કોરોના વેક્સિન અને હાર્ટ અટેક વચ્ચે શું કોઇ લિંક છે? ICMR-AIIMSના રિપોર્ટમાં થયો આ ખુલાસો
- કોરોના વેક્સિન અંગે ICMR અને AIIMSનો રિપોર્ટ
- કોરોના વેક્સિનનો હાર્ટ એટેક સાથે સંબંધ નહીંઃ ICMR
- કોવિડ રસીકરણથી અચાનક મૃત્યુને સંબંધ નથીઃ ICMR
- કોવિડ પછી પુખ્ત વયના લોકોમાં મૃત્યુ અંગે કર્યો અભ્યાસ
- ભારતમાં કોરોના વેક્સિન સલામત અને અસરકારકઃ ICMR
- હાર્ટ એટેક આવવા માટે વિવિધ પરિબળો છેઃ ICMR
- આનુવંશિકતા, જીવનશૈલી હાર્ટ એટેક માટે પરિબળઃ ICMR
- કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અભ્યાસનો રિપોર્ટ જાહેર
Truth about Corona Vaccine Update : છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં અચાનક મૃત્યુ કે હાર્ટ એટેક થવાના કિસ્સા જોવા મળી રહ્યા છે, જેને લઇને એવી પણ ચર્ચાઓ શરૂ થઇ હતી કે આની પાછળ કોવિડ-19 રસી જવાબદાર છે. પણ તાજેતરમાં સામે આવેલી જાણકારી આનાથી વિપરિત છે. જીહા, ભારતમાં કોવિડ-19 રસીઓ અને યુવાનોમાં અચાનક મૃત્યુ કે હાર્ટ એટેક વચ્ચે કોઈ સીધો સંબંધ નથી એવું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) દ્વારા હાથ ધરાયેલા વ્યાપક અભ્યાસમાં જાહેર થયું છે.
અભ્યાસની વિગતો
આ અભ્યાસ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 2 જુલાઈ, 2025ના રોજ જાહેર કર્યો, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રસીકરણને લીધે હાર્ટ એટેક કે અચાનક મૃત્યુનું જોખમ વધતું નથી. આ અભ્યાસ દેશભરમાં યુવાનોમાં હાર્ટ એટેકથી થતા મૃત્યુના વધતા કેસોની ચર્ચાઓ અને રસી વિશેની ગેરસમજોને દૂર કરવા માટે મહત્વનો છે. જણાવી દઇએ કે, આ અભ્યાસ મે થી ઓગસ્ટ 2023 દરમિયાન ભારતના 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 47 હોસ્પિટલોમાં હાથ ધરવામાં આવ્યો હતો. આમાં 18થી 45 વર્ષની વયના એવા લોકોનો સમાવેશ કરાયો હતો, જેઓ દેખીતી રીતે સ્વસ્થ હતા, પરંતુ ઓક્ટોબર 2021 થી માર્ચ 2023 દરમિયાન અજાણ્યા કારણોસર અચાનક મૃત્યુ પામ્યા હતા. અભ્યાસમાં 729 મૃત્યુના કેસ અને 2,916 સ્વસ્થ લોકોની માહિતીનું વિશ્લેષણ કરવામાં આવ્યું. આ માટે ઇન્ટરવ્યૂ દ્વારા કોવિડ-19 રસીકરણ, ચેપ, પોસ્ટ-કોવિડ સ્થિતિ, આનુવંશિક ઇતિહાસ, ધુમ્રપાન, નશીલા પદાર્થોનો ઉપયોગ, દારૂનું સેવન અને શારીરિક પ્રવૃત્તિની માહિતી એકત્ર કરવામાં આવી.
