ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભાજપ અધ્યક્ષની ચૂંટણીને લઈને ટોચના નેતૃત્વની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, એક અઠવાડિયામાં થઈ શકે છે જાહેરાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં પક્ષની સંગઠનાત્મક ચૂંટણીને લઈને દિલ્હીમાં બુધવારે ભાજપના ટોચના નેતૃત્વની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
09:58 AM Apr 17, 2025 IST | MIHIR PARMAR
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં પક્ષની સંગઠનાત્મક ચૂંટણીને લઈને દિલ્હીમાં બુધવારે ભાજપના ટોચના નેતૃત્વની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
BJP President Election gujarat first 3

BJP President Election: પ્રધાનમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન), બીએલ સંતોષ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની આગામી ચૂંટણીની ચર્ચાઓ કરવામાં આવી. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, ચૂંટણી અંગેની જાહેરાત એક અઠવાડિયામાં થઈ શકે છે. રાષ્ટ્રીય નેતૃત્વ પર ચર્ચા કરવા ઉપરાંત, બેઠકમાં રાજ્ય સ્તરે સંગઠનાત્મક ફેરફારો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.

નવા પ્રદેશ અધ્યક્ષોના નામોની ચર્ચા

સૂત્રોએ જણાવ્યું હતું કે કર્ણાટક, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યો માટે નવા પ્રદેશ અધ્યક્ષોના નામોની ચર્ચા કરવામાં આવી હતી. પાર્ટી આગામી બે થી ત્રણ દિવસમાં લગભગ અડધો ડઝન રાજ્ય એકમના પ્રમુખોની જાહેરાત કરી શકે છે. આગામી ચૂંટણીઓ પહેલા ભાજપની ચૂંટણી રણનીતિ પર સંગઠનાત્મક ફેરબદલની નોંધપાત્ર અસર પડવાની સંભાવના છે.

આ પણ વાંચો :  Waqf Act પર થયેલા હોબાળા વચ્ચે PM મોદી અચાનક રાષ્ટ્રપતિને મળવા કેમ ગયા? મુલાકાતનો હેતુ શું હતો?

ચૂંટણી પ્રક્રિયા 20 એપ્રિલ પછી ગમે ત્યારે શરૂ થઈ શકે

પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટેની ચૂંટણી પ્રક્રિયા 20 એપ્રિલ પછી ગમે ત્યારે શરૂ થઈ શકે છે. રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી જાન્યુઆરીમાં થવાની હતી. જોકે, અડધો એપ્રિલ પસાર થઈ ગયો હોવા છતાં, તે હજુ પણ બાકી છે. પક્ષના આંતરિક સૂત્રો માને છે કે આ વિલંબ એવા નેતાની કાળજીપૂર્વક પસંદગીને કારણે થયો છે જે સંગઠનને વધુ મજબૂત બનાવી શકે છે.

કોણ બનશે પાર્ટીનો નવો ચહેરો?

ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. સૂત્રોની માનીએ તો આ મહત્વપૂર્ણ પદ માટે 8 દાવેદારોના નામ સામે આવ્યા છે, જેમાં દરેકની પોતાની રાજકીય ક્ષમતા, સંગઠનાત્મક અનુભવ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથેના સંબંધો મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે 8 દાવેદાર : સૂત્ર

શિવરાજ સિંહ ચૌહાણ - લોકપ્રિય OBC નેતા

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાષ્ટ્રીય અધ્યક્ષ પદની રેસમાં મોખરે છે. તેમણે 6 વખત લોકસભા ચૂંટણી જીતી છે અને 4 વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે સેવા આપી છે. તેમની ‘લાડલી બહેન યોજના’એ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી અને અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બની. 13 વર્ષની ઉંમરે RSSમાં જોડાયેલા ચૌહાણે કટોકટી દરમિયાન જેલવાસ પણ ભોગવ્યો છે. 2005માં મધ્યપ્રદેશ ભાજપના પ્રમુખ તરીકેનો તેમનો અનુભવ અને OBC સમુદાયનું પ્રતિનિધિત્વ તેમને મજબૂત દાવેદાર બનાવે છે.

સુનીલ બંસલ - યુપીના ચાણક્ય

સુનીલ બંસલે ઉત્તર પ્રદેશમાં ભાજપની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં યુપીના સહ-પ્રભારી અને 2017માં પ્રભારી તરીકે તેમણે પાર્ટીને ઐતિહાસિક જીત અપાવી. ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાં પણ તેમની રણનીતિઓએ ભાજપની સ્થિતિ મજબૂત કરી. RSS સાથે ગાઢ સંબંધો અને સંગઠનમાં તેમની મજબૂત પકડને કારણે તેમને ‘યુપીના ચાણક્ય’ તરીકે ઓળખવામાં આવે છે.

