પ.બંગાળમાં 'BABRI MOSQUE વાળો ખેલ': મમતા બેનર્જીથી મુસ્લિમ વોટર્સ કેટલા દૂર, કેટલા પાસે?
. પશ્ચિમ બંગાળમાં 2026માં વિધાનસભાની ચૂંટણી, BABRI MOSQUE વાળો ખેલ
.મમતા બેનર્જી સામે નવા મત સમીકરણોની રાજકીય શતરંજ
.2021માં ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટ રહ્યો નિષ્ફળ, 2026માં હુમાયૂં કબીર કેટલા થશે સફળ?
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં 2026માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. તેને ધ્યાનમાં રાખીને લાગે છે કે અહીં મુસ્લિમ મતોને વિભાજીત કરવાનું રાજકારણ ફરી એકવાર શરૂ થયું છે. આ કોઈ રાજકીય ડિઝાઈનનો ભાગ છે કે સ્વાભાવિકપણે થઈ રહ્યું છે, તેને લઈને અટકળો થઈ રહી છે. પરંતુ મુસ્લિમોની મોટી વસ્તી ધરાવતા મુર્શિદાબાદના હુમાયૂં કબીરે જેવી રાજનીતિ શરૂ કરી છે, તે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વખતે ચાલતી મુસ્લિમ વોટર્સને વિભાજીત કરવાની રાજનીતિની આગલી કડી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ફુરફુરા શરીફના પીરજાદા અબ્બાસ સિદ્દીકીએ આવી જ રાજનીતિ કરી હતી. સિદ્દીકીએ 2021ની ચૂંટણીના થોડા સમયગાળા પહેલા જ ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટ નામની એક રાજકીય પાર્ટી બનાવી હતી. તેમણે કૉંગ્રેસ અને ડાબેરી મોરચા સાથે તાલમેલ કર્યો અને આ ગઠબંધનમાં સીપીએમના નેતૃત્વવાળા લેફ્ટ ફ્રન્ટે 180 બેઠકો પર ચૂંટણી લડી હતી. જ્યારે કૉંગ્રેસે 92 અને ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટ 32 બેઠકો પર ચૂંટણી લડી હતી. આ ગઠબંધનને 10 ટકાથી થોડાક વધારે વોટ મળ્યા હતા. પરંતુ બેઠક માત્ર એક જ મળી હતી. ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટના નૌશાદ સિદ્દીકી ભાંગર બેઠક પરથી જીત્યા હતા અને તેમણે તૃણમૂલ કૉંગ્રેસના મુસ્લિમ ઉમેદવાર કરીમ રેયાઝુલને હરાવ્યા હતા.
પ.બંગાળમાં બાબરી મસ્જિદ (BABRI MOSQUE) નું નિર્માણ!
હવે નૌશાદ સિદ્દીકી તો ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટ સંભાળી રહ્યા છે. પરંતુ આ વખતે આ મામલામાં હુમાયૂં કબીરની એન્ટ્રી થઈ છે. તેમણે મુર્શિદાબાદના બેલડાંગામાં બાબરી જેવી મસ્જિદ (BABRI MOSQUE) બનાવવાનું એલાન કર્યું અને 6 ડિસેમ્બરે તેની આધારશિલા પણ મૂકી. આ કાર્યક્રમમાં લાખો મુસ્લિમો પહોંચ્યા અને મસ્જિદ નિર્માણ માટે કરોડોનું દાન પણ અત્યાર સુધીમાં મળી ચુક્યું છે. હુમાયૂં કબીર ફેબ્રુઆરીમાં કુરાન પઠન કરાવશે, એક લાખ લોકોને માંસ અને ભાતનું ભોજન પણ કરાવીને મસ્જિદનું નિર્માણ પણ શરૂ કરાવશે. તેમના માર્ગમાં કોઈ અડચણ નથી, કારણ કે હાઈકોર્ટે આના પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો હતો. હવે સરકારનું કામ છે કે તેઓ સુરક્ષા સુનિશ્ચિત કરે. મહત્વપૂર્ણ છે કે બાબરી મસ્જિદ (BABRI MOSQUE) માટે સુપ્રીમ કોર્ટના આદેશથી અયોધ્યામાં 5 એકર જમીન આપવામાં આવી છે. ત્યાં હજી મસ્જિદનું નિર્માણ શરૂ થયું નથી. પરંતુ બાબરી મસ્જિદના નામથી હુમાયૂં કબીર મુર્શિદાબાદમાં મસ્જિદ બનાવડાવી રહ્યા છે.
