તેજ પ્રતાપ યાદવની મોટી જાહેરાત, મહુઆ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે
- તેજ પ્રતાપ યાદવનો મહુઆ મિશન: એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત, RJD માટે નવો પડકાર
- તેજ પ્રતાપ યાદવની મોટી જાહેરાત, મહુઆ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે
બિહારના ભૂતપૂર્વ મંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી છે. તેજ પ્રતાપે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ વખતે મહુઆ વિધાનસભા સીટથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.
‘ટીમ તેજ પ્રતાપ યાદવ’ બનાવી
લાંબા સમયથી રાજકારણમાં સક્રિય રહેલા તેજ પ્રતાપે જણાવ્યું, ‘અમે ‘ટીમ તેજ પ્રતાપ યાદવ’ બનાવી છે. આ કોઈ રાજનીતિ નથી, પરંતુ એક ખુલ્લો મંચ છે, જ્યાં ગમે તે વ્યક્તિ જોડાવાનો અને કામ કરવાની તક મળશે.
તેજ પ્રતાપે આગળ કહ્યું કે ‘ટીમ તેજ પ્રતાપ’માં સતત લોકો જોડાઈ રહ્યા છે, અને તેમણે સ્પષ્ટ કર્યું કે ‘અમારો દરવાજો બધા માટે ખુલ્લો છે.’ જોકે, તેમણે એ પણ ઉમેર્યું કે હાલમાં પાર્ટી લોન્ચ કરવાની કોઈ યોજના નથી.
તેજ પ્રતાપનો આ એલાન એવા સમયે આવ્યો છે જ્યારે બિહારના રાજકારણમાં ફેરફારના સંકેત મળી રહ્યા છે. તેમણે એ પણ જણાવ્યું કે તેમનો ઉદ્દેશ સમાજના બધા વર્ગોને પ્રતિનિધિત્વ આપવાનો અને યુવાનોને એક મંચ આપવાનો છે.
રાજકીય વિશ્લેષકોના મતે, તેજ પ્રતાપનું આ પગલું માત્ર RJD માટે જ નહીં, પણ મહુઆ સીટ પર એક રસપ્રદ મુકાબલાની પણ ભૂમિકા તૈયાર કરી રહ્યું છે.
અગાઉ પણ મહુઆથી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી
નોંધનીય છે કે તેજ પ્રતાપ યાદવે અગાઉ પણ કહ્યું હતું કે જો RJD તેમને ટિકિટ નહીં આપે, તો તેઓ મહુઆથી નિર્દલીય ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. તેજ પ્રતાપે સ્પષ્ટપણે કહ્યું હતું, અમે મહુઆ માટે કામ કર્યું છે, તો ચૂંટણી પણ મહૂઆથી જ લડીશ.
તેજ પ્રતાપે મહુઆ પ્રત્યેના પોતાના ભાવનાત્મક જોડાણનો ઉલ્લેખ કરતાં કહ્યું, મહુઆને અમે જિલ્લો બનાવીશું, આ અમારી કર્મ ભૂમિ છે. ત્યાંની જનતા કહી રહી છે કે, આરજેડી અન્ય કોઈને ટિકિટ આપશે, તો અમે તેને હરાવી દઈશું.
ચૂંટણી ક્યારે છે?
બિહાર વિધાનસભા ચૂંટણી ઓક્ટોબરથી નવેમ્બર 2025ની વચ્ચે યોજાવાની ધારણા છે, કારણ કે 243 સભ્યોની બિહાર વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. ચૂંટણી પંચે 25 જૂન 2025થી મતદાર યાદીમાં સુધારા માટે “Special Intensive Revision” (SIR) પ્રક્રિયા શરૂ કરી છે અને તેમાં ઘરે-ઘરે જઈને નામોની ચકાસણી કરવામાં આવી રહી છે.
1 ઓગસ્ટ 2025ના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે, અને 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં અંતિમ યાદી પ્રકાશિત થઈ જશે. ચૂંટણી સંભવતઃ બે કે ત્રણ તબક્કામાં થશે, જેમાં દિવાળી (20 ઓક્ટોબર) અને છઠ પૂજા (28 ઓક્ટોબર) જેવા તહેવારોનું ધ્યાન રાખવામાં આવશે.
તેજ પ્રતાપનો આ નિર્ણય RJD માટે મોટો પડકાર બની શકે છે, કારણ કે મહુઆ સીટ પર યાદવ અને મુસ્લિમ સમુદાયની આશરે 35% વસ્તી છે, જે RJDનો મુખ્ય વોટબેંક ગણાય છે. આ ઉપરાંત, અનુસૂચિત જાતિની 21% વસ્તી, ખાસ કરીને પાસવાન અને રવિદાસ સમુદાય, પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જો તેજ પ્રતાપ અપક્ષ તરીકે લડે છે તો RJDના વોટબેંકમાં વિભાજન થઈ શકે છે, જે પાર્ટી માટે નુકસાનકારક હોઈ શકે.
અગાઉ, તેજ પ્રતાપે 2015માં મહુઆ સીટથી ચૂંટણી જીતી હતી, જ્યારે 2020માં તેઓ હસનપુર સીટથી ચૂંટાયા હતા. જોકે, 2020માં તેમણે મહુઆથી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ પાર્ટીએ તેમને હસનપુરથી ઉતાર્યા હતા. આ વખતે RJDથી નિષ્કાસિત થયા બાદ તેમણે મહુઆ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેના માટે તેમણે મહુઆ મેડિકલ કૉલેજનું નિર્માણ અને ભવિષ્યમાં એન્જિનિયરિંગ કૉલેજ બનાવવાના વાયદા કર્યા છે.
જોકે, જૂન 2025માં તેજ પ્રતાપે એક ઇન્ટરવ્યૂમાં મહુઆથી લડવાની અટકળોને નકારી હતી અને હસનપુર પર જ ધ્યાન આપવાનું જણાવ્યું હતું. પરંતુ તાજેતરના દૌરા અને નિવેદનો દર્શાવે છે કે તેમણે મહુઆ પર પોતાનો દાવો મજબૂત કર્યો છે, જે RJDના વર્તમાન ધારાસભ્ય મુકેશ રોશન માટે પણ મુશ્કેલી ઊભી કરી શકે છે.
આ પણ વાંચો- માલદીવના 60મા સ્વતંત્રતા દિવસ સમારોહમાં ભાગ લેવો મારા માટે સન્માનની વાત: પીએમ મોદી


