શું રાહુલ ગાંધી દેશના રાજા બનવા માંગે છે? જાહેર સભામાં આપી દીધો જવાબ
- કોંગ્રેસની ઉચ્ચસ્તરીય લીગલ કોન્ક્લેવમાં રાહુલ ગાંધીનું સ્વાગત
- સ્વાગત સમયે રાહુલ ગાંધીના સપોર્ટમાં વકીલોએ લગાવ્યા નારા
- 'અમારો રાજા કેવો હોય...રાહુલ ગાંધી જેવા હોય'ના લાગ્યા નારા
- હું રાજાશાહી વિરોધ કરું છું: રાહુલ ગાંધી
નવી દિલ્હી: શનિવારે દિલ્હીમાં આયોજિત કોંગ્રેસ પાર્ટીના એક ઉચ્ચ સ્તરીય લીગલ કોન્ક્લેવમાં રાહુલ ગાંધીનું જે રીતે સ્વાગત થયું તે સમગ્ર રાજકીય જગતમાં ચર્ચાનો વિષય બન્યું છે. જ્યારે રાહુલ ગાંધી મંચ પર સંબોધન કરવા માટે આવ્યા ત્યારે ઉપસ્થિત વકીલો અને કાર્યકરોએ જોર-શોરથી "દેશનો રાજા કેવો હોય, રાહુલ ગાંધી જેવો હોય" જેવા નારા લગાવવાનું શરૂ કર્યું. આ સાંભળીને રાહુલ ગાંધીએ તુરંત જ તેમને અટકાવ્યા અને નારા બંધ કરાવ્યા. ત્યારબાદ તેમણે સૌને ખૂબ જ શાંતિથી અને ગંભીરતાપૂર્વક સમજાવ્યા.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
રાહુલ ગાંધીએ સમજાવતા કહ્યું કે, “ના, ના... હું રાજા નથી અને રાજા બનવા પણ નથી માગતો. હું તો રાજાની વિચારધારાની વિરુદ્ધ છું, રાજાશાહીની વિભાવનાનો વિરોધ કરું છું.” તેમણે વકીલોને યાદ અપાવતા કહ્યું કે, “તમે બધાએ જ કોંગ્રેસ પાર્ટીનું નિર્માણ કર્યું છે. શરૂઆતમાં, કોંગ્રેસ વકીલોની પાર્ટી હતી. ગાંધી, નહેરુ, પટેલ, આંબેડકર જેવા તમામ મહાન નેતાઓ વકીલ હતા. તમે બધા કોંગ્રેસના સ્તંભ સમાન છો.”
ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો
આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા. તેમણે કહ્યું, “હું તાજેતરમાં જ ચૂંટણી પ્રણાલી વિશે વાત કરી રહ્યો હતો. મને 2014થી જ શંકા હતી કે કંઈક ગરબડ છે. મને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ શંકા હતી કે કોંગ્રેસને રાજસ્થાન, મધ્ય પ્રદેશ કે ગુજરાતમાં એક પણ બેઠક ન મળે તે આશ્ચર્યજનક છે.”
ચૂંટણી પંચની સરખામણી પરમાણુ બોમ્બ સાથે
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, “જ્યારે અમે આંકડા જાહેર કરીશું, ત્યારે તમે જોશો કે ચૂંટણી પ્રણાલી પર કેટલો મોટો આઘાત લાગશે. આ ખરેખર એક પરમાણુ બોમ્બ જેવું છે, કારણ કે સત્ય એ છે કે ભારતમાં ચૂંટણી પ્રણાલી પહેલેથી જ સમાપ્ત થઈ ગઈ છે.”
બહેન પ્રિયંકાના વખાણ
આ સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ તેમની બહેન અને સાંસદ પ્રિયંકા ગાંધીના પણ ખૂબ વખાણ કર્યા. તેમણે કહ્યું કે, “મારી બહેન અને મારામાં એક મોટો ફરક એ છે કે તેનામાં મારા કરતાં ઘણું વધારે ધૈર્ય (ધીરજ) છે.”
આ પણ વાંચો: Arun Jaitley Son : રાહુલ ગાંધીના આરોપ પર અરુણ જેટલીના પુત્રનો જવાબ