આજે ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેની પુણ્યતિથિ, જેમણે પોતાનુ સમગ્ર જીવન મહિલાઓના ઉત્થાન માટે સમર્પિત કર્યું
- આજે સાવિત્રીબાઈ ફૂલેની પુણ્યતિથિ
- સાવિત્રીબાઈ ફૂલેનું શિક્ષણ ક્ષેત્રે અભુતપુર્વ કામ
- 1848માં પ્રથમ કન્યા શાળાની સ્થાપના કરી હતી
Death anniversary of Savitribai Phule : આઝાદી પહેલા ભારતમાં મહિલાઓને બીજા વર્ગની ગણવામાં આવતી હતી. આજની જેમ તેમને શિક્ષણનો અધિકાર નહોતો. જો આપણે 18મી સદીની વાત કરીએ તો તે સમયે મહિલાઓ માટે શાળાએ જવું એ પાપ માનવામાં આવતું હતું. આવા સમયમાં સાવિત્રીબાઈ ફુલેએ મહિલાઓના ઉત્થાન માટે જે કર્યું તે કોઈ સામાન્ય સિદ્ધિ નથી.
મહિલાઓને ભણવાનો અધિકાર નહોતો
પહેલાના જમાનામાં એટલે કે અમુક વર્ષો પહેલા મહિલાઓ પરિવારનું ધ્યાન રાખવા અને રસોડામાં રસોઇ બનાવવા પુરતી જ સીમિત હતી. મહિલાઓ પર ઘણા પ્રકારના પ્રતિબંધ મુકવામાં આવતા હતા. ન તો તેમને ભણવાનો અધિકાર હતો કે ન તો દેશના વિકાસમાં યોગદાન આપવાનો અવસર મળતો હતો. તેઓ માત્ર ચુલા ચોકી સુધી જ સિમીત રહી જતી હતી. પરંતુ આજે શિક્ષણ મેળવ્યા બાદ મહિલાઓ વિવિધ ક્ષેત્રે કામ કરી રહી છે. તેઓ રાજકારણથી લઈને વેપાર અને સંરક્ષણ વિભાગ સુધીના ક્ષેત્રોમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરી રહી છે. મહિલાઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો અને તેમના માટે શિક્ષણનો માર્ગ ખોલવાનો શ્રેય માત્ર એક મહિલાને જ જાય છે. તે છે સાવિત્રીબાઈ ફૂલે. તેમને દેશની પ્રથમ મહિલા શિક્ષિકા બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે.
આજે સાવિત્રીબાઈ ફૂલેની પુણ્યતિથિ
આજે એટલે કે 10 માર્ચે સાવિત્રીબાઈ ફૂલેની પુણ્યતિથિ છે. તેઓએ તેમનુ સમગ્ર જીવન મહિલાઓના ઉત્થાન માટે સમર્પિત કર્યું. તેઓ મહિલાઓ માટે કામ કરતા સમાજ સુધારક તરીકે પ્રખ્યાત થયા. ફુલેએ 19મી સદીમાં પુણે (મહારાષ્ટ્ર)ના સમાજમાં પ્રવર્તતી દમનકારી સામાજિક વ્યવસ્થા સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમનું યોગદાન તર્કસંગતતા અને માનવીય કારણો જેવા કે સત્ય, સમાનતા અને માનવતાની આસપાસ ફરે છે.
સાવિત્રીબાઈ ફૂલેનું જીવનચરિત્ર
સાવિત્રીબાઈ ફુલેનો જન્મ 3 જાન્યુઆરી 1831 ના રોજ મહારાષ્ટ્ર રાજ્યના સતના જિલ્લાના નાયગાંવમાં થયો હતો. તે સમય એટલો નિર્દય હતો કે દલિત સમુદાયના લોકો સાથે ઉચ્ચ વર્ણના કહેવાતા લોકો દ્વારા જાતિવાદી ભેદભાવ કરવામાં આવતો હતો. જાતિવાદનો શિકાર બનેલા દલિતોને શિક્ષણનો અધિકાર નહોતો. ખાસ કરીને તમામ વર્ગની સ્ત્રીઓને ભણવાની બિલકુલ છૂટ ન હતી. આવા કપરા સમયમાં સાવિત્રીબાઈ ફુલે પોતે તો શિક્ષિત બન્યા, પરંતુ તેમણે તેમના જેવી ઘણી સ્ત્રીઓ માટે શિક્ષણનો માર્ગ પણ ખોલી નાંખ્યો.
એક વખત જ્યારે સાવિત્રીબાઈ નાના હતા ત્યારે તેમને ક્યાંકથી એક અંગ્રેજી પુસ્તક મળ્યું. જ્યારે તેમના પિતાએ સાવિત્રીબાઈના હાથમાં પુસ્તક જોયું, ત્યારે તેમણે તે છીનવી લીધું અને ફેંકી દીધું. તેમના પિતાએ સમજાવ્યું કે, માત્ર ઉચ્ચ જાતિના પુરુષોને જ શિક્ષણ મેળવવાનો અધિકાર છે. દલિતો અને ખાસ કરીને મહિલાઓને ભણવાની છૂટ નથી.
