‘મહાકુંભમાં ભાગદોડની ઘટના દુર્ભાગ્યપૂર્ણ’; સુપ્રીમ કોર્ટે PIL પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો
- સુપ્રીમ કોર્ટે મહાકુંભ નાસભાગ મામલામાં PIL પર સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો
- CJI જસ્ટિસ ખન્નાએ મહાકુંભમાં થયેલી દુર્ઘટનાને દુર્ભાગ્યપુર્ણ ગણાવી
- જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે
PIL Against Mahakumbh Stampede : સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી નાસભાગ અને મૃત્યુના મામલામાં દાખલ કરવામાં આવેલી PIL પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે અરજદારને અલ્હાબાદ હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું છે અને CJI જસ્ટિસ ખન્નાએ મહાકુંભમાં થયેલી દુર્ઘટનાને દુર્ભાગ્યપુર્ણ અને ચિંતાનો વિષય ગણાવ્યો છે. PILમાં, પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે સ્ટેટસ રિપોર્ટ અને તેના માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
સુવિધા કેન્દ્રો ખોલવાની માંગ
અરજીમાં તમામ રાજ્યો દ્વારા કુંભ મેળાના વિસ્તારમાં સુવિધા કેન્દ્રો ખોલવાની માંગ કરવામાં આવી છે. આવા મોટા ધાર્મિક કાર્યક્રમોમાં VIP મૂવમેન્ટ મર્યાદિત કરવા અને સામાન્ય માણસ માટે વધુમાં વધુ જગ્યા રાખવાની માગણી કરવામાં આવી છે. પિટિશનમાં દેશની મુખ્ય ભાષાઓમાં ડિસ્પ્લે બોર્ડ લગાવવા, યાત્રિકોને મોબાઈલ, વોટ્સએપ પર માહિતી આપવા, મોટા ધાર્મિક કાર્યક્રમોમાં નાસભાગ ન થાય તે માટે અને લોકોને સાચી માહિતી આપવાની માગણી કરવામાં આવી છે, પરંતુ પહેલા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : 'ઉત્પાદનના નામે આપણે ફક્ત ચાઇનીઝ મોબાઇલ એસેમ્બલ કરી રહ્યા છીએ', રાહુલ ગાંધીએ ‘મેક ઇન ઇન્ડિયા’ પર સવાલ ઉઠાવ્યા
મહાકુંભમાં ક્યારે અને શું બન્યું?
તમને જણાવી દઈએ કે, 29મી જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના દિવસે લાખો ભક્તો મહાકુંભમાં બીજા પવિત્ર સ્નાન માટે એકઠા થયા હતા. આ પહેલા રાત્રીના બે વાગ્યાના સુમારે ત્રિવેણી સંગમ નાકા પર નાસભાગ મચી ગઈ હતી. ભીડ વધતા લોકો બેરિકેડ કુદીને સંગમ સુધી પહોંચ્યા. આ દરમિયાન નાસભાગમાં ત્યાં નીચે સૂઈ રહેલા લોકો કચડાઈ ગયા હતા. અંધાધૂંધી અને ધક્કામુક્કીમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. હોસ્પિટલ પહોંચતા પહેલા લગભગ 30 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટના પછી, સ્થળ પર જે દ્રશ્ય જોવા મળ્યું તેનાથી દેશવાસીઓ ચોંકી ગયા છે. ઉત્તર પ્રદેશ સરકારે મોડી સાંજે અકસ્માતમાં મૃત્યુઆંકની પુષ્ટિ કરી હતી. આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાને અફવા ગણાવી હતી. આ ઘટનાની દેશભરમાં નિંદા થઈ રહી છે. નેતાઓએ આ દુર્ઘટના માટે ગેરવહીવટ અને અરાજકતાને જવાબદાર ઠેરવી હતી.
હજુ ઘણા લોકો ગાયબ છે
આ દુર્ભાગ્યપુર્ણ ઘટનામાં ઘણા લોકો ગાયબ થયા છે, જેના સાચા આંકડા હજુ સુધી સરકારે જાહેર કર્યા નથી. ગાયબ થયેલા લોકોના પરિવારજનો હજુ સુધી તેમને શોધી રહ્યા છે. તે લોકોને હજી સુધી એ પણ નથી ખબર કે તેમના પોતાના જે ગાયબ થયા છે તે જીવીત છે કે નહી. એક પોલીસ સ્ટેશનથી બીજા અને બીજાથી ત્રીજા આમ પેહેલેથી પોતાના પરિવારથી વિખુટા પડેલા લોકો ધક્કે ચડ્યા છે. યોગી સરકાર કે પોલીસ પ્રશાસન તેમને કોઈ મદદ કરી રહ્યું નથી. હજુ પણ ડબલ એન્જિનની સરકાર અને તંત્ર પુરી રીતે VIPની સુરક્ષામાં વ્યસ્ત છે.
આ પણ વાંચો : પ્રયાગરાજમાં મહાકુંભ સંબંધી Fake News ચલાવતા લોકો પર કાર્યવાહી શરૂ