પ.બંગાળમાં નવા મોરચાનો સળવળાટ
હુમાયૂં કબીરે પાર્ટીનું એલાન કરતા કહ્યું કે તેઓ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઑલ ઈન્ડિયા એમઆઈએમ અને ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટ સાથે તાલમેલ કરશે. કહેવા માટે તેમણે ડાબેરીઓ અને કૉંગ્રેસ સાથે પણ તાલમેલ કરવાની વાત કરી છે. પરંતુ કૉંગ્રેસ અને ડાબેરીઓ ઓવૈસીની એમઆઈએમ સાથે કોઈ ચૂંટણીલક્ષી તાલમેલ કરે તેવી હાલ શક્યતા દેખાતી નથી. બિહારમાં ઓવૈસીની પાર્ટી તરફથી આવી કોશિશ થઈ હતી. પરંતુ પશ્ચિમ બંગાળમાં સ્થિતિ ઘણી અલગ છે. પશ્ચિમ બંગાળમાં 2011ની વસ્તી ગણતરી મુજબ, મુસ્લિમોની વસ્તી 27 ટકા છે અને હિંદુ 73 ટકા જેટલા છે. જ્યારે એક અંગ્રેજી અખબારે હાલની સ્થિતિની વાત કરતા મુસ્લિમ વોટર્સની સંખ્યા 32થી 35 ટકા સુધીની ગણાવી હતી. આવા સંજોગોમાં બંગાળમાં હિંદુ વોટર્સની સંખ્યા 67થી 64 ટકા સુધીની છે. પ.બંગાળની કુલ 294 બેઠકોમાંથી 2021ની વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીને 48.5 ટકા વોટ સાથે 213, ભાજપને 38.5 ટકા વોટ સાથે 77, રાષ્ટ્રીય સેક્યુલર મજલિસ પાર્ટી (RSMP)ને 1.4 ટકા વોટ સાથે માત્ર 1 બેઠક અને અપક્ષને 1.6 ટકા વોટ સાથે 1 બેઠક પ્રાપ્ત થઈ હતી. સીપીએમને 4.8 ટકા વોટ, કૉંગ્રેસને 3 ટકા વોટ અને અન્યોના ખાતામાં 3.8 ટકા વોટ ગયા હતા. આમ ગત ચૂંટણી મુખ્યત્વે મમતા બેનર્જીની ટીએમસી અને ભાજપ વચ્ચેની જ રાજકીય લડાઈ હતી.
આ પણ વાંચો :સાંસદ શશિ થરૂરે વીર સાવરકર એવોર્ડ લેવાનો કર્યો ઇનકાર, જાણો શું કારણ આપ્યું
મુસ્લિમ મતો પ.બંગાળમાં કઈ તરફ જશે?
પશ્ચિમ બંગાળમાં 90 બેઠકો પર મુસ્લિમ વોટર્સ નિર્ણાયક છે. જ્યારે 135 બેઠકો પર મુસ્લિમ વોટર્સનો મોટો રાજકીય પ્રભાવ છે. મમતા બેનર્જી સત્તામાં આવ્યા છે, ત્યારથી પશ્ચિમ બંગાળની રાજકીય તવારિખમાં મુસ્લિમ વોટર્સ પહેલા કૉંગ્રેસ પછી ડાબેરી મોરચા અને હવે મમતા બેનર્જી સાથે જોડાયો છે. મમતા બેનર્જીને ગત ત્રણ ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ વોટર્સનો ભરપૂર સાથ મળ્યો છે. તેમની પાર્ટીને લગભગ 70 ટકાથી 80 ટકા જેટલા રાજ્યના મુસ્લિમ વોટર્સ સમર્થન આપતા રહ્યા છે.
