Martyr's Day: 23 માર્ચ 1931 ની એ કાળી રાત, જ્યારે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી, જાણો શું બન્યુ હતુ
- આજનો દિવસ ભારતીય ઈતિહાસ માટે કાળો દિવસ માનવામાં આવે છે
- ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી
- આ ત્રણેય ક્રાતિકારીઓના બલિદાનને શ્રદ્ધાંજલિ
Martyr's Day: ભારતમાં દર વર્ષે 23 માર્ચે ‘શહીદ દિવસ’ મનાવવામાં આવે છે. 23 માર્ચ, 1931ની મધ્યરાત્રિએ બ્રિટિશ હકૂમતે ભારતના ત્રણ ક્રાતિકારી વીર સપૂત- ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી હતી. શહીદ દિવસ તરીકે ઓળખાતા આ દિવસને ભારતીય ઈતિહાસ માટે કાળો દિવસ માનવામાં આવે છે, પરંતુ આઝાદીની લડાઈ માટે પોતાનું બલિદાન આપનારા આ વીર આપણા આદર્શો છે. આ ત્રણેય ક્રાતિકારીઓના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે જ શહીદ દિવસ મનાવવામાં આવે છે.
બ્રિટિશ અદાલતના આદેશ અનુસાર ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને 24 માર્ચ, 1931ના રોજ સવારે 8 વાગ્યે ફાંસી આપવાની હતી. પરંતુ 23 માર્ચ, 1931ના રોજ મોડી સાંજે સાત વાગ્યાની આસપાસ આ ત્રણેય ક્રાંતિકારીઓને ફાંસી આપી દેવામાં આવી અને તેમના નશ્વર દેહ તેમના પરિવારને સોંપવાના બદલે સતલજ નદીના કિનારે અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.
શું બન્યું હતુ 23 માર્ચ 1931 ની રાત્રે
લાહોર સેન્ટ્રલ જેલમાં 23 માર્ચ, 1931ની શરૂઆત એક સામાન્ય દિવસની જેમ જ થઈ હતી. ફરક માત્ર એટલો હતો કે સવારેસવારે જોરદાર વાવાઝોડું આવ્યું હતું. જોકે કેદીઓને થોડી નવાઈ લાગી, જ્યારે ચાર વાગ્યે વૉર્ડન ચરતસિંહે તેમને આવીને કહ્યું કે તેઓ પોતપોતાની ઓરડીમાં ચાલ્યા જાય. તેઓએ કારણ ન બતાવ્યું. તેમના મોઢામાંથી માત્ર એટલું નીકળ્યું કે ઉપરથી આદેશ છે. હજુ કેદીઓ વિચારી રહ્યા હતા કે શું થઈ રહ્યું છે, જેલના વાળંદ બરકત દરેક ઓરડીની બહારથી ગણગણતા પસાર થયા કે આજે રાતે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી થવાની છે.
23 માર્ચ 1931ના રોજ સાંજે લગભગ 7.33 કલાકે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી. જ્યારે ભગતસિંહને તેમની છેલ્લી ઇચ્છા પૂછવામાં આવી ત્યારે તેમણે રશિયન સામ્યવાદી ક્રાંતિકારી લેનિનનું જીવનચરિત્ર (રિવૉલ્યુશનરી લેનીન) વાંચવાની વિનંતી કરી. જેલ અધિકારીઓએ તેમને ફાંસીનો સમય જણાવ્યો ત્યારે તેમણે જે રીતે પ્રતિક્રિયા આપી તે તેમની અદમ્ય ક્રાંતિકારી માનસિકતા અને આત્મવિશ્વાસને દર્શાવે છે. તેમણે કહ્યું - "થોભો! પહેલા એક ક્રાંતિકારીને બીજા ક્રાંતિકારીને મળવા દો" પછી, તેમણે પુસ્તક છત તરફ ફેંક્યું અને કહ્યું - "ઠીક છે, હવે ચાલો" - . '
અંગ્રેજો ભગતસિંહના મૃતદેહથી પણ ડરતા
ભગતસિંહ અને તેમના સાથીઓને ફાંસી આપ્યા પછી પણ અંગ્રેજો સંતુષ્ટ ન થયા. તેઓ ભગતસિંહના મૃતદેહથી પણ ડરતા હતા. તેમને લાગ્યું કે ફાંસી વિશે સાંભળીને લોકો હિંસક થઈ જશે, તેથી તેમણે ખૂબ જ ઘૃણાસ્પદ કાવતરું રચ્યું. આ ત્રણ ક્રાંતિકારીઓના મૃતદેહો સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. ઘણી જગ્યાએ એવો દાવો કરવામાં આવે છે કે તેમના મૃતદેહોના ટુકડા કરી કોથળાઓમાં ભરેલા હતા. આ પછી, બ્રિટિશ અધિકારીઓ તેમને ગુપ્ત રીતે જેલમાંથી બહાર કાઢ્યા, તેમને ટ્રકમાં ભરીને ત્યાંથી ચાલ્યા ગયા. તેઓ મૃતદેહને ફિરોઝપુર લઈ ગયા અને ઘીને બદલે કેરોસીન રેડીને તેને બાળવાનું શરૂ કર્યું. જ્યારે ગામલોકોને ખબર પડી, ત્યારે તેઓએ તેમનો પીછો કરવાનું શરૂ કર્યું. અંગ્રેજો ડરી ગયા અને મૃતદેહના અડધા બળેલા ટુકડા સતલજ નદીમાં ફેંકી દીધા પછી ભાગી ગયા. ગામલોકોએ આ ક્રાંતિકારીઓના અવશેષો એકત્રિત કર્યા અને પછી વિધિ મુજબ તેના અગ્નિસંસ્કાર કર્યા.
