એકવાર ફરી PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી!
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી
- મુંબઈ ટ્રાફિક પોલીસના હેલ્પલાઈન પર ધમકીભર્યો મેસેજ
- PM મોદી પર હુમલાની ધમકી: મુંબઈ પોલીસ એલર્ટ પર
- PM મોદી વિરુદ્ધ ધમકીની તપાસ ચાલુ
- PM મોદીને નિશાન બનાવવાની યોજના
- ધમકી મોકલનાર વ્યક્તિની માનસિક સ્થિતિ પર સંશય
PM Narendra Modi Death Threat : મુંબઈ ટ્રાફિક પોલીસની હેલ્પલાઈન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતો મેસેજ શનિવારે મળ્યો હતો. આ મેસેજમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના બે એજન્ટો વડાપ્રધાન પર બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મેસેજ મળતાની સાથે જ મુંબઈ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. અધિકારીએ જણાવ્યું કે, ધમકીભર્યો મેસેજ વહેલી સવારે મળ્યો હતો અને તપાસ દરમિયાન જાણ થઇ હતી કે, મેસેજ મોકલનારનો નંબર રાજસ્થાનના અજમેરનો છે. પોલીસની એક ટીમ શંકાસ્પદ વ્યક્તિને પકડવા માટે તાત્કાલિક રાજસ્થાન જવા રવાના થઈ હતી.
ISI એજન્ટો દ્વારા કાવતરું ઘડાયાની આશંકા
ધમકીભર્યા મેસેજમાં PM મોદીને નિશાન બનાવવાનો ઉલ્લેખ કર્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, મેસેજ મુજબ ISIના એજન્ટો વડાપ્રધાન પર બોમ્બ હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. જો કે, પોલીસનું માનવું છે કે મેસેજ મોકલનાર વ્યક્તિ દારૂના નશામાં અથવા માનસિક રીતે અસ્વસ્થ હોઈ શકે છે. આ મામલે ભારતીય ન્યાયિક સંહિતાની સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે અને તપાસ ચાલુ છે. મુંબઈ પોલીસની હેલ્પલાઈન પર અગાઉ પણ આવા ધમકીભર્યા મેસેજ મળ્યા છે, જે સીરિયસ હોવાની શક્યતા ઓછી રહેતી હોય છે.
સલમાન ખાનને મળી ધમકીઓની વાત પણ સામે આવી
મહત્વનું છે કે, ધમકીભર્યા મેસેજનો વધુ એક મામલો અભિનેતા સલમાન ખાન સાથે જોડાયેલો છે. છેલ્લા 10 દિવસમાં સલમાન ખાનને જાનથી મારી નાખવાની 2 ધમકીઓ મળી છે. શનિવારે મળેલા મેસેજમાં બિશ્નોઈ સમુદાયના મંદિરમાં જઈને માફી માગવાની અને 5 કરોડ રૂપિયાનું દાન આપવાની શરત મૂકવામાં આવી હતી. આ ધમકીથી અભિનેતાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસે કહ્યું કે, આ ધમકીઓ ગંભીર હોવાની શક્યતા ઓછી છે, પરંતુ તેને અવગણવી શક્ય નથી. સાયબર ક્રાઈમ ટીમ આ મેસેજ ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે અને તપાસ કરી રહી છે કે આ મેસેજ વાસ્તવમાં બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો છે કે પછી માત્ર મજાક તરીકે મોકલાયો છે.
આ પણ વાંચો: 'સામાન્ય લોકોની લૂંટ, કોર્પોરેટ્સને છૂટ!' રાહુલનો કેન્દ્ર સરકાર પર સીધો કટાક્ષ


