હવે તો હદ કરી! ગુજરાતીઓ વિશે રાજ ઠાકરેએ કહ્યું એવું કે થઇ રહ્યો છે જબરદસ્ત વિરોધ
- ગુજરાતીઓની પહેલેથી જ મુંબઇ પર નજર છેઃ રાજ ઠાકરે
- વલ્લભભાઇને અમે લોહપુરૂષ બનાવ્યા હતાઃ રાજ ઠાકરે
- પટેલ મુંબઇને મહારાષ્ટ્રથી અલગ કરવા માંગતા હતાઃ ઠાકરે
- મુંબઇને મહારાષ્ટ્રથી અલગ કરવાનો દાવ કોનો હતોઃ ઠાકરે
- ગુજરાતી વેપારીઓ અને નેતાઓ પર સાધ્યું નિશાન
- રાજ ઠાકરેના નિવેદન પર ગુજરાત ભરમાં આક્રોશ
- રાજ ઠાકરેએ સરદાર પટેલનું અપમાન કરતાં આક્રોશ
Raj Thackeray Controvercial Statement : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા 18 જુલાઈ, 2025ના રોજ મીરા ભાયંદર ખાતે યોજાયેલી એક જાહેર સભામાં કરવામાં આવેલા નિવેદનોએ ગુજરાતભમાં રોષનું વાતાવરણ ઊભું કર્યું છે. રાજ ઠાકરેએ આરોપ લગાવ્યો કે, ગુજરાતી વેપારીઓ અને નેતાઓ દ્વારા મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાના પ્રયાસો થયા હતા. રાજ ઠાકરેએ સરદાર વલ્લભભાઈ પટેલ અને પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઇ પર પણ આ મુદ્દે આરોપ લગાવ્યો હતો.
ગુજરાતીઓ વિશે શું રાજ ઠાકરેના વિચારો
રાજ ઠાકરેએ ખાસ કરીને ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લઈને દાવો કર્યો કે, સરદાર પટેલ મુંબઈને મહારાષ્ટ્રનો ભાગ ન બનાવવા માગતા હતા. આ ઉપરાંત, રાજ ઠાકરેએ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ પર આક્ષેપ કર્યો કે, તેમણે 1955-56માં સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન દરમિયાન મરાઠી આંદોલનકારીઓ પર ગોળીબારનો આદેશ આપીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. રાજ ઠાકરેએ વધુમાં દાવો કર્યો કે, ગુજરાતીઓની નજર ઘણા વર્ષોથી મુંબઈ પર છે અને તેઓ તેને ગુજરાત સાથે જોડવા માગે છે.
ગુજરાતમાં રોષનું વાતાવરણ
રાજ ઠાકરેના આ નિવેદનોએ ગુજરાતમાં, ખાસ કરીને પાટીદાર સમાજમાં, તીવ્ર રોષ જગાવ્યો છે. પાટીદાર સમાજના યુવા નેતા અને ભાજપના આગેવાન અલ્પેશ કથીરિયાએ આ નિવેદનોને ગુજરાતી અસ્મિતા અને રાષ્ટ્રીય નેતાઓનું અપમાન ગણાવ્યું. તેમણે રાજ ઠાકરેને જાહેરમાં માફી માગવાની માગણી કરી છે. કથીરિયાએ ભારપૂર્વક જણાવ્યું કે, રાજ ઠાકરે આવા નિવેદનો દ્વારા મરાઠી માનસ ઊભું કરીને ગુજરાતીઓને નિશાન બનાવી રહ્યા છે, જે દેશની એકતા અને સૌહાર્દ માટે હાનિકારક છે. તેમણે આ નિવેદનોને ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો વચ્ચે વિખવાદ ઊભો કરવાનો પ્રયાસ ગણાવ્યો.
સરદાર પટેલ અને મોરારજી દેસાઈનું અપમાન
અલ્પેશ કથીરિયાએ રાજ ઠાકરેના નિવેદનોને દેશના મહાનુભાવોનું અપમાન ગણાવ્યું. તેમણે જણાવ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના એકીકરણ માટે આખું જીવન અર્પણ કર્યું અને તેમને "લોહપુરુષ" તરીકે દેશભરમાં આદર આપવામાં આવે છે. આવા મહાન નેતાને નિશાન બનાવવું એ રાષ્ટ્રનું અપમાન છે. તેમણે વધુમાં કહ્યું કે, મોરારજી દેસાઈ, જેઓ ભારતના પૂર્વ વડાપ્રધાન રહ્યા અને દેશની આઝાદીની લડતમાં મહત્વનું યોગદાન આપ્યું, તેમના પર આવા આક્ષેપો લગાવવા એ ગુજરાતના ગૌરવને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ છે. કથીરિયાએ આ નિવેદનોને "ઘસાતા" અને અયોગ્ય ગણાવ્યા, જે દેશના નાગરિકો દ્વારા સહન નહીં થાય.
રાજનૈતિક એજન્ડા કે વિભાજનનો પ્રયાસ?
અલ્પેશ કથીરિયાએ રાજ ઠાકરેના નિવેદનોને તેમની રાજનૈતિક પ્રાસંગિકતા ફરીથી મેળવવાનો નિષ્ફળ પ્રયાસ ગણાવ્યો. તેમણે જણાવ્યું કે, રાજ ઠાકરેની પાર્ટી, MNS, નું હાલમાં રાજકીય અસ્તિત્વ નજીવું છે. 2009ની વિધાનસભા ચૂંટણીમાં 13 બેઠકો જીતનાર MNS 2019માં માત્ર 1 બેઠક પર સમેટાઈ ગઈ, અને 2024ની ચૂંટણીમાં તે એક પણ બેઠક જીતી શકી નથી.
આ પણ વાંચો : ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ રાજ ઠાકરેની લીધી મજા! કહ્યું - મે તેમને હિંદી શીખવાડી દીધી