સાવિત્રીબાઈ ફૂલેનું શિક્ષણ
સાવિત્રીબાઈ ફૂલેએ બાળપણથી જ ભણવાનું નક્કી કરી લીધું હતું. જો કે, માત્ર 9 વર્ષની ઉંમરે, તેણીના લગ્ન જ્યોતિરાવ ફુલે સાથે થયા હતા. જ્યારે તેમના લગ્ન થયા ત્યારે સાવિત્રીબાઈ ફૂલે અભણ હતા અને તેમના પતિ જ્યોતિરાવ ફૂલે ત્રીજા ધોરણમાં ભણતા હતા. જ્યારે સાવિત્રીબાઈએ તેમના પતિ સમક્ષ શિક્ષણ મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે જ્યોતિરાવ ફુલેએ તેમને પરવાનગી આપી અને તેમને ભણવા માટે શાળાએ મોકલ્યાં. લગ્ન પછી સાવિત્રીબાઈ માટે શાળાએ જવું સહેલું ન હતું. તેમને દરેક બાજુએથી ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેમના પર પથ્થરો પણ ફેંકવામાં આવ્યા હતા. તેમના પર કચરો અને કાદવ ફેંકવામાં આવ્યો પરંતુ તેઓએ હાર ન માની અને શાળાએ જવાનું ચાલુ રાખ્યું.
પહેલી કન્યા શાળા
સાવિત્રીબાઈ ફુલેએ પોતે તો અભ્યાસ કર્યો પણ સાથે સાથે તેમણે તેમના જેવી ઘણી છોકરીઓને શિક્ષણના માર્ગે ચાલવા માટે પ્રેરણા આપી અને તેમના માટે શિક્ષણનો માર્ગ પણ ખોલ્યો. છોકરીઓને શિક્ષણ માટે સંઘર્ષ ન કરવો પડે તે વિચારીને, સાવિત્રીબાઈએ તેમના પતિ, સામાજિક કાર્યકર મહાત્મા જ્યોતિબા ફૂલે સાથે મળીને 1848માં કન્યાઓ માટે એક શાળાની સ્થાપના કરી હતી. ત્યારબાદ એક પછી એક સાવિત્રીબાઈ ફુલેએ કન્યાઓ માટે 18 શાળાઓ બંધાવી.
શિક્ષણ અંગેના તેમના પ્રયાસોને કારણે, સાવિત્રીબાઈ ફૂલેને દેશના પ્રથમ મહિલા શિક્ષિકા માનવામાં આવે છે. સાવિત્રીબાઈ ફૂલે દેશની પ્રથમ કન્યા શાળાના આચાર્ય પણ હતા. સાવિત્રીબાઈ ફુલેનું 10 માર્ચ 1897ના રોજ 66 વર્ષની વયે અવસાન થયું હતું.
આજના સમયમાં શિક્ષણની સ્થિતી
આપણે વાત કરી એ સમયની જ્યારે દેશમાં પુરતા સંશાધનો પણ ન હતા અને સાથે જાતિવાદી માનસિકતા ઘરાવતા લોકોનુ વર્ચસ્વ હતુ. જે શિક્ષણના વિરોધી હતા. તેવી કપરી પરિસ્થિતિમાં અને લોકોના વિરોધ વચ્ચે જાતિવાદી માનસિકતાની તમામ જંજીરો તોડી સાવિત્રીબાઈ ફુલેએ મહિલાઓના ઉત્થાન અને તેમના શિક્ષણ માટે લડત આપી. તેનાથી ઉલટું આજે જ્યારે દેશમાં તમામ સંશાધનો મોજુદ હોવા છતા આજે શિક્ષણની જે સ્થિતિ બની છે તે ખુબ જ દયનીય છે.
જો આપણે વાત કરીએ ગુજરાતના શિક્ષણની તો રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સરકારી શાળાઓને તાળા મારી દેવામાં આવ્યા છે, શિક્ષણનું પ્રાઇવેટીકરણ કરી દેવામાં આવ્યુ છે. શિક્ષણને પૈસા કમાવવાનુ સાધન બનાવી દેવામાં આવ્યું છે. પ્રાઈવેટ સ્કુલોમાં તોતિંગ ફી વસુલી સ્કુલોના સંચાલકો પૈસા કમાવા બેઠા છે. સરકાર મૌન છે. સરકાર કે ગુજરાતના શિક્ષણ મંત્રી પાસે આ અંગે બોલવા માટે કઈ બચ્યું પણ નથી. સરકાર અને શાળાના સંચાલકોની મિલીભગતે ગુજરાતના શિક્ષણ પર લાંછન લગાવ્યું છે, તેમ છતા દરેક બાબતની જેમ ગુજરાતની જનતાએ ચુપ્પી સેવી લીધી છે. જો શિક્ષણ પર ધ્યાન આપવામાં નહીં આવે તો આવનારો સમય અને આવનારી પેઢીએ દરેક બાબતે સંઘર્ષ કરવા તૈયાર રહેવુ પડશે.
સાવિત્રીબાઈ ફુલેની પુણ્યતિથિ પર શત શત નમન!
આ પણ વાંચો : ચૂંટણી પહેલા બિહારમાં સક્રિય થશે કન્હૈયા કુમાર, 16 માર્ચથી શરૂ કરશે 'નોકરી આપો, પલાયન રોકો' યાત્રા


