સોનિયા ગાંધીએ શિક્ષણ નીતિ પર સરકારને ઘેરી, કહ્યું - 89 હજાર શાળાઓ થઇ બંધ અને..!
- દેશમાં શિક્ષણ વ્યવસ્થા મુદ્દે સોનિયા ગાંધીના સવાલ
- કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિની કરી આલોચના
- એક અંગ્રેજી અખબારમાં સોનિયા ગાંધીએ લખ્યો લેખ
- રાજ્ય સરકારોને નીતિગત નિર્ણયથી દૂર રખાય છેઃ સોનિયા
- 11 વર્ષમાં સરકારે 89,441 સ્કૂલો બંધ કરી દીધીઃ સોનિયા
- BJP-RSS પૃષ્ઠભૂમિવાળા લોકોની મોટાપાયે ભરતીઃ સોનિયા
- યુનિવર્સિટીઓમાં કુલપતિઓની એકતરફી નિયુક્તિઃ સોનિયા
- શિક્ષણ વ્યવસ્થાની હત્યા બંધ થવી જોઈએઃ સોનિયા ગાંધી
- "2019થી કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડની બેઠક નહીં"
Sonia Gandhi : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) પર તીખા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, કેન્દ્ર સરકાર શિક્ષણના સંઘીય માળખાને નષ્ટ કરી રહી છે અને દેશની શિક્ષણ વ્યવસ્થાને કેન્દ્રીય, વ્યાપારી અને સાંપ્રદાયિક બનાવવાનો પ્રયાસ કરી રહી છે. અંગ્રેજીના અખબારમાં પ્રકાશિત એક લેખમાં સોનિયા ગાંધીએ આ નીતિને ભારતના બાળકો અને યુવાનોના ભવિષ્ય માટે હાનિકારક ગણાવી છે. તેમનું કહેવું છે કે, આ નીતિ શિક્ષણને જાહેર સેવાના સ્વરૂપથી દૂર લઈ જઈ રહી છે અને તેની ગુણવત્તા સાથે સમજૂતી કરી રહી છે.
‘3C’ એજન્ડા અને શિક્ષણ પર હુમલો
સોનિયા ગાંધીએ મોદી સરકાર પર ‘3C’ એજન્ડા – કેન્દ્રીકરણ (Centralization), વ્યાપારીકરણ (Commercialization) અને સાંપ્રદાયિકરણ (Communalization) – દ્વારા શિક્ષણ પ્રણાલીને નુકસાન પહોંચાડવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 11 વર્ષથી સરકારનું કેન્દ્રીકરણનું વલણ શિક્ષણ ક્ષેત્રે સૌથી વધુ નુકસાનકારક સાબિત થયું છે. તેમના મતે, રાજ્ય સરકારોને નીતિગત નિર્ણયોમાંથી બાકાત રાખવામાં આવી રહી છે, જેનાથી સંઘીય શિક્ષણ માળખું નબળું પડી રહ્યું છે. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે NEP 2020 રાજ્યો સાથે પરામર્શ કર્યા વિના લાગુ કરવામાં આવી, જે લોકશાહી પ્રક્રિયાની અવગણના દર્શાવે છે.
89,000 શાળાઓ બંધ અને BJP-RSS ની ભરતી
આ લેખમાં સોનિયા ગાંધીએ ચોંકાવનારો દાવો કર્યો છે કે, 2014થી અત્યાર સુધીમાં 89,441 શાળાઓ બંધ થઈ ગઈ છે. તેમણે આ સાથે જ ભાજપ અને RSS સાથે જોડાયેલા લોકોની શિક્ષણ સંસ્થાઓમાં મોટા પાયે ભરતીનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે આ પગલાંથી શિક્ષણ પ્રણાલીની નિષ્પક્ષતા અને ગુણવત્તા પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. આ ઉપરાંત, યુનિવર્સિટીઓના કુલપતિઓની એકપક્ષીય નિમણૂક અને પ્રોફેસરોની પસંદગીમાં રાજકીય હસ્તક્ષેપની પણ તેમણે ટીકા કરી છે.
શિક્ષણનું વ્યાપારીકરણ અને ફીમાં વધારો
સોનિયા ગાંધીએ શિક્ષણના વધતા વ્યાપારીકરણ પર પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે, યુનિવર્સિટીઓને લોન પર નિર્ભર બનાવવામાં આવી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓની ફીમાં સતત વધારો થઈ રહ્યો છે. આનાથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું મુશ્કેલ બની રહ્યું છે. તેમણે સર્વ શિક્ષા નિધિ બહાર ન પાડવાનો મુદ્દો પણ ઉઠાવ્યો, જેનાથી શાળાઓની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.
પાઠ્યપુસ્તકોમાં ફેરફાર અને પેપર લીકની સમસ્યા
તેમણે પાઠ્યપુસ્તકો અને અભ્યાસક્રમમાં થયેલા ફેરફારો પર પણ સવાલ ઉઠાવ્યા છે. સોનિયા ગાંધીનું કહેવું છે કે બંધારણની પ્રસ્તાવના દૂર કરવી અને મહાત્મા ગાંધીની હત્યા જેવા વિષયોને વિકૃત રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, પેપર લીક થવાની ઘટનાઓને સામાન્ય બની ગયેલી ગણાવી અને NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) તથા NAAC (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ)ની નિષ્ફળતા પર પણ પ્રહાર કર્યા છે.
કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડની અવગણના
સોનિયા ગાંધીએ એ પણ નોંધ્યું કે કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડની બેઠક 2019 પછી યોજાઈ નથી. આ બોર્ડમાં કેન્દ્ર અને રાજ્યોના શિક્ષણ મંત્રીઓ સામેલ હોય છે, પરંતુ તેની છેલ્લી બેઠક સપ્ટેમ્બર 2019માં થઈ હતી. તેમણે આને લોકશાહી પરામર્શની અવગણના ગણાવી અને કહ્યું કે મોદી સરકાર રાજ્યોની સત્તાઓનું ઉલ્લંઘન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધીએ તેમના લેખમાં ભારપૂર્વક જણાવ્યું કે ભાજપ-આરએસએસ દેશની શિક્ષણ વ્યવસ્થાને બરબાદ કરી રહ્યા છે અને લોકોને શિક્ષણથી વંચિત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે માંગ કરી કે શિક્ષણ પ્રણાલીની આ ‘હત્યા’ હવે બંધ થવી જોઈએ, જેથી ભારતના યુવાનોને ગુણવત્તાયુક્ત અને સમાન શિક્ષણ મળી શકે.
આ પણ વાંચો : કુણાલ કામરાના વિવાદ પર Prashant Kishor એ કહ્યું - તે સાફ હ્રદયનો અને દેશ પ્રેમી...