Andhra Pradesh Stampede : વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ! 9 ભક્તોના મોત, અનેક ઘાયલ; મુખ્યમંત્રીએ વ્યક્ત કરી સંવેદના
- Andhra Pradesh Stampede
- આંધ્રપ્રદેશના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ!
- ઓછામાં ઓછા 9 લોકોના મોત
- મૃત્યુઆંક વધી શકે તેવી સંભાવના
Andhra Pradesh Stampede : આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના કાસીબુગ્ગામાં આવેલી પ્રસિદ્ધ વેંકટેશ્વર સ્વામી મંદિરમાં એકાદશીના પવિત્ર દિવસે ભક્તિોની ભીડ વચ્ચે અચાનક ભાગદોડ મચી ગઈ. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે એક ડઝનથી વધુ ભક્તો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે મૃત્યુઆંક વધવાની સંભાવના છે, કારણ કે ઘણા ઘાયલ હાલ ગંભીર હાલતમાં છે.
ઘટનાની વિગત
શનિવારે એકાદશીના પર્વે મંદિરમાં હજારો ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે અચાનક ભીડ વધતાં ધકકામુક્કી શરૂ થઈ ગઈ હતી. પળવારમાં જ ભાગદોડ (Stampede) જેવી પરિસ્થિતિ સર્જાઈ અને લોકો જમીન પર પડી ગયા. મહિલાઓ અને બાળકો સહિત અનેક ભક્તો દબાઈ ગયા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે કેટલાક ભક્તો બેભાન પડી ગયા છે, જ્યારે બીજા લોકો તેમને CPR આપી જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મંદિર પરિસરમાં લોકોના પૂજા સામાન અને ચપ્પલ ફેલાયેલી હાલતમાં જોવા મળ્યા હતા — જે ઘટનાની ભયાનકતા દર્શાવે છે.
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં મોટી દુર્ઘટના
વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ થઇ
ભાગદોડ થતા 9 શ્રદ્ધાળુઓના થયા મોત
અનેક શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થયા હોવાના પણ સમાચાર
કાર્તિક માસને લઇ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા મંદિરે#AndhraPradesh #Srikakulam #TempleTragedy… pic.twitter.com/JUiQK1Hqin— Gujarat First (@GujaratFirst) November 1, 2025
સરકારી તંત્રની કાર્યવાહી (Stampede)
ઘટનાની જાણ થતાં જ રાજ્યના કૃષિ મંત્રી તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રે તાત્કાલિક મંદિરમાંથી ભીડ ખસેડી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ દુર્ઘટના પર ગંભીર દુઃખ વ્યક્ત કરતાં ટ્વીટમાં જણાવ્યું કે, “ભક્તોના મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે. હું મૃતકોના પરિવારો પ્રત્યે હાર્દિક સંવેદના વ્યક્ત કરું છું. અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક અને યોગ્ય તબીબી સારવાર આપવા આદેશ આપવામાં આવ્યો છે.” મુખ્યમંત્રીએ સાથે જ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે અને કહ્યું છે કે આ પ્રકારની દુર્ઘટના ફરી ન બને તે માટે તંત્ર ભીડ નિયંત્રણના પગલાં લેશે.
ભીડ અને સુરક્ષાનો પ્રશ્ન
આંધ્રપ્રદેશ અને દક્ષિણ ભારતના અનેક મંદિરોમાં વિશેષ તહેવારો અને ઉપવાસના દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચે છે. કાસીબુગ્ગા મંદિર પણ એ જ રીતે એકાદશીના દિવસે હજારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. પરંતુ ભીડ વ્યવસ્થાપનમાં ખામીઓ, પૂરતા પોલીસ બંદોબસ્તનો અભાવ અને પ્રવેશ-નિયંત્રણની અછત જેવી બાબતો ઘણીવાર આવા દુર્ઘટનાઓને જન્મ આપે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મંદિરની અંદર અને બહાર પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે ભીડ નિયંત્રણમાં રાખવામાં મુશ્કેલી થઈ હતી.
આ પણ વાંચો : ઉત્તરપ્રદેશના બહરાઇચમાં નાવ પલટી જતા 22 લોકો ડૂબ્યા, 4 લોકોને બચાવાયા


