કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે ભાજપની જીત પર શુભકામનાઓ પાઠવી, જાણો શું લખ્યું
- કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર
- ભાજપને નોંધપાત્ર જીત મળી હોવાનું પરિણામોમાં સામે આવ્યું
- શશિ થરૂરે પોતાની પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયા પોસ્ટ મુકી
Kerala Local Body Election Results 2025 : કોંગ્રેસના સાંસદ, વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરે કેરળ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે ચૂંટણી પરિણામોને "ઉત્તમ" ગણાવ્યા છે. તેમણે લખ્યું છે કે, જનાદેશ સ્પષ્ટ છે, અને રાજ્યની લોકશાહીની ભાવના સ્પષ્ટપણે દેખાય છે. તેમણે તિરુવનંતપુરમમાં ભાજપના પ્રદર્શનને "ઐતિહાસિક" પણ ગણાવ્યું છે. જેના કારણે આગામી સમયમાં તેમની જ પાર્ટીમાં વિરોધના સૂર ઉઠે તો નવાઇ નહીં. અત્રે નોંધનીય છે કે, શશિ થરૂરના ભાજપ પ્રત્યેને કુણા વલણના કારણે અગાઉ પણ તેમની જ પાર્ટીમાંથી તેમના વિરૂદ્ધ નિવેદનો આપવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ફરી તેનું પુનરાવર્તન થાય તો નવાઇ નહીં.
મોટું સમર્થન અને મહત્વપૂર્ણ સંકેત
તેમણે ટ્વિટર પર તેમની પ્રતિક્રિયા આપતા લખ્યું કે, "વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખરેખર પ્રભાવશાળી વિજય માટે યુડીએફને ખૂબ ખૂબ અભિનંદન! રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા આ એક મોટું સમર્થન અને એક મહત્વપૂર્ણ સંકેત છે. સખત મહેનત, મજબૂત સંદેશ અને સત્તા વિરોધી લહેર આ બધાએ 2020 કરતા ઘણા સારા પરિણામો આપ્યા છે."
નોંધપાત્ર જીત માટે તેમને અભિનંદન
શશિ થરૂરે તિરુવનંતપુરમમાં ભાજપની જીત પર પણ ટિપ્પણી કરતા લખ્યું કે, "હું તિરુવનંતપુરમમાં ભાજપના ઐતિહાસિક પ્રદર્શનને પણ સ્વીકારૂં છું અને શહેર નિગમમાં તેમની નોંધપાત્ર જીત માટે તેમને અભિનંદન આપવા માંગુ છું. આ એક નોંધપાત્ર પ્રદર્શન છે, જે રાજધાનીના રાજકીય પરિદૃશ્યમાં મોટો ફેરફાર દર્શાવે છે." મેં LDFના 45 વર્ષના કુશાસનમાંથી પરિવર્તન માટે પ્રચાર કર્યો હતો, પરંતુ મતદારોએ આખરે બીજા પક્ષને ઇમાન આપ્યું છે. અત્રે નોંધનીય છે કે, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજાને જીત માટે અભિનંદન પાઠવતા ભાગ્યે જ જોવા મળે છે. શશિ થરૂરે કરેલી સરાહનાથી કોઇ કોંગ્રેસના નેતાના પેટમાં તેલ રેડાય છે કે, નહીં તે આગામી સમયમાં જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો ------ Delhi: રાજધાની દિલ્લીમાં પ્રદૂષણ નિયંત્રણ બહાર, સ્થિતિ સુધારવા માટે GRAP-3 ના કડક નિયમો લાગુ કરાયા


