અયોધ્યાની મિલ્કીપુર સીટ પર 5 ફેબ્રુઆરીએ થશે મતદાન, ચૂંટણી પંચે કરી જાહેરાત
- યુપીની મિલ્કીપુર સીટ માટે પેટાચૂંટણીની તારીખ જાહેર
- 5મી ફેબ્રુઆરીએ મતદાન થશે
- પરિણામ 8મી ફેબ્રુઆરીએ જાહેર થશે
યુપીની મિલ્કીપુર સીટ માટે પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. આ બેઠક પર 5મી ફેબ્રુઆરીએ મતદાન થશે. અવધેશ પ્રસાદ સાંસદ તરીકે ચૂંટાયા બાદ અયોધ્યાની મિલ્કીપુર બેઠક ખાલી પડી હતી.
મિલ્કીપુર બેઠક માટે ચૂંટણીની તારીખ જાહેર
દિલ્હી વિધાનસભા ચૂંટણીની સાથે સાથે ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશની મિલ્કીપુર બેઠક માટે પણ ચૂંટણીની તારીખ જાહેર કરી છે. દિલ્હીની સાથે અયોધ્યા જિલ્લાની મિલ્કીપુર સીટ પર પણ 5મી ફેબ્રુઆરીએ મતદાન થશે, જેના પરિણામ 8મી ફેબ્રુઆરીએ જાહેર થશે.
નામાંકન 10 જાન્યુઆરીથી શરૂ
મિલ્કીપુર બેઠક માટે ઉમેદવારોનું નામાંકન 10 જાન્યુઆરીથી શરૂ થશે અને 17 જાન્યુઆરી સુધી ચાલશે. તે પછી, 18 જાન્યુઆરીએ ઉમેદવારોના નામાંકન પત્રોની ચકાસણી કરવામાં આવશે અને જે ઉમેદવારો પોતાનું નામાંકન પાછું ખેંચવા માંગતા હોય તેઓ 20 જાન્યુઆરી સુધી ખેંચી શકશે. જો વોટિંગની વાત કરીએ તો અહીં 5મી ફેબ્રુઆરીએ મતદાન થશે અને 8મી ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે.
આ પણ વાંચો : 40 કૂતરાઓને પુલ પરથી ફેંક્યાં, 21નાં મોત અને 11 ઘાયલ; હૈદરાબાદમાં માનવતા શર્મસાર
અવધેશ પ્રસાદના રાજીનામાને કારણે સીટ ખાલી છે
સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદ 2022ની વિધાનસભા ચૂંટણીમાં મિલ્કીપુર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. અખિલેશ યાદવે તેમને 2024ની લોકસભા ચૂંટણીમાં ફૈઝાબાદ (અયોધ્યા) બેઠક પરથી ટિકિટ આપી હતી અને તેમણે ભાજપના લલ્લુ સિંહને હરાવીને ચૂંટણી જીતી હતી, ત્યારબાદ તેમણે મિલ્કીપુરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને હવે આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.
યુપીની 9 સીટો પર પેટાચૂંટણી થઈ ચૂકી છે
આ પહેલા યુપીની નવ વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાઈ ચુકી છે. તેમાંથી NDA 7 સીટો પર જીત્યું હતુ. જ્યારે સપા બે સીટો પર જીત્યું હતુ. સમાજવાદી પાર્ટીએ કરહાલ અને સિસમાઉ બેઠકો જીતી હતી, જ્યારે ભાજપે મઝવાન, કુંડારકી, ખેર, ગાઝિયાબાદ સદર, કટેહરી અને ફુલપુર બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે મીરાપુરમાં આરએલડી જીતવામાં સફળ રહ્યું હતુ. કુંડાર્કીનું સૌથી આશ્ચર્યજનક પરિણામ આવ્યું કારણ કે આ બેઠક બર્ક પરિવારની માનવામાં આવે છે. કુંડાર્કીમાં આ વખતે ભાજપના રામવીર સિંહે કમળ ખીલાવ્યું છે.
મિલ્કીપુરમાં ચૂંટણી કેમ ન થઈ?
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, પૂર્વ ધારાસભ્ય ગોરખનાથ બાબાએ 2022ની વિધાનસભા ચૂંટણીને લઈને હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી ગોરખનાથ બાબા દ્વારા 2022ની વિધાનસભા ચૂંટણી બાદ સપાના અવધેશ પ્રસાદની જીતને લઈને દાખલ કરવામાં આવી હતી, જે કોર્ટમાં પેન્ડિંગ હતી. જો કે હવે આ અરજી પાછી ખેંચી લેવામાં આવી છે. ઉમેદવારોની જાહેરાત કરતી વખતે, સપાએ મિલ્કીપુર વિધાનસભા બેઠક પરથી અવધેશ પ્રસાદના પુત્ર અજીત પ્રસાદને ઉમેદવાર બનાવ્યા છે. જો કે ભાજપે હજુ સુધી અહીં પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી.
આ પણ વાંચો : Delhi Election : દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 નો જાણો સંપૂર્ણ શેડ્યૂલ


