રાહુલ ગાંધીને ધક્કામુક્કી મામલે મળશે નોટિસ? જાણો શું કાર્યવાહી કરશે દિલ્હી પોલીસ
- રાહુલ ગાંધીને નોટિસ મળશે કે પછી તેમની પૂછપરછ થશે?
- સંસદ હુમલાની ઘટનામાં દિલ્હી પોલીસ શું કાર્યવાહી કરશે?
- શું કહે છે ભાજપ સાંસદ પ્રતાપ સારંગી?
ગઈકાલે (ગુરુવાર) સંસદમાં ધક્કામુક્કીની ઘટના બની હતી. જેમાં ભાજપ સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂતને ઈજાઓ થવા પામી હતી. આ મામલે ભાજપે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા છે. આ મામલે દિલ્હી પોલીસ સૌ પ્રથમ બંને પીડિત સાંસદોના નિવેદન નોંધશે.
રાહુલ ગાંધી વિરુદ્ધ FIR
સંસદના શિયાળુ સત્ર દરમિયાન સંસદ પરિસરમાં થયેલી ધક્કામુક્કીને લઈને વિવાદ ચાલુ છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. ધક્કામુક્કીમાં ઘાયલ થયેલા ભાજપના બંને સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત હજુ પણ હોસ્પિટલમાં છે. આ મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આવી સ્થિતિમાં એ જાણવું અગત્યનું બની જાય છે કે, આ FIR મામલે હવે પોલીસ શું કરશે?
દિલ્હી પોલીસ શું કાર્યવાહી કરશે?
હવે આ મામલે પોલીસ ઘટનાના વીડિયોની તપાસ કરશે. પોલીસ ઘટનાના તમામ સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ ફૂટેજ તેમજ મીડિયાકર્મીઓના કેમેરામાં રેકોર્ડ થયેલા ફૂટેજ એકત્ર કરશે. આ સાથે પોલીસ પીડિત સાંસદોના નિવેદનો પણ રેકોર્ડ કરશે. સાંસદોના નિવેદનો રેકોર્ડ કર્યા પછી અને સીસીટીવી ફૂટેજ મેળવ્યા પછી, દિલ્હી પોલીસ સ્પીકર પાસેથી સ્થળ પર જઈને બનાવને રિક્રિએટ કરવાની પરવાનગી લેશે. જો પોલીસને મંજુરી મળશે તો પોલીસની ટીમ આ સીન રિક્રિએટ કરશે. આ તમામ પ્રક્રિયા બાદ જો પુરાવા મળશે તો રાહુલ ગાંધીને નોટિસ મોકલવામાં આવશે.
ઘટનાની શરૂઆત કેવી રીતે થઈ?
આવી સ્થિતિમાં એ સમજવું જરૂરી બની જાય છે કે, આ ધક્કામુક્કીની શરૂઆત કેવી રીતે થઈ? વાસ્તવમાં બાબાસાહેબ આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઈને કોંગ્રેસ પાર્ટી સંસદમાં વિરોધ પ્રદર્શન કરી રહી હતી. આ સાથે જ ભાજપે પણ કોંગ્રેસનો વિરોધ કર્યો હતો. દરમિયાન ગુરુવારે સવારે 10.40 કલાકે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરતા કરતા સંસદના મકર ગેટ સુધી આવી રહી હતી. આ સમયે મકર ગેટ ખાતે ભાજપના સાંસદો પણ ઉભા હતા. આ રીતે ભાજપ અને કોંગ્રેસના સાંસદો સામસામે આવી ગયા હતા. બંને તરફથી સૂત્રોચ્ચાર શરૂ થયો હતો. આ ઘટના લગભગ 20 મિનિટ સુધી ચાલી હતી. કોંગ્રેસનો આરોપ છે કે, ભાજપના સાંસદોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને ધક્કામુક્કી કરી. ભાજપે પણ કોંગ્રેસ પર આવો જ આરોપ કર્યો છે.
શું કહ્યું બીજેપી સાંસદ પ્રતાપ સારંગીએ?
ભાજપનો આરોપ છે કે, આ દરમિયાન રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો હતો, ધક્કો વાગતા તે સાંસદ ભાજપના સાંસદ પ્રતાપ સારંગી પર પડ્યા હતા. આ ધક્કામુક્કીમાં બીજેપીના સાંસદ સારંગી અને મુકેશ રાજપૂત ઘાયલ થયા હતા. આ સમગ્ર ઘટના અંગે પ્રતાપ સારંગીએ જણાવ્યું કે, હું સીડી પર ઉભો હતો. રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો અને તે સાંસદ મારા પર પડ્યો, જેના કારણે હું પડી ગયો અને ઘાયલ થયો.
દિલ્હી પોલીસ શું કાર્યવાહી કરશે
પ્રતાપ સારંગીના આરોપો બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, બધું કેમેરામાં કેદ છે. હું સદનમાં જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ભાજપના સાંસદોએ મને ધક્કો માર્યો. ખડગેજીને પણ ધક્કો મારવામાં આવ્યો હતો. ધક્કો મારવાથી અમને કંઈ થવાનુ નથી. ભાજપના સાંસદો અમને સંસદમાં જતા રોકી નહી શકે. વધુમાં તેમણે કહ્યું કે, સંસદમાં જવું એ મારો અધિકાર છે, મને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અમને સંસદમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. ભાજપના સાંસદો ધક્કો મારી રહ્યા હતા.
કોંગ્રેસ સાંસદોનો ભાજપ પર આરોપ
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે, વાસ્તવમાં ભાજપના સાંસદોએ રાહુલ ગાંધીને ઘેર્યા હતા. ભાજપના સાંસદોએ જાણી જોઈને રાહુલ ગાંધીને રોક્યા હતા. તેઓએ તેમનો રસ્તો રોક્યો. અમે આ અંગે સ્પીકરને ફરિયાદ કરી છે. કોંગ્રેસના અન્ય સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે, બધાએ જોયું કે કોંગ્રેસ અને ઈન્ડિયા એલાયન્સના અન્ય નેતાઓ અમિત શાહના રાજીનામાની માંગણી સાથે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ પછી અમે સંસદની અંદર જવાનો પ્રયાસ કર્યો પરંતુ ભાજપે અમારો રસ્તો રોકી દીધો અને અમને સંસદની અંદર જતા રોક્યા. આ દરમિયાન ધક્કામુક્કી થઈ જેમાં અમારા નેતા મલ્લિકાર્જુન ખડગે પણ પડી ગયા હતા.
મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યા આરોપ
નાગાલેન્ડના બીજેપી સાંસદ ફાંગનોન કોન્યાકે કહ્યું કે, હું રાજ્યસભાના અધ્યક્ષને મળી છું. હું મારી સુરક્ષાની માંગ કરું છું. મારું હૃદય અત્યારે ખૂબ જ ભારે છે. આજે હું બહાર શાંતિપૂર્વક વિરોધ કરી રહી હતી. રાહુલ ગાંધી એકદમ નજીક આવીને ઉભા રહી ગયા અને જોર જોરથી બુમો પાડવા લાગ્યા. હું અસ્વસ્થ બની ગઈ. એક મહિલા પર આ રીતે બૂમો પાડવી તેમને શોભતું નથી. હું ખૂબ જ દુઃખી છું. મને સુરક્ષા જોઈએ છે.
આ પણ વાંચો: લોકસભા-રાજ્યસભા અનિશ્ચિત સમય માટે સ્થગિત


