બાંગ્લાદેશમાં ઇસ્કોન ધર્મગુરુઓની ધરપકડ બાદ મમતા બેનર્જીની PM મોદીને અપીલ!
બાંગ્લાદેશ (Bangladesh) માં હિન્દુ સમુદાય પર થતા અત્યાચારને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ સંયુક્ત રાષ્ટ્રના શાંતિ રક્ષા દળને તૈનાત કરવાની માંગ કરી છે. મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને આ મામલે અંગત રીતે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે. બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાય પર વધતી હિંસાને રોકવા માટે મમતા બેનર્જીની આ પ્રતિક્રિયા ઇસ્કોનના 3 હિન્દુ ધર્મગુરુઓની ધરપકડના અહેવાલો બાદ સામે આવી છે.
શેખ હસીનાની સરકારનું પતન અને હાલની પરિસ્થિતિ
બાંગ્લાદેશમાં ઓગસ્ટ મહિનામાં વિદ્યાર્થીઓના આંદોલન પછી શેખ હસીનાની સરકારનું પતન થયું હતું, જેના કારણે દેશની રાજકીય સ્થિરતા ખોરવાઈ ગઇ હતી. હાલમાં ત્યાં વચગાળાની સરકાર કાર્યરત છે, જે લઘુમતી હિન્દુ સમુદાયની સુરક્ષા માટે કંઈ ખાસ પગલાં નથી ભરી રહી. જેને લઇને બંગાળ વિધાનસભામાં મમતા બેનર્જીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, બાંગ્લાદેશમાં આપણા પરિવાર અને પ્રિયજનો રહે છે, અને તેમની સુરક્ષા આપણા માટે અગત્યની છે. હિન્દુઓ વિરુદ્ધ થતી હિંસાને લઈ તેમણે કહ્યું કે, અમે ધર્મના આધારે અત્યાચારની નિંદા કરીશું, તે દુનિયામાં ક્યાંય પણ હશે. તેમણે સ્પષ્ટ કર્યું કે બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાય પર થતી હિંસા ક્યારેય સહન કરાશે નહીં.
West Bengal CM Mamata Banerjee called for Prime Minister Modi's intervention to help Indians attacked in Bangladesh, offered rehabilitation, and suggested deploying UN peacekeeping forces to resolve the issue pic.twitter.com/ak5971za5B
— IANS (@ians_india) December 2, 2024
ઇસ્કોન નેતાઓ સાથે વાતચીત
મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, તેમણે કોલકાતાના ઇસ્કોનના વડા સાથે આ મામલે ચર્ચા કરી છે. તેમણે હિન્દુ ધર્મગુરુઓના સમર્થનમાં પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને કહ્યું કે પશ્ચિમ બંગાળના લોકો હંમેશા તેમના સાથે ઊભા રહેશે. મમતા બેનર્જીએ બાંગ્લાદેશમાં વધી રહેલા હિન્દુ વિરુદ્ધના હિંસાના મુદ્દે ભારત સરકારને સંયુક્ત રાષ્ટ્રમાં આ મામલાને ઉઠાવવાની વિનંતી કરી છે. તેમણે એવો પણ દાવો કર્યો કે, બાંગ્લાદેશી માછીમારો કે પ્રવાસીઓ જો ભારતની સરહદમાં કોઈ મુશ્કેલીમાં હોય, તો ભારત હંમેશા તેમની મદદ કરવા માટે આગળ રહ્યું છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરએ પણ ચિંતા વ્યક્ત કરી
વિદેશ મંત્રી એસ. જયશંકરે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાંગ્લાદેશમાં વધતા હિન્દુ હિંસાના મુદ્દે જાણકારી આપી હતી. મંત્રીએ બાંગ્લાદેશની વચગાળાની સરકાર સાથે પણ વાતચીત કરી અને હિન્દુઓ વિરુદ્ધ હિંસા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સંસદમાં પણ આ મામલે સરકારની કડક નીતિઓ પર પ્રકાશ પાડ્યો હતો.
આ પણ વાંચો: Mamata : મોદી સરકારને અમારુ સમર્થન....


