Madhya Pradesh : બાગેશ્વર ધામમાં ટેન્ટ તૂટી પડ્યો, એક ભક્તનું મૃત્યુ થતાં ચકચાર મચી ગઈ
- Bageshwar Dham માં ટેન્ટ તૂટી પડતા એક ભક્તનું કરુણ મૃત્યુ નીપજ્યું
- આ દુર્ઘટનામાં 8થી વધુ ભકતો ઘાયલ થયા છે
- Dhirendra Shastri ના જન્મદિવસની શુભેચ્છા કાર્યક્રમ માટે ભક્તો એકત્ર થયા હતા
Madhya Pradesh : છત્તરપુર જિલ્લામાં આવેલ બાગેશ્વર ધામ (Bageshwar Dham) માં આજે ટેન્ટ તૂટી પડવાની દુર્ઘટના ઘટી છે. જેમાં 8થી વધુ ઘાયલ થયા છે અને એક ભક્તનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આજે ગુરુવારે સવારે લગભગ 7 કલાકે આરતી પછી બાગેશ્વર ધામમાં આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં લોખંડની એંગલ માથામાં વાગતાં એક ભક્તનું મોત થયું છે. આ અકસ્માતમાં 8થી વધુ ભકતો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે છત્તરપુર જિલ્લા હોસ્પિટલ (Chhatarpur District Hospital) માં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ સવારની આરતી બાદ વરસાદથી બચવા માટે ભક્તો ટેન્ટ નીચે ભેગા થયા હતા.
સમગ્ર ઘટનાક્રમ
બુધવાર રાત્રે ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના ચૌર સિકંદરપુરનો એક પરિવાર બાગેશ્વર આશ્રમ ખાતે પહોંચી ગયો હતો. આ પરિવારે ગુરુવાર સવારે 7 કલાકની આરતીમાં ભાગ લીધો. આરતી બાદ મુશળધાર વરસાદ શરુ થઈ ગયો હતો. વરસાદથી બચવા આ પરિવારના સભ્યો અને અન્ય ભકતોએ એક ટેન્ટ નીચે શરણ લીધી હતી. જો કે થોડીવાર બાદ ટેન્ટ તૂટી પડતા લોખંડની એક એન્ગલ સીધી જ પરિવારના મોભી શ્યામલાલ કૌશલ (ઉં. 50 વર્ષ) પર પડી હતી. આ એન્ગલનો ઘા મરણતોલ સાબિત થતા જ તેમણે ઘટના સ્થળે જીવ ગુમાવ્યો હતો.
આ પણ વાંચોઃ AMARNATH YATRA માટે શ્રદ્ધાળુઓનો બીજો જથ્થો રવાના, સુરક્ષા વ્યવસ્થાની સરાહના
શુક્રવારે ધીરેન્દ્ર શાસ્ત્રીનો જન્મદિવસ
ઉલ્લેખનીય છે કે બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Shastri) છે. જે દેશના સૌથી પ્રખ્યાત સંતો અને કથાકારોમાંના એક છે. હવે આવતીકાલે 4 જુલાઈ શુક્રવારે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો જન્મદિવસ છે. તેથી ગુરુવારે શાસ્ત્રીજીને શુભેચ્છા આપવા માટે ભકતો બાગેશ્વર ધામમાં એકત્ર થયા હતા. જો કે આજે ગુરુવારે વધુ પડતા ભકતો એક ટેન્ટમાં વરસાદથી બચવા શરણ લેવા જતાં એક મોટી દુર્ઘટના સર્જાતા ચકચાર મચી ગઈ છે. આ અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે અને મૃતકને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Gujarat માં રજિસ્ટર્ડ રોકાણકારોનો આંકડો 1 કરોડને પાર થયો, દેશનું 3જુ રાજ્ય બન્યું