SIR Protest : પટનાથી દિલ્હી સુધી વિરોધ પ્રદર્શન, દેશવ્યાપી આંદોલનની ચીમકી અપાઈ
- મતદાર યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન (SIR) નો વિવાદ વકર્યો
- દિલ્હીની સંસદથી બિહાર વિધાનસભામાં હોબાળો થઈ રહ્યો છે
- શું SIR પર ઉઠાવવામાં આવી રહેલા પાયાવિહોણા પ્રશ્નોથી ડરવું જોઈએ ? - CEC નો વેધક સવાલ
SIR Protest : બિહારમાં ચાલી રહેલા મતદાર યાદીના વિશેષ સઘન સુધારા (Special Intensive Revision-SIR) સંદર્ભે દિલ્હીની સંસદથી બિહાર વિધાનસભામાં હોબાળો થઈ રહ્યો છે. બિહાર વિધાનસભાના ચોમાસા સત્રમાં SIR પર વિપક્ષનો વિરોધ ચાલુ છે. RJD, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના નેતાઓએ કાળા કપડાં પહેરીને વિરોધ કર્યો અને ભાજપ પર ચૂંટણી પંચ દ્વારા ઈમિગ્રન્ટ્સને મતથી વંચિત રાખવાનો આરોપ લગાવ્યો. RJD નેતા અખ્તરુલ ઇમાન શાહીનએ કહ્યું કે, SIR બંધ ન થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. કોંગ્રેસ પ્રમુખ રાજેશ રામે તો દેશવ્યાપી આંદોલનની ચેતવણી આપી.
બિહાર વિધાનસભામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન
બિહાર વિધાનસભાના ચોમાસા સત્રમાં, SIRના મુદ્દા પર શાસક અને વિપક્ષો વચ્ચે આરોપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલુ છે. મતદાર યાદીના સંપૂર્ણ નિરીક્ષણ સામે વિપક્ષનો વિરોધ પણ ચાલુ છે. મંગળવાર અને બુધવાર બાદ વિપક્ષી નેતાઓએ ગુરુવારે પણ કાળા કપડાં પહેરીને વિધાનસભા પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યુ. વિપક્ષના વિરોધને કારણે આજે પણ વિધાનસભાના મુખ્ય પ્રવેશદ્વારથી સભ્યોનો પ્રવેશ અવરોધાયો હતો. બીજી તરફ, શાસક પક્ષના ધારાસભ્ય અને મંત્રી શ્રવણ કુમારે કહ્યું કે વિપક્ષને દેશની લોકશાહી વ્યવસ્થા પર વિશ્વાસ નથી. આ લોકો જનતામાં ભ્રમ ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યા છે. વિપક્ષી પક્ષોને કઠેડામાં મૂકતા શ્રવણે કહ્યું કે વિપક્ષ ફક્ત હોબાળો કેવી રીતે કરવો તે જાણે છે.
સંસદમાં પણ વિરોધ પ્રદર્શન
વિપક્ષી સાંસદોએ માત્ર ગૃહની અંદર જ નહિ પરંતુ બહાર પરિસરમાં પણ હંગામો મચાવ્યો હતો. ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં વિપક્ષી પક્ષોના સભ્યોએ સંસદના મકર દ્વારની બહાર બિહારમાં ચાલી રહેલા મતદાર યાદીના વિશેષ સઘન સુધારા (Special Intensive Revision-SIR) મુદ્દા પર ઉગ્ર પ્રદર્શન કર્યુ. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ શાસક પક્ષ સાથે મળીને આ કામ કરી રહ્યું છે, જે ગેરબંધારણીય છે. સંસદના મકર દ્વાર પર વિપક્ષી સાંસદો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં સોનિયા ગાંધી (Sonia Gandhi) સહિત અનેક વિપક્ષી નેતાઓ જોડાયા હતા.
આ પણ વાંચોઃ Mumbai Blast Case: મુંબઈ બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
શું કહે છે મુખ્ય ચૂંટણી કમિશનર ?
બિહારમાં મતદાર યાદીની સમીક્ષા પર ચાલી રહેલા વિવાદ પર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar) એ સ્પષ્ટ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, શું ચૂંટણી પંચને સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન કેમ્પેઈન (SIR) પર ઉઠાવવામાં આવી રહેલા પાયાવિહોણા પ્રશ્નોથી ડરવું જોઈએ ? CEC જ્ઞાનેશ કુમારે વધુમાં કહ્યું કે, ભારતનું બંધારણ જ ભારતની લોકશાહીની માતા છે. જ્ઞાનેશ કુમારે કહ્યું કે, શું પંચે આવા લોકોના નામ મતદાર યાદીમાં રહેવા દેવા જોઈએ જેઓ મૃત્યુ પામ્યા છે અથવા કાયમ માટે અન્ય રાજ્યોમાં સ્થળાંતરિત થઈ ગયા છે. શું આમ કરીને ચૂંટણી પંચે 2 જગ્યાએ મતદાર ઓળખપત્ર બનાવનારા મતદારો, નકલી મતદારો કે વિદેશી મતદારોના નામે નકલી મત આપવાનો માર્ગ મોકળો કરવો જોઈએ ?
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં શરૂ થયેલો હિન્દી-મરાઠી વિવાદ હવે સંસદ સુધી પહોંચ્યો