PM મોદી UER-2 નું કરશે ઉદ્ઘાટન, મુખ્ય ઉદ્દેશ્ય દિલ્હીના ટ્રાફિકને ઘટાડવાનો છે
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી UER-2 નું કરશે ઉદ્ઘાટન
- બપોરે 12:30 વાગે UER-2 નો ઉદ્ઘાટન કાર્યક્રમ થશે
- UER-2 ને દિલ્હીના ત્રીજા રિંગ રોડ તરીકે વિકસાવાયો
- જેનો મુખ્ય ઉદ્દેશ્ય દિલ્હીના ટ્રાફિકને ઘટાડવાનો છે
PM નરેન્દ્રભાઈ મોદી રવિવારે દિલ્હીના રોહિણી વિસ્તારમાં અર્બન એક્સટેન્શન રોડ-2 (UER-2) નું ભવ્ય ઉદ્ઘાટન કરશે. બપોરે 12:30 વાગ્યે યોજાનાર આ કાર્યક્રમને લઈ દિલ્હીમાં સુરક્ષા અને ટ્રાફિકની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. UER-2ને દિલ્હીના ત્રીજા રિંગ રોડ તરીકે વિકસાવવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ રાજધાનીમાં થતા વધારે ટ્રાફિક પર નિયંત્રણ લાવવાનો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં શહેરના વિવિધ વિસ્તારોમાં વાહનવ્યવહાર સરળ બનશે અને મુસાફરોનો સમય બચશે.
કાર્યક્રમને લઈ ટ્રાફિક પર અસર
ઉદ્ઘાટન સમારંભને ધ્યાનમાં રાખીને રવિવારે સવારે જ પોલીસ દ્વારા અનેક મહત્વપૂર્ણ માર્ગોને બંધ રાખવામાં આવશે. આ દરમિયાન વાહનચાલકોને ઘણી જગ્યાએ ટ્રાફિકનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને ભગવાન મહાવીર માર્ગ, બાવાના રોડ, કાંઝાવાલા રોડ, કાંઝાવાલા લિંક રોડ અને બાદશાહ દહિયા માર્ગ પર વાહનવ્યવહાર પ્રભાવિત થવાનો છે. દિલ્હી ટ્રાફિક પોલીસે Advisory જાહેર કરી છે જેમાં લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ વિસ્તારોને ટાળે અને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરે. આસપાસના વિસ્તારના રહેવાસીઓ માટે કેએન કાત્જુ માર્ગ અને રોહિણી જેલ માર્ગ વધુ અનુકૂળ રહેશે.
UER-2 ના ઉદ્ઘાટનના કારણે કોમર્શિયલ વાહનો પર પ્રતિબંધ
ટ્રાફિક સલાહકાર અનુસાર, રિંગ રોડથી રોહિણી તરફ જતા માર્ગો પર સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી કોમર્શિયલ વાહનોને અવરજવર કરવાની મંજૂરી નહીં મળે. આ પ્રતિબંધ ખાસ કરીને મધુબન ચોક, આઉટર રિંગ રોડ-કેએન કાત્જુ માર્ગ ક્રોસિંગ, આઉટર રિંગ રોડ-જેલ રોડ ક્રોસિંગ, દીપાલી ચોક, જયપુર ગોલ્ડન હોસ્પિટલ ક્રોસિંગ, મહાદેવ ચોક, પાંસાલી ચોક, કાલી ચોક, વઝીરપુર ડેપો, સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગર, યુઇઆર-2, બાવાના રોડ, બરવાલા ચોક, રોહિણી સેક્ટર 35-36 ક્રોસિંગ, કબુતર ચોક વિસ્તારો પર લાગુ રહેશે.
મુસાફરો માટે ખાસ માર્ગદર્શન
મુકરબા ચોક અથવા મધુબન ચોક પરથી નાંગલોઈ તરફ જતાં મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ UER-2, મધુબન ચોક અને ભગવાન મહાવીર માર્ગ જેવા વ્યસ્ત રસ્તાઓ ટાળે. તેના બદલે, મુસાફરો પીરાગઢી માર્ગ અપનાવીને રોહતક રોડ મારફતે પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકે છે. ખાસ નોંધનીય વાત એ છે કે ફક્ત ઉદ્ઘાટન કાર્યક્રમના સહભાગીઓને જ કાલી ચોકથી ભગવાન મહાવીર માર્ગ પર આગળ વધવાની છૂટછાટ મળશે.
ટ્રાફિક પોલીસની અપીલ અને જનતાને સલાહ
દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા સામાન્ય લોકોને કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે:
- મુસાફરીનું આયોજન અગાઉથી કરી લો અને શક્ય હોય ત્યાં વૈકલ્પિક માર્ગો પસંદ કરો.
- 17 ઑગસ્ટ 2025ના રોજ રોહિણી જતા કે ત્યાંથી આવતા મુસાફરો જાહેર પરિવહન, ખાસ કરીને મેટ્રોનો ઉપયોગ કરે.
- ટ્રાફિક પોલીસના માર્ગદર્શનને અનુસરો અને તેમની સૂચનાઓનું પાલન કરો.
- સમગ્ર કાર્યક્રમ દરમિયાન જનતાનો સહયોગ આવશ્યક છે જેથી ઉદ્ઘાટન વિના વિક્ષેપ પૂર્ણ થઈ શકે.
- તમામ ડ્રાઈવર અને મુસાફરોને સલાહ છે કે તેઓ દિલ્હી ટ્રાફિક પોલીસના સત્તાવાર ચેનલો દ્વારા સતત ટ્રાફિક અપડેટ્સ મેળવતા રહે.
આ પણ વાંચો : 79th Independence Day : RSS ના શતાબ્દી વર્ષ પર સંઘના સમર્પણને PM મોદીએ કર્યુ યાદ


