચાલી રહી છે.
ગ્રામજનોએ મુસાફરોને મદદ કરી
કોઈ પણ ગુટખા હોય તેના પર એક વૈધાનિક ચેતવણી લખેલી હોય છે કે તે જીવલેણ બની શકે છે. પરંતુ શનિવારે, ગુટખાએ તેની લેખિત ચેતવણીની પુષ્ટિ કરી. નેપાળના બારા જિલ્લાના લગભગ 42 શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સ્નાન કરવા માટે ગાઝીપુર થઈને પ્રયાગરાજ અને વારાણસી જઈ રહ્યા હતા. આજે સવારે બસ ડ્રાઈવરે પહેલા ગુટખા તોડીને મોંમાં નાખી. મુસાફરોના ઇનકાર છતાં, ડ્રાઇવરે ગુટખાનુ બીજું પેકેટ પણ ખોલ્યું અને સ્ટીયરિંગ છોડીને, બંને હાથે તેને મોંમાં નાખવાનું શરૂ કર્યું. દરમિયાન એકાએક જોરદાર અવાજ સાથે બસ પલટી મારી ગઈ. આ પછી અફડાતફડી મચી ગઈ હતી. જોરદાર અવાજ સાંભળીને નજીકના ગ્રામજનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તમામ મુસાફરોને મદદ કરવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચો : દિલ્હી હાથમાંથી ગયું! હવે પાર્ટીના Councillors પણ AAP ને આપી રહ્યા છે ઝટકો, જાણો વધુ વિગત
પોલીસ બચાવ કાર્યમાં લાગી
આ પછી કેટલાક લોકોએ 112 પર ફોન કરીને આ અંગે જાણકારી આપી હતી. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કાર્યમાં લાગી ગઈ હતી. પોલીસની મદદથી તમામ ઘાયલોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. બસની નીચે દબાયેલા મુસાફરને ભારે જહેમત બાદ બસમાંથી બહાર કાઢીને સરકારી મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
સીટી સ્કેન અને અન્ય ટેસ્ટ ચાલી રહ્યા છે
સરકારી મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ આનંદ મિશ્રાએ જણાવ્યું હતું કે 25 ઘાયલોને જિલ્લા હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી એકને મૃત હાલતમાં લાવવામાં આવ્યો હતો. 24 ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જેમાંથી ત્રણના સીટી સ્કેન અને અન્ય ટેસ્ટ ચાલી રહ્યા છે. જે ઘાયલ વ્યક્તિનો એક હાથ કપાઈ ગયો છે તેના ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. બાકીના ઘાયલોને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. જેઓને થોડી ઈજા થઈ છે તેઓને સરકારી મેડિકલ કોલેજ દ્વારા દૂધ, બ્રેડ અને અન્ય નાસ્તો આપવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : ગાંધી અને નેહરુ પરના પુસ્તકો વેચવાની મંજૂરી આપવામાં આવશે નહીં', જાણો કેવી રીતે રદ્દ થયો પૌડી ગઢવાલનો પુસ્તક મેળો