આ પણ વાંચો : રેપ અંગે અલ્હાબાદ HC ની ટિપ્પણી પર ભડક્યા કપિલ સિબ્બલ, કહ્યું- લોકોનો ન્યાયતંત્ર પર વિશ્વાસ...
'ભગતસિંહને કેમ ફાંસી આપવામાં આવી?
26 ઓગસ્ટ 1930 ના રોજ, ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
- કલમ 129: રાજદ્રોહ અને સરકારી અધિકારીઓની હત્યાનો પ્રયાસ
- કલમ 302: હત્યા (અંગ્રેજી પોલીસ અધિકારી જોન સોયરની હત્યા બદલ)
- વિસ્ફોટક પદાર્થો અધિનિયમની કલમ 4 અને 6F: બોમ્બ વિસ્ફોટો માટે
- IPC ની કલમ 120: કાવતરું ઘડવા
ફાંસીની અપીલ ફગાવી દેવામાં આવી
7 ઓક્ટોબર 1930ના રોજ કોર્ટે 68 પાનાનો ચુકાદો આપ્યો, જેમાં ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી. આ સજા ખાસ કરીને બોમ્બ વિસ્ફોટ અને અન્ય ક્રાંતિકારી પ્રવૃત્તિઓને કારણે આપવામાં આવી હતી. ફાંસીની સજા બાદ, શાંતિ જાળવવા અને સંભવિત વિરોધને રોકવા માટે લાહોરમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. કલમ 144 હેઠળ, કોઈપણ પ્રકારની સભાઓ અને જાહેર વિરોધ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેથી ભગતસિંહ અને તેમના સાથીઓના સમર્થનમાં કોઈ પણ પ્રકારની હિલચાલ શરૂ ન થઈ શકે. આ પછી, ફાંસી પછી અપીલ કરવામાં આવી હતી જેને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવી હતી. મદન મોહન માલવિયાથી લઈને મહાત્મા ગાંધી સુધી, બધાએ ફાંસી રોકવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ સફળ રહ્યા નહીં.
આપણે શહીદ દિવસ કેમ ઉજવીએ છીએ
ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનો જીવ જોખમમાં મૂક્યો અને સાબિત કર્યું કે તેઓ કોઈપણ કિંમતે દેશની સ્વતંત્રતા માટે લડવા તૈયાર છે. 23 માર્ચને શહીદ દિવસ તરીકે ઉજવવાનો હેતુ તેમના બલિદાનને યાદ કરવાનો અને તેમનું સન્માન કરવાનો છે. આ દિવસ બ્રિટિશ સામ્રાજ્ય સામે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવાનો પ્રસંગ છે. નવી પેઢીને તેમના સંઘર્ષ અને શહીદોના આદર્શોથી પ્રેરિત કરવા માટે શહીદ દિવસનું મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરતી વખતે, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ અને સામાજિક સંગઠનો શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે અને તેમના યોગદાનને યાદ કરે છે.
આ પણ વાંચો : Kurukshetra માં મહાયજ્ઞ દરમિયાન પથ્થરમારો અને ગોળીબાર... 3 લોકો ઘાયલ, એકની હાલત ગંભીર