આવા સંજોગોમાં મમતા બેનર્જીની ટીએમસી, હુમાયૂં કબીર-ઓવૈસીનો સંભવિત નવો સેક્યુલર ફ્રન્ટ અને ગઠબંધન ન થાય તો આવા સંજોગોમાં કોંગ્રેસ-ડાબેરીઓનો અલગ રાજકીય ચોકો ઉભો થાય, તો પ.બંગાળમાં મુસ્લિમ વોટર્સ પાસે ત્રણ વિકલ્પો ઉભા થઈ શકે. આમ પણ ભાજપને પ.બંગાળમાં મુસ્લિમ વોટર્સનો એટલો સાથ મળી શક્યો નથી. તેથી તેને મુસ્લિમ વોટર્સની દ્રષ્ટિએ મજબૂત વિકલ્પ તરીકે રાજકીય વિશ્લેષકો જોતા નથી. પણ મમતા બેનર્જીની પાર્ટીને મળતા મુસ્લિમ વોટર્સના સાથમાં 40થી 45 ટકાનો ઘટાડો કરવામાં આવે, તો તેમની સત્તાવાપસી અઘરી બની શકે છે.
આ પણ વાંચો : કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહે શાબ્દિક ધૂલાઇ કરતા રાહુલ ગાંધી ધુંઆપૂંઆ
પ.બંગાળમાં મમતાની થશે વાપસી કે ભગવોદયની સંભાવના?
પરંતુ અહીં સવાલ એટલો જ છે કે હુમાયૂં કબીર, અસદુદ્દીન ઓવૈસી અને નૌશાદ સિદ્દિકી સાથે આવે,તો તે ગઠબંધનની મજબૂત મુસ્લિમ ઓળખ હશે. પરંતુ પ. બંગાળના મુસ્લિમ વોટર્સ આ ગઠબંધનને ત્યાં જ વોટ કરે તેવી સંભાવના છે કે જ્યાં તેમના વહેંચાવાથી ભાજપની જીતની શક્યતા બિલકુલ ઓછી હોય. આવા સંજોગોમાં તેઓ ગત ત્રણ ચૂંટણીની પરંપરા મુજબ મમતા બેનર્જીની ટીએમસી પર પસંદગીનો કળશ ઢોળે તો નવાઈ નથી. પરંતુ આનો અર્થ એ પણ બિલકુલ નથી કે મુસ્લિમ વોટ અકબંધ રહેવાથી અથવા ઓછા તૂટવાથી મમતા બેનર્જીની પાર્ટીની જીત પાકી છે. મમતા બેનર્જીની જીત અને હારનો નિર્ણય તેમની પાર્ટીને મળનારા હિંદુ વોટ પર નિર્ભર કરે છે. જો 70:30ના સમીકરણની વાત કરીએ કે જેવું યુપીમાં 80:20 ચાલ્યું હતું, તેવા સંજોગોમાં પણ 30 ટકા વોટ મળવા છતાં મમતા બેનર્જીની પાર્ટી 70 ટકા વોટર્સની લાગણી-માગણીની અવગણના કરી શકે તેમ નથી. હવે જોવાનું એ રહે છે કે મમતા બેનર્જીએ જેવી રીતે સાડા ત્રણ દાયકા જૂની ડાબેરી મોરચાની સરકારને પ.બંગાળમાંથી હટાવી હતી, તેવી રીતે પ.બંગાળમાં ભાજપ ભગવોદય કરી શકશે કે તેને વધુ એક ચૂંટણી સુધી રાહ જોવી પડશે?
આ પણ વાંચો:Entertainment: લોકસભામાં વંદે માતરમ પર 10 કલાક સુધી બબાલ, સિંગરે કહ્યું દેશની સમસ્યાઓ સોલ્વ થઈ ગઈ!


