મહારાષ્ટ્રના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યા કેસમાં નવો ખુલાસો
- બાબા સિદ્દીકી હત્યાકાંડ: ઝીશાનના ખુલાસાઓ
- બિલ્ડરો અને નેતાઓના નામોથી ભરેલી ડાયરીનો ખુલાસો
- બાબા સિદ્દીકી હત્યાના કેસમાં બિશ્નોઈ ગેંગ પર સવાલ
- હત્યા પહેલા બાબા સિદ્દીકી શપથ માટે તૈયાર હતા
- ઝીશાનનું નિવેદન: "પરિવાર અને બિશ્નોઈ ગેંગ વચ્ચે કોઈ દુશ્મનાવટ નથી"
Maharashtra : મહારાષ્ટ્રના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યા કેસમાં એક નવા ખુલાસો થયો છે. આરોપી તરફથી મળેલા નિવેદન અને કેસની તપાસમાં મેળવવામાં આવેલા પુરાવાઓએ આ હત્યા પાછળના કેટલાક કારણોનો ખુલાસો કર્યો છે. બીજી તરફ, બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીએ પોતાની પાસેના મહત્વના પુરાવાઓ પોલીસને સુપ્રત કર્યા છે. આ કેસમાં ઝીશાને પોલીસને પોતાના નિવેદનમાં એક ડાયરી વિશે માહિતી આપી છે, જેમાં બિલ્ડરો અને નેતાઓના નામો લખાયેલા હોવાનું જણાવાયું છે. જો કે, ઝીશાનના નિવેદનમાં ક્યાંય બિશ્નોઈ ગેંગનો ઉલ્લેખ નથી થયો, જે કેસને વધુ રહસ્યમય બનાવે છે.
પિતા ડેવલપર્સ અને નેતાઓ સાથે સતત સંપર્કમાં હતા
ઝીશાન સિદ્દીકીએ જણાવ્યું કે, તેના પિતા બાબા સિદ્દીકીના ઘણા ડેવલપર્સ અને રાજકારણીઓ સાથે મજબૂત સંબંધો હતા. તે પોતાના રોજિંદા કામકાજને લઈને નોંધો તૈયાર કરવા માટે ડાયરીનો ઉપયોગ કરતા હતા. 12 ઓક્ટોબર, 2024ના રોજ થયેલી હત્યાના દિવસે બાબા સિદ્દીકીએ પોતાની ડાયરીમાં મુંબઈના એક નેતાનું નામ લખ્યું હતું. ઝીશાનના જણાવ્યા મુજબ, તેમના પિતાના ઘણા ડેવલપર્સ સાથે પુનર્વિકાસ પ્રોજેક્ટ્સને લઈને સંપર્ક હતા. આ પ્રોજેક્ટ્સમાં SRA રીડેવલપમેન્ટનો સમાવેશ થાય છે, જ્યાં એક બિલ્ડરે તેમની સામે અપશબ્દો બોલ્યા હતા. ઝીશાન સિદ્દીકીએ વધુમાં જણાવ્યું કે, બાબા સિદ્દીકી 12 ઓક્ટોબર 2024ના રોજ ગોળીબારીમાં મોતના શિકાર બન્યા તેનાં ફક્ત બે દિવસ પછી તેઓ વિધાન પરિષદના ધારાસભ્ય તરીકે શપથ લેવાના હતા. તેમના નિધન પછી, 15 ઓક્ટોબર 2024ના રોજ વિધાન પરિષદ માટે નામાંકિત થયેલા અન્ય નેતાઓએ શપથ લીધા હતા. NCP નેતા ઝીશાને આ કેસની સંપૂર્ણ તપાસ માટે મુંબઈ પોલીસને વિનંતી કરી છે.
બિશ્નોઈ ગેંગનો ઉલ્લેખ ન થવાથી સવાલો ઊભા થયા
હત્યા પછી બિશ્નોઈ ગેંગે આ હત્યાની જવાબદારી લીધી હતી, પરંતુ ઝીશાનના નિવેદનમાં આ ગેંગના કોઈપણ સભ્યનું ઉલ્લેખ ન થવો કેટલાંક પ્રશ્નો ઊભા કરે છે. પોલીસ અનમોલ બિશ્નોઈના એંગલથી તપાસ આગળ વધારી રહી છે, કારણ કે ચાર્જશીટમાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. 4500 પાનાની ચાર્જશીટમાં 26 આરોપીઓના નામ સામેલ છે. જણાવી દઇએ કે, ઝીશાન સિદ્દીકીએ સ્પષ્ટપણે જણાવ્યું કે તેમના પરિવાર અને બિશ્નોઈ ગેંગના સભ્યો વચ્ચે કોઈ પ્રકારની દુશ્મનાવટ નહોતી. તેમ છતાં, તેમના પિતાની હત્યાની જવાબદારી આ ગેંગ દ્વારા લેવામાં આવી, જે વધુ આશ્ચર્યજનક છે.
આ પણ વાંચો : Salman Khan ને હજુ પણ લોરેન્સ બિશ્નોઈનો ભય! જુઓ Video


