Operation Sindoor : દેશમાં 27 એરપોર્ટ પર ફ્લાઇટ સેવાઓ સ્થગિત, શાળાઓમાં રજાની જાહેરાત
- Operation SIndoor બાદ શાળાઓ બંધ, ફ્લાઇટ્સ રદ
- ભારતે 9 આતંકવાદી ઠેકાણા ધ્વસ્ત કર્યા
- પંજાબ-રાજસ્થાન-કાશ્મીરમાં શાળાઓ બંધ
- 27 એરપોર્ટ્સ પર ફ્લાઇટ સેવા સ્થગિત
- દેશભરમાં સુરક્ષા વધારાઈ, શાળાઓ અને પરીક્ષાઓ રદ
Operation Sindoor : 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નાગરિકો, મોટાભાગે પર્યટકો, માર્યા ગયા હતા. આ હુમલાના જવાબમાં, ભારતે 7 મે, 2025ના રોજ ‘Operation Sindoor’ નામની નિર્ણાયક હવાઈ અને મિસાઈલ કાર્યવાહી શરૂ કરી. આ ઓપરેશનમાં પાકિસ્તાન અને પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર (PoK)માં જૈશ-એ-મોહમ્મદ (JeM), લશ્કર-એ-તૈયબા (LeT) અને હિઝબુલ મુજાહિદ્દીનના 9 આતંકવાદી ઠેકાણાઓ નષ્ટ કરવામાં આવ્યા, જેમાં બહાવલપુરમાં JeMનું મુખ્ય મથક અને મુરિદકેમાં LeTનો આધાર સામેલ હતા. 25 મિનિટની આ કાર્યવાહીમાં ભારતીય સેનાએ ચોક્કસ શસ્ત્રોનો ઉપયોગ કરીને 100થી વધુ આતંકવાદીઓનો સફાયો કર્યો, જેમાં JeMના વડા મસૂદ અઝહરના 10 સંબંધીઓનો પણ સમાવેશ થાય છે.
દેશભરમાં હાઇ એલર્ટ અને સુરક્ષા વ્યવસ્થા
ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનની આક્રમક પ્રતિક્રિયા, જેમાં કુપવાડા, પૂંછ અને રાજૌરીમાં સીઝફાયર ઉલ્લંઘન અને ગોળીબારનો સમાવેશ થાય છે, જેને ધ્યાનમાં રાખીને ભારતે સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી છે. દેશભરમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, અને જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં વધારાના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ભારતીય હવાઈ દળે રડાર અને સેટેલાઇટ સર્વેલન્સ દ્વારા સરહદો પર ચાંપતી નજર રાખી છે, જ્યારે હવાઈ સુરક્ષા માટે એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે.
શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ
પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘન અને સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને, ઘણા રાજ્યોમાં શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. પંજાબના ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, અમૃતસર અને ગુરદાસપુર જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાના આદેશ જારી કરાયા છે, જેમાં પઠાણકોટમાં આગામી 72 કલાક સુધી શૈક્ષણિક પ્રવૃત્તિઓ સ્થગિત રહેશે. રાજસ્થાનના બિકાનેર, જેસલમેર, બાડમેર અને શ્રીગંગાનગરમાં પણ સરકારી અને ખાનગી શાળાઓ તેમજ આંગણવાડી કેન્દ્રો આગામી આદેશ સુધી બંધ રહેશે. જોધપુર વહીવટીતંત્રે જિલ્લા કલેક્ટર ગૌરવ અગ્રવાલના નેતૃત્વમાં એક જાહેરનામું બહાર પાડ્યું, જેમાં 8 મે, 2025થી આગામી આદેશ સુધી તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
Rajasthan | In view of the current situation, Jodhpur administration announces a holiday in all private and government schools and Anganwadis from today till further orders: District Collector Gaurav Agarwal pic.twitter.com/7gVLfVhA7c
— ANI (@ANI) May 8, 2025
જમ્મુ અને કાશ્મીરમાં પણ સ્થિતિ ગંભીર છે. જમ્મુ, કઠુઆ, સાંબા, પૂંછ, રાજૌરી, બારામુલ્લા, કુપવાડા, બાંદીપોરા અને ગુરેઝ ખીણમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ 8 મે, 2025ના રોજ બંધ રહેશે. આ ઉપરાંત, કાશ્મીર યુનિવર્સિટી અને ક્લસ્ટર યુનિવર્સિટી શ્રીનગરે 10 મે, 2025 સુધીની તમામ પરીક્ષાઓ રદ કરી દીધી છે, જેથી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય.
27 એરપોર્ટ્સ પર નાગરિક ઉડ્ડયન બંધ
ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનના હવાઈ અને જમીની હુમલાઓના જોખમને ધ્યાનમાં રાખીને, ભારતે 27 એરપોર્ટ્સ પર નાગરિક ઉડ્ડયન સેવાઓ સ્થગિત કરી દીધી છે. આ એરપોર્ટ્સમાં ધર્મશાલા, હિંડોન, ગ્વાલિયર, કિશનગઢ, શ્રીનગર, અમૃતસર, પટિયાલા, શિમલા, ગગ્ગલ, જેસલમેર, જોધપુર, બિકાનેર, હલવારા, પઠાણકોટ, જમ્મુ, લેહ, થોઈસ, લુધિયાણા, ભુંતર, ભટિંડા, મુન્દ્રા, જામનગર, ચંદીગઢ, રાજકોટ, ભુજ અને પોરબંદરનો સમાવેશ થાય છે.
#WATCH | Amritsar | Sirivennela, ADCP-2 says, "As per the central government, 21 airports in the North and North-western India will remain shut till May 10. No flights will be operated from here..." https://t.co/cdnWvsRDKQ pic.twitter.com/xEmUgmNR8a
— ANI (@ANI) May 8, 2025
આ એરપોર્ટ્સ 10 મે, 2025 સુધી નાગરિક ફ્લાઇટ્સ માટે બંધ રહેશે, જોકે લશ્કરી ઉડ્ડયન માટે તે ચાલુ રહેશે. ઇન્ડિગો, એર ઇન્ડિયા, સ્પાઇસજેટ અને અન્ય એરલાઇન્સે 300થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે અને મુસાફરોને રિફંડ અથવા રિશેડ્યુલિંગની સુવિધા આપી છે.
આ પણ વાંચો : Salute to Indian Forces : સુધરે તે પાકિસ્તાન થોડું કહેવાય! એકવાર ફરી કરી ના'પાક' હરકત


