રાજસ્થાનના ઝાલાવાડમાં સરકારી શાળાની બિલ્ડીંગ ધરાશાયી, 7 બાળકના મોત, 10 અધિકારી સસ્પેન્સ
- રાજસ્થાનના ઝાલાવાડમાં શાળાની બિલ્ડીંગ ધરાશાયી, 7 બાળકોના મોત, 9 હાલત ગંભીર
રાજસ્થાનના ઝાલાવાડમાં સરકારી શાળાની બિલ્ડીંગનો એક ભાગ ધરાશાયી થવાના કારણે 7 બાળકોના મોત થઈ ગયા છે, જ્યારે 9 ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. મનોહરથાના બ્લોકના પિપલોદી સરકારી શાળાની ક્લાસમાં શુક્રવારે સવારે બાળકો બેસ્યા હતા, ત્યારે રૂમની છત તૂટી પડી હતી અને 35 બાળકો દબાઈ ગયા હતા.
ગામના લોકો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને કાટમાળ નીચે દબાયેલા બાળકોને નિકાળીને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. મનોહરથાના વિસ્તાર અનુસાર, પાંચ બાળકોના મોત ઘટના સ્થળે જ થઈ ગયા હતા. જ્યારે બેના મોત સારવાર દરમિયાન થયા હતા. ઘટનાને લઈને દ્રૌપદી મુર્મૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ દુ:ખ વ્યક્ત કર્યું છે.
તો બીજી તરફ શિક્ષણ વિભાગે શાળાના હેડ માસ્ટર સહિત પાંચ શિક્ષકોને સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે ઘટનાની જવાબદારીના પ્રશ્ન પર શિક્ષા મંત્રી મદન દિલાવરે કહ્યું કે, જવાબદાર તો હું પણ છું.
પ્રાથના માટે બધા બાળકો થયા હતા એકઠા
ગામના લોકોએ જણાવ્યું કે, સવારે વરસાદ પડી રહ્યો હતો. પ્રાથનાનો સમય હતો તો બધા બાળકોને શાળાના ગ્રાઉન્ડની જગ્યાએ રૂમમાં બેસાડી દીધા હતા, જેથી તેઓ વરસાદમાં પલળી ન જાય. તેના થોડી જ વાર પછી છત તૂટી પડી હતી.
ગામા લોકોએ જણાવ્યું કે, શાળામાં કુલ સાત ક્લાસરૂમ છે. ઘટના દરમિયાન શાળાના ક્લાસરૂમમાં 35 બાળકો હતા. શાળામાં બે શિક્ષક પણ હાજર હતા, પરંતુ છત તૂટી પડી તે સમયે તેઓ બહાર હતા, તેથી તેઓ સુરક્ષિત છે.
સ્થાનિકો અને વિદ્યાર્થીઓનું કહેવું છે કે શાળાની દિવાલો અને છત પહેલાથી જ જર્જરિત હાલતમાં હતી. થોડા સમય પહેલા પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું, પરંતુ સ્થિતિમાં કોઈ સુધારો થયો નહતો. આ શાળાની ઇમારત 78 વર્ષ જૂની છે.
તે જ સમયે એક વિદ્યાર્થીની વર્ષાએ જણાવ્યું કે છત પરથી કાંકરા પડી રહ્યા છે. જ્યારે બાળકોએ શિક્ષકોને કહ્યું, ત્યારે તેમણે ધમકાવીને બેસાડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ છત તૂટી પડી અને બાળકો તેની નીચે દટાઈ ગયા. અકસ્માત સમયે શિક્ષકો નજીકમાં નાસ્તો કરી રહ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આ ખૂબ જ પીડાદાયક છે.
આ ઘટના બાદ ગામમાં શોકનું વાતાવરણ છે અને લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. પરિવારના સભ્યો અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે શાળાની હાલત અંગે અનેક વખત ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ ધ્યાન ઉપર લેવામાં આવી નહતી. અકસ્માત બાદ જિલ્લા વહીવટીતંત્રે કાર્યવાહી કરી હતી અને પાંચ શિક્ષકો અને શિક્ષણ વિભાગના પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા.
આ ઉપરાંત, જિલ્લા કલેક્ટર અજય સિંહ રાઠોડે જણાવ્યું હતું કે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો- PM મોદીની માલદીવ યાત્રા: ભારતે આપી ₹4,850 કરોડની લોન અને 72 સૈન્ય વાહનો


