Kolkata rape case: CBIએ સંજય રોય માટે ફાંસીની માંગ કરી, જાણો ચુકાદો ક્યારે ?
- મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાનો મામલો
- 18 જાન્યુઆરીએ ચુકાદો સંભળાવવામાં આવશે
- કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી
Kolkata rape case : ગયા વર્ષે ઓગસ્ટમાં કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ પરની એક તાલીમાર્થી મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ આરોપી સંજય રોય માટે મૃત્યુદંડની માંગ કરી છે. સિયાલદાહની સીબીઆઈ કોર્ટ હવે 18 જાન્યુઆરીએ આ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવશે. કોલકાતા હાઈકોર્ટના નિર્દેશ પર, કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી.
18 જાન્યુઆરીએ ચુકાદો સંભળાવવામાં આવશે
ગુરુવારે કેસની સુનાવણી પૂર્ણ થઈ હતી, ત્યારબાદ સિયાલદાહ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજે કહ્યું કે, 18 જાન્યુઆરીએ ચુકાદો સંભળાવવામાં આવશે. મૃતક મહિલા ડોક્ટરના માતા-પિતાએ આશા વ્યક્ત કરી છે કે, ગુનામાં સંડોવાયેલા અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવશે અને કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે.
આ ગુનાથી દેશભરમાં આક્રોશ ફેલાયો હતો
9 ઓગસ્ટના રોજ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઓડિટોરિયમમાં મહિલા ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. કોલકાતા પોલીસે બીજા દિવસે આરોપી રોયની ધરપકડ કરી. બળાત્કાર અને હત્યાના કેસની બંધ બારણે સુનાવણી 12 નવેમ્બરથી શરૂ થઈ હતી. આ ગુનાથી દેશભરમાં આક્રોશ ફેલાયો હતો અને કોલકાતાના જુનિયર ડોકટરોએ પીડિતાને ન્યાય અપાવવા અને સરકારી હોસ્પિટલોમાં કડક સુરક્ષાના પગલાં લેવાની માંગણી સાથે લાંબા સમય સુધી વિરોધ પ્રદર્શન કર્યા હતા. કોલકાતા પોલીસે 10 ઓગસ્ટના રોજ 31 વર્ષીય મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના આરોપમાં નાગરિક સ્વયંસેવક સંજય રોયની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : વકફ સંપત્તી અંગે CM યોગી આદિત્યનાથના નિવેદન પર ભડક્યા મૌલાના મોહમ્મદ મદની
હાઈકોર્ટે કેસની તપાસ CBIને ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો
જોકે, આ ચુકાદો મૃતકના માતા-પિતા કે પ્રદર્શનકારીઓને સંતોષવામાં નિષ્ફળ ગયો, જેમણે એ વાત પર જોર કર્યું હતુ કે, ગુનામાં અનેક લોકો સામેલ હતા. મૃતક મહિલા ડોક્ટરના માતા-પિતાની અરજી અને અનેક જાહેર હિતની અરજીઓ (PIL) બાદ 13 ઓગસ્ટના રોજ કોલકાતા હાઈકોર્ટે કેસની તપાસ CBIને ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. બાદમાં, સુપ્રીમ કોર્ટે પણ આ મામલાનું સ્વતઃ સંજ્ઞાન લીધું, જેમાં ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે 14 ઓગસ્ટના રોજ થયેલી તોડફોડ અને મામલાને ખોટી રીતે સંભાળવા બદલ રાજ્ય સરકાર, કોલકાતા પોલીસ અને હોસ્પિટલ વહીવટીતંત્રની ટીકા કરી હતી.
વિરોધીઓએ કોલેજના પ્રિન્સિપાલ સંદીપ ઘોષને જવાબદાર ઠેરવ્યા
વિરોધીઓએ કોલેજના પ્રિન્સિપાલ સંદીપ ઘોષને જવાબદાર ઠેરવ્યા અને આરોપ લગાવ્યો કે, ડૉક્ટરની હત્યા એટલા માટે કરવામાં આવી કારણ કે તેમણે હોસ્પિટલમાં ચાલતી ગડબડોનો પર્દાફાશ કર્યો હતો. બાદમાં, વિરોધ કરી રહેલા ડોકટરોએ કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલને હટાવવાની પણ માંગ કરી અને આ મામલાને સંભાળવામાં બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો. મુખ્યમંત્રી મમતા બેનર્જી, જેમની પાસે આરોગ્ય વિભાગ પણ છે, તેમણે પ્રદર્શનકારીઓને કામ પર પાછા ફરવા વિનંતી કરી, પરંતુ ડોકટરોએ તેમનો વિરોધ ચાલુ રાખ્યો અને ન્યાયની માંગણી સાથે રાજ્યભરમાં રેલીઓ કાઢી.
આ પણ વાંચો : અઠવાડીયામાં 90 કલાક કામ કરો, મારુ ચાલે તો હું રવિવારે પણ કર્મચારીઓ પાસે કામ કરાવત


