Mahakumbh : રડતા રડતા એક મહિલાએ કહ્યું, કેટલાક લોકો ધક્કામુક્કી કરતા સમયે હસી રહ્યા હતા
Mahakumbh : પ્રયાગરાજમાં બુધવારે સવારે યોજાઈ રહેલા મહાકુંભ મેળામાં મૌની અમાવસ્યા નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા. જેના કારણે ભીડની અવ્યવસ્થા અને નાસભાગની પરિસ્થિતિ સર્જાઇ, જેના પરિણામે ઘણા લોકો ઘાયલ થયા. આ દુર્ઘટના દરમિયાન સંગમ ઘાટ પર કેટલી મુશ્કેલીઓ થઇ? કેવા દ્રશ્ય જોવા મળ્યા, તે અંગે હાજર લોકોએ તેમના અનુભવો શેર કર્યા છે.
ભાગદોડની સ્થિતિ અને ઘાયલ લોકોના અનુભવો
પ્રયાગરાજના સંગમ ઘાટ પર, મૌની અમાવસ્યાના અવસરે સ્નાન કરવા માટે લોકો ભેગા થઈ રહ્યા હતા. એક સમયે અચાનક ભીડ બેકાબૂ થઈ ગઈ અને નાસભાગ મચી ગઈ, જેના પરિણામે ઘણા લોકો ઘાયલ થઈ ગયા. ગંભીર પરિસ્થિતિમાં, એક મહિલાએ પોતાના ઘાયલ બાળકને સારવાર આપવા માટેના પ્રયાસો વિશે જણાવ્યું. સરોજિની નામની એક મહિલાએ આ ઘટનાનું વર્ણન કરતા કહ્યું કે, " અહીં ધક્કામુક્કી થઈ રહી હતી, બચવાનો કોઈ મોકો નહોતો." તેમણે વધુમાં કહ્યું કે, "અમારું 60 લોકોનું ગ્રુપ 2 બસોમાં આવ્યું હતું, જેમાં 9 લોકો હતા. અચાનક ભીડના કારણે, ઘણા લોકો નીચે પડી ગયા અને અમે ફસાઈ ગયા." મહિલાએ વધુમાં કહ્યું કે, ત્યાં ક્યાંય જવાનો કોઈ રસ્તો નહોતો. કેટલાક લોકો ધક્કામુક્કી કરવાની સાથે હસી રહ્યા હતા, જ્યારે અમે તેમને બાળકો પર દયા કરવા વિનંતી કરી રહ્યા હતા.
ભયાનક અનુભવ
મધ્યપ્રદેશના છતરપુરથી આવેલા એક વ્યક્તિએ જણાવ્યું કે, તેની માતા ઘાયલ થઈ અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મેઘાલયના એક દંપતીએ પણ પોતાનો ભયાનક અનુભવ શેર કર્યો. તેમણે કહ્યું કે તેઓ પણ ભાગદોડમાં ફસાઈ ગયા હતા અને આ પરિસ્થિતિ જોઇને તેઓ ખૂબ ડરી ગયા હતા.
"મહિલા ભીડ નીચે ફસાઈ ગઈ હતી અને ઊભી થઈ શકતી ન હોતી"
જણાવી દઈએ કે, પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન બુધવારે મૌની અમાવસ્યાના દિવસે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આમાં સંગમમાં સ્નાન કરવા જઈ રહેલી 30 થી વધુ મહિલાઓ ઘાયલ થઈ હતી. પ્રત્યક્ષદર્શીઓએ આ ઘટનાને ખૂબ જ ભયાનક ગણાવી હતી. આ ઘટનાના સાક્ષી જય પ્રકાશ સ્વામીએ કહ્યું, "મહિલા ભીડ નીચે ફસાઈ ગઈ હતી અને ઊભી થઈ શકતી ન હતી. અમે બધા ભીડમાં ફસાઈ ગયા હતા. હું સૌથી પહેલા બહાર નીકળ્યો, પછી મેં બાળકો, પિતા અને માતાની મદદ કરી."
સંતોનું સિંહાસન તૈયાર હતું, પછી અકસ્માત થયો
મહંત રવિન્દ્ર પુરીએ મીડિયાને જણાવ્યું કે, બધા સંતો માટે સિંહાસનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને નાગા સાધુઓ સહિત બધા સંતો સ્નાન માટે તૈયાર હતા. જ્યારે અમને ખબર પડી કે કોઈ ઘટના બની છે, ત્યારે અમે જાહેર હિતમાં નિર્ણય લીધો કે આજે મૌની અમાવસ્યા પર આપણે સ્નાન નહીં કરીએ. તેમણે કહ્યું, "અમે મોબાઈલ પર જોયું કે આવી દુર્ઘટના બની છે. અમને અધિકારીઓ પાસેથી પણ આ વાતની જાણ થઈ. અમારા તમામ અખાડાઓએ નક્કી કર્યું છે કે અમે મૌની અમાવસ્યા પર સ્નાન નહીં કરીએ.
આ પણ વાંચો : Mahakumbh Stampede Incident LIVE : મહાકુંભમાં લોકોના મોતના સમાચાર સાંભળી પ્રેમાનંદ પુરી રડવા લાગ્યા