કોરોના વેક્સિન અંગે ICMR અને AIIMSનો રિપોર્ટ
કોરોના વેક્સિનનો હાર્ટ એટેક સાથે સંબંધ નહીંઃ ICMR
કોવિડ રસીકરણથી અચાનક મૃત્યુને સંબંધ નથીઃ ICMR
કોવિડ પછી પુખ્ત વયના લોકોમાં મૃત્યુ અંગે કર્યો અભ્યાસ
ભારતમાં કોરોના વેક્સિન સલામત અને અસરકારકઃ ICMR
હાર્ટ એટેક આવવા માટે વિવિધ પરિબળો છેઃ… pic.twitter.com/pyz7ca5x9p— Gujarat First (@GujaratFirst) July 2, 2025
અચાનક મૃત્યુનાં કારણો
ICMR અને AIIMSના અભ્યાસમાં જાણવા મળ્યું કે અચાનક મૃત્યુનાં મુખ્ય કારણોમાં કોવિડ-19 રસીનો સમાવેશ થતો નથી. તેના બદલે, પોસ્ટ-કોવિડ હોસ્પિટલાઇઝેશન, આનુવંશિક રીતે અચાનક મૃત્યુનો પારિવારિક ઇતિહાસ, ધૂમ્રપાન, અતિશય દારૂનું સેવન, નશીલા પદાર્થોનો ઉપયોગ અને તીવ્ર શારીરિક પ્રવૃત્તિ જેવાં જીવનશૈલીનાં પરિબળો મુખ્ય જવાબદાર હતાં. ખાસ કરીને, અભ્યાસમાં નોંધવામાં આવ્યું કે જે લોકો કોવિડ-19થી ગંભીર રીતે બીમાર થયા હતા અને હોસ્પિટલમાં દાખલ થયા હતા, તેમનામાં હાર્ટ એટેકનું જોખમ વધુ હતું. આ ઉપરાંત, કોવિડ ચેપ હૃદયના સ્નાયુઓને નુકસાન પહોંચાડી શકે છે.
સરકારનું નિવેદન
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, ICMR અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC)ના અભ્યાસોએ ભારતમાં કોવિડ-19 રસીઓને સલામત અને અસરકારક ગણાવી છે, જેમાં ગંભીર આડઅસરોના કેસો ખૂબ જ દુર્લભ છે. મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું કે અચાનક કાર્ડિયાક અરેસ્ટનાં કારણોમાં આનુવંશિક પરિબળો, જીવનશૈલી, પહેલાથી અસ્તિત્વમાં રહેલી આરોગ્ય સમસ્યાઓ અને કોવિડ ચેપ પછીની ગૂંચવણોનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિકો દ્વારા રસીને અચાનક મૃત્યુ સાથે જોડતા દાવાઓને ખોટા અને ભ્રામક ગણાવવામાં આવ્યા છે, કારણ કે આવા દાવાઓને કોઈ વૈજ્ઞાનિક સમર્થન નથી.
કર્ણાટક CM ના આક્ષેપને મળ્યો વળતો જવાબ
આ અભ્યાસ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નિવેદનના એક દિવસ પછી જાહેર થયો, જેમાં તેમણે રસીની ઉતાવળમાં મંજૂરી અને વિતરણને યુવાનોમાં અચાનક મૃત્યુનું સંભવિત કારણ ગણાવ્યું હતું. જોકે, ICMR-AIIMSના અભ્યાસે આ દાવાને નકારી કાઢ્યો છે, અને રસીને બદલે અન્ય આરોગ્ય અને જીવનશૈલીના પરિબળોને જવાબદાર ઠેરવ્યા છે. કર્ણાટકમાં તાજેતરમાં હાર્ટ એટેકથી થયેલા મૃત્યુના કેસો, ખાસ કરીને હાસન જિલ્લામાં, ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે, જેના જવાબમાં રાજ્ય સરકારે તપાસની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો : COVID-19:કોરોનાના નવા વેરિએન્ટને લઈ BHU ના પ્રોફેસર જ્ઞાનેશ્વર ચૌબેનો મોટો દાવો


