આજે રાજકીય સન્માન સાથે પૂર્વ PM મનમોહન સિંહના થશે અંતિમ સંસ્કાર
- આજે રાજકીય સન્માન સાથે પૂર્વ PM મનમોહન સિંહના થશે અંતિમ સંસ્કાર
- થોડીવારમાં પાર્થિવ શરીર લાવવામાં આવશે કોંગ્રેસ હેડક્વાર્ટર
- સવારે 11.45 વાગ્યે નવી દિલ્હીના નિગમબોધ ઘાટ પર પૂર્ણ રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
Manmohan Singh Funeral : ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ (Former PM Manmohan Singh) ના અંતિમ સંસ્કાર આજે સવારે 11.45 કલાકે નવી દિલ્હીના નિગમબોધ ઘાટ પર પૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. તેમની તબિયત અચાનક બગડતાં 26 ડિસેમ્બર ગુરુવારે તેમનું અવસાન થયું હતું. તેઓને તાત્કાલિક નવી દિલ્હીના AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું.
ડૉ. મનમોહન સિંહનું સ્મારક બનાવવાનું નક્કી
કેન્દ્ર સરકારે દિલ્હીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું સ્મારક બનાવવાનું નક્કી કર્યું છે. આ માટે જગ્યા ફાળવવાના નિર્ણય અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાણકારી આપી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે મનમોહન સિંહના પરિવારજનો અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આ અંગે માહિતી આપવામાં આવી છે. 27 ડિસેમ્બર, શુક્રવારે મોડી રાત્રે ગૃહ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું, જેમાં કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ નિર્ણય વિશે ખડગે અને મનમોહન સિંહના પરિવારને જાણ કરી હતી.
મલ્લિકાર્જુન ખડગેએ PM મોદીને પત્ર લખ્યો
કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના સન્માનમાં દિલ્હી ખાતે યમુના નદીના કિનારે એક સ્મારક બનાવવા માટે માંગણી કરી હતી. ખડગેએ પત્રમાં જણાવ્યું હતું કે ડૉ. મનમોહન સિંહના દેશ માટેના યોગદાનને અને તેમના વિશાળ વ્યક્તિત્વને ધ્યાનમાં રાખીને તેમના અંતિમ સંસ્કાર માટે એક વિશેષ સ્થળ ફાળવવામાં આવે, જ્યાં તેમના નામે એક સ્મારક ઉભું કરવામાં આવી શકે.
"Today, Congress President Mallikarjun Kharge spoke to the Prime Minister and Home Minister over the phone and wrote a letter and requested to have the funeral of Dr. Manmohan Singh at a place where his memorial can be built", tweets Indian National Congress pic.twitter.com/4Cr3MMoUDZ
— ANI (@ANI) December 27, 2024
સરકાર પર કોંગ્રેસનો કટાક્ષ
કોંગ્રેસે આ મુદ્દે સરકાર પર નિશાન સાધતા આરોપ મૂક્યો હતો કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર અને તેમના સ્મારક માટે યોગ્ય સ્થળ ફાળવવામાં સરકાર નિષ્ફળ રહી છે. કોંગ્રેસે આ ઘટનાને ભારતના પ્રથમ શીખ વડાપ્રધાન પ્રત્યે ઇરાદાપૂર્વકના અપમાન તરીકે વર્ણવી હતી અને જણાવ્યું હતું કે ડૉ. સિંહના સમ્માન માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે.
કોંગ્રેસની વિનંતીને મંજુરી
જોકે, મોદી સરકારે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના સન્માનમાં સ્મારક બનાવવા માટે કોંગ્રેસની વિનંતીને મંજુરી આપી છે. સરકારી સૂત્રો દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, સરકારે કોંગ્રેસને આ નિર્ણયની માહિતી આપી છે. શુક્રવારે મોડી રાત્રે સરકારે જાહેરાત કરી હતી કે તે ડૉ. મનમોહન સિંહના સ્મારક માટે યોગ્ય જગ્યા ફાળવશે. આ પગલું મનમોહન સિંહના યોગદાનને માન આપવાના ભાગરૂપે લેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: 'અંતિમ સંસ્કાર ત્યાં જ કરવામાં આવે, જ્યાં સ્મારક બની શકે...', ખડગેએ કેન્દ્ર સરકારને લખ્યો પત્ર


