મહિલાઓના અધિકારોને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચૂકાદો; કહ્યું- લિંગ આધારિત ભેદભાવ ગેરબંધારણીય
- મહિલાઓના અધિકારોને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચૂકાદો; કહ્યું- લિંગ આધારિત ભેદભાવ ગેરબંધારણીય
- આદિવાસી મહિલાઓના વારસા અધિકારો પર સુપ્રીમ કોર્ટ નો ઐતિહાસિક નિર્ણય
સુપ્રીમ કોર્ટે મહિલા અધિકારોને લઈને એક મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં જણાવાયું છે કે આદિવાસી સમુદાયોમાં પણ મહિલાઓને પુરુષોની જેમ વારસામાં સમાન હક છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આદિવાસી મહિલાઓને વારસામાંથી વંચિત રાખવું એ ગેરવાજબી અને ભેદભાવપૂર્ણ છે, જે બંધારણના સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. જોકે, હિંદુ વારસા અધિનિયમ (Hindu Succession Act) અનુસૂચિત જનજાતિઓ (Scheduled Tribes) પર લાગુ થતો નથી, તેમ છતાં આનો અર્થ એ નથી કે આદિવાસી મહિલાઓને આપોઆપ વારસામાંથી વંચિત રાખવામાં આવે. કોર્ટે એમ પણ જણાવ્યું કે, આવી કોઈ રૂઢિ અથવા પ્રથા હોય કે જે મહિલાઓના વારસા અધિકારોને પ્રતિબંધિત કરતી હોય તો તેની તપાસ થવી જોઈએ.
બંધારણના અનુચ્છેદ 15નું ઉલ્લંઘન
જસ્ટિસ સંજય કરોલે ચુકાદો લખતાં જણાવ્યું કે આ કેસમાં પક્ષકારો એવી કોઈ પ્રથાનું અસ્તિત્વ સાબિત કરી શક્યા નથી જે આદિવાસી મહિલાઓને વારસામાંથી વંચિત રાખતી હોય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું, “જો આવી કોઈ પ્રથા અસ્તિત્વમાં હોય તો પણ તેને સમય સાથે વિકસિત થવું જોઈએ. રૂઢિઓ અને પ્રથાઓ કાયદાની જેમ સમયના બંધનમાં બંધાયેલી રહી શકે નહીં. કોઈને પણ રૂઢિઓનો આશરો લઈને અથવા તેની આડમાં છુપાઈને બીજાને તેમના અધિકારોથી વંચિત રાખવાની છૂટ આપી શકાય નહીં.” લિંગના આધારે વારસાના અધિકારોથી વંચિત રાખવું એ બંધારણના અનુચ્છેદ 15નું ઉલ્લંઘન છે, જે કાયદા સમક્ષ સમાનતાની ખાતરી આપે છે. ફક્ત પુરુષ વારસદારોને જ વારસો આપવાની મંજૂરી આપવાનું કોઈ તાર્કિક ઔચિત્ય નથી.
લિંગ આધારિત ભેદભાવ ગેરબંધારણીય
જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી હતી, જેમાં અપીલકર્તા ધૈયા નામની અનુસૂચિત જનજાતિની મહિલાના કાનૂની વારસદાર તરીકે તેમના નાનાની સંપત્તિમાં હિસ્સો માંગી રહ્યા હતા. પરિવારના પુરુષ વારસદારોએ આ દાવાનો વિરોધ કરતાં કહ્યું હતું કે આદિવાસી રૂઢિઓ અનુસાર મહિલાઓને વારસામાંથી બાકાત રાખવામાં આવે છે. જોકે, કોર્ટે આ દલીલોને નકારી કાઢી અને જણાવ્યું કે, કોઈ પણ પ્રતિબંધાત્મક પ્રથાના અભાવે સમાનતા જાળવવી જોઈએ. લિંગના આધારે આદિવાસી મહિલા કે તેના વારસદારોને સંપત્તિમાં હિસ્સો આપવાનો ઇનકાર કરવો ગેરબંધારણીય છે.
કોર્ટે એમ પણ નોંધ્યું કે નીચલી અદાલતે ખોટું કર્યું જ્યારે તેણે અપીલકર્તાઓને એવી પ્રથા સાબિત કરવાની જવાબદારી આપી કે જે મહિલાઓને વારસો આપવાની મંજૂરી આપે જ્યારે વિરોધી પક્ષે એવી પ્રથા સાબિત કરવી જોઈએ કે જે વારસા પર પ્રતિબંધ મૂકે છે.
સમાનતાના અધિકારનું ઉલ્લંઘન
ચુકાદામાં જણાવાયું કે, ધૈયા (આદિવાસી મહિલા)ને તેના પિતાની સંપત્તિમાં હિસ્સો આપવાનો ઇનકાર કરવો જ્યારે આવી પ્રથા ‘મૌન’ હોય, તે તેના ભાઈઓ કે તેના કાનૂની વારસદારોના પિતરાઈ ભાઈ સાથે સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે. કોર્ટે નોંધ્યું કે, ફક્ત પુરુષોને જ પૂર્વજોની સંપત્તિમાં વારસો આપવો અને મહિલાઓને વંચિત રાખવું એ કોઈ તર્કસંગત વર્ગીકરણ કે યોગ્ય હેતુ સાથે સંબંધિત નથી, ખાસ કરીને જ્યારે કાયદા દ્વારા આવો કોઈ પ્રતિબંધ દર્શાવી શકાય નહીં.
બંધારણના અનુચ્છેદ 15(1)માં જણાવાયું છે કે રાજ્ય ધર્મ, મૂળવંશ, જાતિ, લિંગ કે જન્મસ્થળના આધારે કોઈ વ્યક્તિ સાથે ભેદભાવ નહીં કરે. આ બંધારણના સામૂહિક લોકાચારને દર્શાવે છે, જે મહિલાઓ સાથે કોઈ ભેદભાવ ન થાય તે સુનિશ્ચિત કરે છે. કોર્ટે અપીલ સ્વીકારી અને ધૈયાના કાનૂની વારસદારોને સંપત્તિમાં સમાન હિસ્સો આપવાનો આદેશ આપ્યો છે.
ન્યાય, સમાનતા અને સદ્વિવેકનો ઉપયોગ
સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, જો કોઈ ચોક્કસ આદિવાસી રૂઢિ કે સંહિતાબદ્ધ કાયદો મહિલાઓના અધિકારોને પ્રતિબંધિત ન કરતો હોય તો અદાલતોએ ‘ન્યાય, સમાનતા અને સારા વિવેક’નો ઉપયોગ કરવો જોઈએ. આવું ન કરવું એ મહિલાઓ (અથવા તેમના વારસદારો)ને સંપત્તિમાં હક આપવાનો ઇનકાર કરે છે, જે લિંગ આધારિત ભેદભાવ અને વિભાજનને પ્રોત્સાહન આપે છે, જેને કાયદાએ દૂર કરવું જોઈએ.
આ પણ વાંચો- શું છે નોન વેજ દૂધ? જેનું વેચાણ ભારતમાં કરવા માંગે છે ડોનાલ્ડ ટ્રમ્પ


