PM Modi : GST સુધારા પર PM મોદીનું પ્રથમ નિવેદન, કહી આ વાત
PM Modi : GST કાઉન્સિલે આજે (3 સપ્ટેમ્બર) યોજાયેલી બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય નાણા મંત્રીએ જણાવ્યું કે, હવે 5% અને 18% એમ માત્ર બે GST સ્લેબ જ લાગુ થશે. એટલે કે હવે 12% અને 28% GST સ્લેબ રદ કરાયા છે અને તેમાં સામેલ વસ્તુઓ મંજૂર કરાયેલા બે ટેક્સ સ્લેબની અંદર જ ગણાશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ઘણી વસ્તુઓ સસ્તી થઇ જશે. જો કે, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ માટે 40% ના સ્પેશિયલ સ્લેબને પણ મંજૂરી આપવામાં આવી છે. આ નવા GST દર 22 સપ્ટેમ્બરથી લાગુ થશે.
મોદીએ GST સુધારા પર પહેલી પ્રતિક્રિયા આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) GST સુધારા પર પહેલી પ્રતિક્રિયા આપી છે. પોતાના X એકાઉન્ટ પર વડાપ્રધાન મોદીએ GSTમાં થયેલા નવા ફેરફારોને દેશના અર્થતંત્રને મજબૂત કરનારું ગણાવ્યું. તેમણે કહ્યું કે, 'કેન્દ્ર અને રાજ્યોની સહમતિથી આ ફેરફારોનો સીધો ફાયદો સામાન્ય જનતા, ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને નાના વેપારીઓને મળશે.' વડાપ્રધાન મોદીએ તેને આગામી પેઢીનો સુધારો ગણાવતા કહ્યું કે, 'નવા GST પાયાથી લોકોની જિંદગી સરળ થશે અને અર્થતંત્રને મજબૂતી મળશે.' રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ GST સુધારા પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને વડાપ્રધાન મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણનો આભાર માન્યો છે.
સામાન્ય માણસનું જીવન સરળ બનશે
વડાપ્રધાન મોદીએ પોતાના 'X' એકાઉન્ટ પર લખ્યું કે, 'પોતાના સ્વતંત્રતા દિવસ ભાષણ દરમિયાન મેં GSTમાં આગામી પેઢીના સુધાર લાવવા માટે આપણા ઇરાદા અંગે વાત કરી હતી.કેન્દ્ર સરકારે સામાન્ય માણસનું જીવન સરળ બનાવવા અને અર્થતંત્રને મજબૂત બનાવવાના હેતુથી વ્યાપક GST દર તર્કસંગતીકરણ અને પ્રક્રિયાગત સુધારાઓ માટે એક વિગતવાર દરખાસ્ત તૈયાર કરી હતી.
આ પણ વાંચો -New GST : GST પર સરકારનો મોટો નિર્ણય, હવે ખાલી બે સ્લેબ જ જોવા મળશે, 22 સપ્ટેમ્બરથી લાગૂ થશે
નાગરિકોના જીવનમાં સુધારો કરશે
એ જણાવતા ખુશી થાય છે કે કેન્દ્ર અને રાજ્યોની @GST_Council એ GST દરમાં ઘટાડા અને સુધારાઓ અંગે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવો પર સામૂહિક રીતે સંમતિ દર્શાવી છે, જેનાથી સામાન્ય માણસ, ખેડૂતો, MSME, મધ્યમ વર્ગ, મહિલાઓ અને યુવાનોને ફાયદો થશે.આ વ્યાપક સુધારાઓ આપણા નાગરિકોના જીવનમાં સુધારો કરશે અને બધા માટે ખાસ કરીને નાના વેપારીઓ અને વ્યવસાયો માટે વ્યવસાય કરવાની સરળતા સુનિશ્ચિત કરશે.'