રાજસ્થાનમાં માલગાડીના 36 ડબ્બા પાટા પરથી ઉતર્યા; DM-DFC કોરિડોર બંધ, જાનહાનિ ટળી
- રાજસ્થાનમાં સતત બીજા દિવસે ટ્રેન દુર્ઘટના (Goods Train Derailment Rajasthan)
- સીકરમાં માલગાડીના 36 ડબ્બા પાટા પરથી ઉતર્યા
- રીંગસ-શ્રીમાધોપુર વચ્ચે રેલવે વ્યવહાર થયો ઠપ્પ
- દુર્ઘટનાના કારણે દિલ્હી-મુંબઈ ફ્રેટ કોરીડોર બંધ
- રેલવે વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી
Goods Train Derailment Rajasthan : સીકર જિલ્લાના શ્રીમાધોપુર વિસ્તારમાં આવેલા ન્યૂ રેલવે સ્ટેશન નજીક એક મોટો રેલ અકસ્માત થયો છે. ફુલેરાથી રેવાડી તરફ જઈ રહેલી એક માલગાડીના 36 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટના એટલી ભયંકર હતી કે માલગાડીના ઘણા ડબ્બાઓ એકબીજા પર ચડી ગયા હતા.
અકસ્માતને કારણે દિલ્હી-મુંબઈ ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર (DM-DFC) પરનો રેલ વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે. અકસ્માતની જાણ થતા જ રેલવે અધિકારીઓ, પોલીસ અને ટેકનિકલ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.
મોટો અકસ્માત, જાનહાનિ ટળી (Goods Train Derailment Rajasthan)
આ રેલ અકસ્માતની સૌથી મોટી રાહતની વાત એ છે કે, તેમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. ક્રેન અને અન્ય ભારે મશીનોની મદદથી પાટા પરથી ઉતરેલા ડબ્બાઓને હટાવવાનું કામ રાતભર ચાલુ રહ્યું હતું. કેટલાક ડબ્બાઓમાં ભરેલા ચોખાનો જથ્થો ખાલી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત પાછળના ચોક્કસ કારણો હજી સુધી જાણી શકાયા નથી, અને તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
#WATCH | Sikar, Rajasthan | Restoration work underway after a goods train derailed near Shri Madhopur railway station. pic.twitter.com/1HfAiamTwn
— ANI (@ANI) October 8, 2025
રીંગસ-શ્રીમાધોપુર કોરિડોર પર અવરજવર ખોરવાઈ (Goods Train Derailment Rajasthan)
આ દુર્ઘટનાના કારણે રીંગસ-શ્રીમાધોપુર કોરિડોર પર ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. આ રૂટ પરની અનેક ટ્રેનોને જુદા-જુદા સ્ટેશનો પર રોકવામાં આવી છે, જ્યારે કેટલીકને વૈકલ્પિક માર્ગો પર વાળવામાં (ડાયવર્ટ કરવામાં) આવી છે. ઉત્તર પશ્ચિમ રેલવેના ડિવિઝનલ રેલ મેનેજર (DRM) રવિ જૈન અને DM-DFCના મેનેજર પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે, નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે અને ટ્રેકને શક્ય તેટલો વહેલી તકે પૂર્વવત્ કરવાની કામગીરી ચાલી રહી છે. ટ્રેક પરથી કાટમાળ હટાવવામાં અને સમારકામમાં હજુ થોડા કલાકો લાગી શકે છે.
એક દિવસ પહેલા પણ અકસ્માત થયો હતો
નોંધનીય છે કે, આ અકસ્માતની એક દિવસ પહેલા જ મંગળવારે બીકાનેરથી જૈસલમેર જઈ રહેલી એક અન્ય માલગાડીના 37 ડબ્બાઓ પણ પાટા પરથી ઉતરી ગયા હતા, જોકે તે ઘટનામાં પણ કોઈને ઈજા પહોંચી ન હતી.રેલવે દ્વારા લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરવા વિનંતી કરવામાં આવી છે. સ્થાનિક વહીવટીતંત્ર પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
આ પણ વાંચો : Himachal Pradesh : બિલાસપુર માર્ગ અકસ્માત પર રાષ્ટ્રપતિ-PM મોદીએ શોક વ્યક્ત કર્યો, આર્થિક સહાયની કરી જાહેરાત


