UP: સીમા હૈદર પર ઘરમાં ઘૂસીને હુમલો, ગુજરાતના સુરેન્દ્રનગરના યુવકની અટકાયત
- એક યુવકે સીમા હૈદર પર ઘરમાં ઘૂસીને હુમલો કર્યો
- આરોપી ગુજરાતના સુરેન્દ્રનગરનો રહેવાસી
- પોલીસે આરોપીની અટકાયત કરી
Attack on Seema Haider: ઉત્તરપ્રદેશના ગૌતમબુદ્ધ નગરના રાબુપુરા ગામમાં પાકિસ્તાની મૂળની સીમા હૈદર પર શનિવારે સાંજે એક યુવકે ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. આરોપી ગુજરાતના સુરેન્દ્રનગરનો રહેવાસી છે. તે ગુજરાતથી સીમા હૈદરના ઘરે પહોંચ્યો હતો. આરોપી તેજસ જાની, પર સીમાનું ગળું દબાવવાનો અને તેને લાફાવાળી કરવાનો આરોપ છે. પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.
શું છે ઘટના ?
ઘટના શનિવારે સાંજે લગભગ 7 વાગ્યે બની, જ્યારે તેજસ સીમાના ઘરે પહોંચ્યો. પોલીસના જણાવ્યા અનુસાર, તેજસ ગુજરાતથી ટ્રેનમાં દિલ્હી આવ્યો અને ત્યાંથી બસ દ્વારા રાબુપુરા પહોંચ્યો હતો. તેણે સીમાના ઘરના મુખ્ય દરવાજા પર જોરથી લાતો મારી, અને જ્યારે સીમાએ દરવાજો ખોલ્યો, ત્યારે તેજસે તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો અને તેને લાફા માર્યા. સીમાએ બૂમો પાડતાં આસપાસના લોકો એકઠા થયા અને તેજસને પકડી લીધો.
તેજસની માનસિક સ્થિતિ બરાબર નથી
રાબુપુરા કોતવાલીના ઇન્ચાર્જ સુજીત ઉપાધ્યાયે જણાવ્યું કે, તેજસની માનસિક સ્થિતિ બરાબર ન હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. તેજસે પૂછપરછ દરમિયાન દાવો કર્યો કે, સીમાએ તેના પર "કાળું જાદુ" કર્યું હતું. તેના ફોનમાં સીમાના સ્ક્રીનશોટ પણ મળી આવ્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આરોપીનો ફોન કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : સંરક્ષણ ક્ષેત્રે ભારતની મોટી સફળતા, DRDOએ કર્યુ સ્ટ્રેટોસ્ફેરિક એરશીપનું સફળ પરીક્ષણ
સીમા સનાતની મહિલા છે
ઉલ્લેખનીય છે કે સીમા હૈદર, જે મૂળ પાકિસ્તાનના સિંધ પ્રાંતના જેકબાબાદની રહેવાસી છે, તે 2023માં પોતાના ચાર બાળકો સાથે કરાચીથી નેપાળ થઈને ભારત આવી હતી. તેણે દાવો કર્યો હતો કે, PUBG ગેમ રમતી વખતે તેનો નોઈડાના સચિન મીના સાથે પ્રેમ સંબંધ બંધાયો, અને તેણે નેપાળમાં સચિન સાથે લગ્ન કર્યા. સીમાના વકીલનો દાવો છે કે, તેણે હિન્દુ ધર્મ અપનાવ્યો છે અને તે હવે સનાતની મહિલા છે.
હાલમાં, પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કર્યા છે, જેના કારણે સીમાને ડિપોર્ટેશનનો ભય છે. તેમના વકીલ એપી સિંહે જણાવ્યું કે, સીમાનો કેસ ATS પાસે છે અને તમામ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : સેનાને દારૂગોળો પૂરો પાડતી ઓર્ડનન્સ ફેક્ટરી ફેક્ટરીના કર્મચારીઓની રજાઓ કરાઈ રદ, તાત્કાલિક કામ પર પાછા ફરવાનો આદેશ