ધર્મેન્દ્ર પ્રધાન - ઓડિશાનો મજબૂત ચહેરો

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન 40 વર્ષના રાજકીય અનુભવ સાથે ભાજપના વરિષ્ઠ નેતા છે. ઓડિશામાં ભાજપની પકડ મજબૂત કરવામાં તેમનું યોગદાન નોંધપાત્ર છે. 14 વર્ષની ઉંમરે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)માં જોડાયેલા પ્રધાન 2010માં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બન્યા. બે વખત લોકસભા અને બે વખત રાજ્યસભા સભ્ય રહેલા પ્રધાન OBC સમુદાયના મોટા નેતા છે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહના વિશ્વાસુ સાથી તરીકે તેમની સંગઠનાત્મક ક્ષમતા તેમને આ પદ માટે યોગ્ય ઉમેદવાર બનાવે છે.

રઘુવર દાસ - ઝારખંડનો સ્થિર ચહેરો

ઝારખંડના પ્રથમ બિન-આદિવાસી મુખ્યમંત્રી રઘુવર દાસે રાજ્યમાં 5 વર્ષનું સ્થિર શાસન આપ્યું, જે ઝારખંડના ઈતિહાસમાં પ્રથમ વખત હતું. OBC સમુદાયમાંથી આવતા દાસની ગ્રાઉન્ડ લેવલના કાર્યકરો અને ભાજપ સંગઠનમાં મજબૂત પકડ છે. તેમની નેતૃત્વ ક્ષમતા ભાજપને ઉત્તર-પૂર્વ રાજ્યોમાં વિસ્તરણ કરવામાં મદદ કરી શકે છે, જે પાર્ટીના સામાજિક સમીકરણોને વધુ મજબૂત બનાવશે.

સ્મૃતિ ઈરાની - મજબૂત મહિલા નેતૃત્વ

સ્મૃતિ ઈરાની ભાજપનો મજબૂત મહિલા ચહેરો છે, જેમણે અનેક મહત્વપૂર્ણ મંત્રાલયો સંભાળીને વહીવટી ક્ષમતા દર્શાવી છે. RSS સાથેના તેમના સારા સંબંધો અને હિન્દી બેલ્ટ તેમજ દક્ષિણ ભારતમાં તેમની અસરકારક હાજરી તેમને ખાસ દાવેદાર બનાવે છે. તેમનું રાજકીય કૌશલ્ય અને જનસંપર્ક ભાજપને ઘણો ફાયદો પહોંચાડી શકે તેમ છે.

વનથી શ્રીનિવાસન - તમિલનાડુનો ઉભરતો ચહેરો

ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વનથી શ્રીનિવાસન 1993થી પાર્ટી સાથે જોડાયેલા છે. તેમણે તમિલનાડુમાં કોઈમ્બતુર દક્ષિણ બેઠક પરથી કમલ હાસન જેવા મોટા નેતાને હરાવીને પોતાની ક્ષમતા સાબિત કરી છે. તેમના પતિ, જે વિશ્વ હિન્દુ પરિષદના રાજ્યમંત્રી રહી ચૂક્યા છે, તેમના પરિવારના RSS અને ભાજપ સાથેના ગાઢ સંબંધો તેમની દાવેદારીને મજબૂતી આપે છે.

તમિલિસાઈ સુંદરરાજન - દક્ષિણનો વિશ્વાસુ ચહેરો

1999થી ભાજપ સાથે જોડાયેલા તમિલિસાઈ સુંદરરાજન 2014-2019 દરમિયાન તમિલનાડુ ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા. રાષ્ટ્રીય સચિવ સહિત અનેક મહત્વના પદો સંભાળનાર સુંદરરાજન વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહના નજીકના નેતાઓમાં ગણાય છે. તેમણે વિપક્ષની હાજરીમાં પણ તમિલનાડુમાં ભાજપનો વિસ્તાર કર્યો, જે તેમની નેતૃત્વ ક્ષમતા દર્શાવે છે.

ડી. પુરંદેશ્વરી - આંધ્ર પ્રદેશ ભાજપની પ્રમુખ

ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીના સ્થાપક એન.ટી. રામા રાવની પુત્રી ડી. પુરંદેશ્વરી હાલમાં આંધ્ર પ્રદેશ ભાજપની પ્રમુખ છે. કોંગ્રેસમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા પુરંદેશ્વરીએ ભાજપમાં જોડાયા બાદ પાર્ટીની સ્થિતિ મજબૂત કરી. તેમની નેતૃત્વ ક્ષમતા ભાજપને આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં વધુ સમર્થન મેળવવામાં મદદ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે આ 8 દાવેદારોમાં દરેકની પોતાની એક ખાસ ક્ષમતા છે. શિવરાજ સિંહ ચૌહાણ અને ધર્મેન્દ્ર પ્રધાન જેવા OBC નેતાઓથી લઈને સ્મૃતિ ઈરાની અને વનથી શ્રીનિવાસન જેવા મહિલા નેતાઓ સુધી, આ યાદી વૈવિધ્ય અને સંગઠનાત્મક ક્ષમતા દર્શાવે છે. RSSના સમર્થન, રાજકીય અનુભવ અને પ્રાદેશિક પ્રભાવના આધારે નવા અધ્યક્ષની પસંદગી ભાજપની ભાવિ રણનીતિને આકાર આપશે. આ નિર્ણય પાર્ટીના વિસ્તરણ અને આગામી ચૂંટણીઓ માટે નિર્ણાયક સાબિત થશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં વિલંબના 3 મુખ્ય કારણો

1. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીમાં એવા નેતાની શોધમાં છે, જે 2029ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીનું નેતૃત્વ કરી શકે. એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે આ પસંદગી એવી રીતે કરવી જરૂરી છે કે સંગઠનમાં કોઈ ચોક્કસ વર્ગને અવગણવામાં આવ્યો હોવાનો સંદેશ ન જાય. છેલ્લા દાયકાથી વિપક્ષ ભાજપ પર નિર્ણયો બળજબરીથી લાદવામાં આવે છે તેવો આરોપ લગાવી રહ્યો છે. આવા આક્ષેપોનો સામનો કરવા ભાજપ સમાવેશી અભિગમ અપનાવવા માંગે છે, જેમાં વિવિધ સમુદાયો, પ્રદેશો અને વર્ગોનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થાય. આ પ્રક્રિયામાં સર્વસંમતિ હાંસલ કરવા અને નેતૃત્વમાં સંતુલન જાળવવા માટે વધુ સમયની જરૂર પડી રહી છે, જે ચૂંટણીમાં વિલંબનું એક મુખ્ય કારણ છે.

2. ભાજપે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત બાદ સંગઠનના વિવિધ સ્તરે મહિલાઓની ભાગીદારી વધારવાની મહત્વાકાંક્ષી યોજના ઘડી છે. એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, રાષ્ટ્રીય પરિષદ અને રાષ્ટ્રીય કારોબારીમાં મહિલાઓને 33% સુધીની બેઠકો આપવાનું આયોજન છે. આ ઉપરાંત, સંસદીય બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં પણ મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવામાં આવશે. પાર્ટીના વિવિધ સંગઠનો, જેમ કે મહિલા મોરચા અને અન્ય પાંખોમાં મહિલાઓની સક્રિય ભૂમિકા નિશ્ચિત કરવામાં આવશે. આ યોજનાને અમલમાં મૂકવા માટે નવા અધ્યક્ષની ટીમની રચના સાથે સંગઠનાત્મક ફેરબદલની જરૂર છે, જે ચૂંટણી પ્રક્રિયામાં વિલંબનું બીજું કારણ છે.

3. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ભાજપના નેતૃત્વ પસંદગીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. RSS ઈચ્છે છે કે વિચારધારા પ્રત્યે સમર્પિત યુવા નેતાઓને સંગઠનમાં આગળ લાવવામાં આવે. સંઘનું માનવું છે કે ભાજપ અને તેના સંલગ્ન સંગઠનોમાં જવાબદારી આપવા માટે વિચારધારા અને સંગઠન પ્રત્યે પ્રતિબદ્ધતા એકમાત્ર માપદંડ હોવો જોઈએ. આ માટે સર્વસંમતિ હાંસલ કરવી જરૂરી છે, જેથી નવી નેતૃત્વ ટીમ વૈચારિક રીતે મજબૂત હોય. RSSનું વધુ ધ્યાન એવા માળખાના નિર્માણ પર છે, જે ભવિષ્યમાં યુવા કાર્યકરોને નેતૃત્વનો વિકલ્પ બનાવી શકે. આ વ્યવસ્થા માત્ર રાષ્ટ્રીય અધ્યક્ષ કે તેમની ટીમ સુધી સીમિત ન રહે, પરંતુ રાષ્ટ્રીય કારોબારી અને રાષ્ટ્રીય પરિષદ સુધી વિસ્તરે. આ જટિલ પ્રક્રિયા અને સર્વસંમતિની શોધ ચૂંટણીમાં વિલંબનું ત્રીજું અને મહત્વનું કારણ છે.

જેપી નડ્ડાનો કાર્યકાળ વધારવામાં આવ્યો

જાન્યુઆરી 2020 થી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સેવા આપી રહેલા જેપી નડ્ડાનો કાર્યકાળ ત્રણ વર્ષની મર્યાદાથી આગળ વધારવામાં આવ્યો હતો જેથી આગામી નેતૃત્વના તબક્કા માટે યોગ્ય તૈયારી સુનિશ્ચિત થાય.

ભાજપના બંધારણ મુજબ, રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યકાળ સામાન્ય રીતે ત્રણ વર્ષનો હોય છે, જે પક્ષની અંદર સર્વસંમતિથી ચૂંટાય છે.

આ પણ વાંચો :  રોબર્ટ વાડ્રાની પૂછપરછ બાદ ED મોટી કાર્યવાહીના મૂડમાં! ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરશે

Tags :
Amit ShahBJP LeadershipBJP Organisational ElectionBJP presidentbjp strategyGujarat FirstIndian PoliticsJP NaddaMihir ParmarModi Meetingrajnath singhState BJP Chiefs
Next Article