‘આપણી પાસે પાકિસ્તાનને નષ્ટ કરવાના સાધનો નથી, ચીન 6ઠ્ઠી પેઢીના એરક્રાફ્ટ લાવી રહ્યું છે’: કપિલ સિબ્બલ
- ‘આપણી પાસે પાકિસ્તાનને નષ્ટ કરવાના સાધનો નથી, ચીન 6ઠ્ઠી પેઢીના એરક્રાફ્ટ લાવી રહ્યું છે’: કપિલ સિબ્બલ
રાજ્યસભામાં બુધવારે (30 જુલાઈ 2025) કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે ઓપરેશન સિંદૂર અને પહેલગામ હુમલા પર ચર્ચા દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું, “અમારી પાસે એટલા સાધનો નથી કે અમે પાકિસ્તાનને નષ્ટ કરી શકીએ. આ ચર્ચા એટલા માટે થઈ રહી છે કે ભવિષ્યમાં આવા હુમલા ન થાય.” સિબ્બલે ભારતીય વાયુસેનાની ઘટતી સ્ક્વોડ્રન સંખ્યા, ચીનની શ્રેષ્ઠ સૈન્ય ટેક્નોલોજી અને સરકારની રક્ષા નીતિઓ પર સવાલ ઉઠાવ્યા, જેનાથી સદનમાં ગરમાગરમ ચર્ચા શરૂ થઈ.
વાયુસેનાની ઘટતી તાકાત પર સવાલ
સિબ્બલે એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહના ઓક્ટોબર 2024ના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું, “ભારતીય વાયુસેનાની સ્ક્વોડ્રન સંખ્યા ઘટીને 31 પર પહોંચી ગઈ છે, જે 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદની સૌથી નીચી સંખ્યા છે.” તેમણે ઉમેર્યું, “રાફેલ 4.5જી પેઢીનું એરક્રાફ્ટ છે, જ્યારે ચીન 2025માં 6ઠ્ઠી પેઢીનું એરક્રાફ્ટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. ભારતનું AMCA (એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ) 2028માં પ્રોટોટાઈપ અને 2035માં ઉત્પાદન માટે તૈયાર થશે.” સિબ્બલે સરકારને સવાલ કર્યો, “જો તમે રક્ષા ક્ષેત્રે આટલા ગંભીર છો, તો 11 વર્ષમાં તમે શું કર્યું? વિપક્ષ સવાલો પૂછે છે, પરંતુ તમે જવાબ આપતા નથી, આ જ તમારી રાજનીતિ છે.”
પાકિસ્તાન અને ચીનની સૈન્ય તાકાત
સિબ્બલે ચીન અને પાકિસ્તાનના સૈન્ય સહયોગ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું, “પાકિસ્તાન પાસે આજે 25 સ્ક્વોડ્રન છે, જે ભારતની 29 સ્ક્વોડ્રનની લગભગ બરાબરી કરે છે. ચીન પાસે 133 સ્ક્વોડ્રન છે, અને પાકિસ્તાનને તમામ ટેક્નોલોજી ચીન પૂરી પાડે છે. આપણે ફક્ત પાકિસ્તાન સામે નથી લડી રહ્યા, પાકિસ્તાન અને ચીન એકસાથે છે.” તેમણે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની નિષ્ફળતા પર પણ સવાલ ઉઠાવ્યો, “HALએ 1984માં LCA (લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ) વિશે વિચાર્યું હતું, પરંતુ 2025 સુધી એક પણ વિમાન તૈયાર નથી થયું.”
પહેલગામ હુમલા પર સરકારની નિષ્ફળતા
પહેલગામ હુમલા અંગે સિબ્બલે કહ્યું, “આતંકવાદીઓ પાસે AK-47 અને આધુનિક હથિયારો હતા, અને તેઓ 400 કિલોમીટર ઘૂસીને 26 લોકોની હત્યા કરી ગયા. તેઓ એર મિલિટરી સ્ટેશનથી માત્ર એક કિલોમીટર દૂર હતા, છતાં કોઈને ખબર ન પડી.” તેમણે સરકારની સુરક્ષા નીતિઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે આવી નિષ્ફળતાઓ દર્શાવે છે કે સરકારે સુરક્ષા વ્યવસ્થામાં પૂરતું ધ્યાન આપ્યું નથી.
ઉમર અબ્દુલ્લાને બેઠકમાં ન બોલાવવાનો આક્ષેપ
સિબ્બલે ગૃહમંત્રી અમિત શાહ પર આક્ષેપ કર્યો કે, “8 એપ્રિલે ગૃહમંત્રી જમ્મુ-કાશ્મીર ગયા અને લેફ્ટનન્ટ ગવર્નર સાથે બેઠક કરી, પરંતુ ઉમર અબ્દુલ્લાને આમંત્રણ આપ્યું નહીં. 22 એપ્રિલે પહેલગામ હુમલો થયો. જનતા પાસેથી માહિતી મળે છે, અને જનતાના નેતા ઉમર અબ્દુલ્લા છે. જો તમે તેમને બેઠકમાં નહીં બોલાવો, તો માહિતી ક્યાંથી મળશે?” તેમણે ઉમેર્યું કે સ્થાનિક નેતાઓ અને જનતા સાથે સંવાદ વિના સુરક્ષા વ્યવસ્થા મજબૂત ન થઈ શકે.
સરકારની પ્રતિક્રિયા
સિબ્બલના આ નિવેદનો પર સરકાર તરફથી તાત્કાલિક પ્રતિક્રિયા ન આવી પરંતુ રક્ષા મંત્રી રાજનાથ સિંહે 28 જુલાઈએ લોકસભામાં ઓપરેશન સિંદૂરની સફળતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે ઓપરેશનમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા અને 9 આતંકી ઠેકાણાઓ નષ્ટ કરવામાં આવ્યા. રાજનાથે એ પણ સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાનના ડીજીએમઓની વિનંતી પર ઓપરેશન રોકવામાં આવ્યું, પરંતુ ભવિષ્યમાં આવા હુમલા થશે તો ઓપરેશન ફરી શરૂ થશે.
વિપક્ષનો આક્રમક વલણ
સિબ્બલના નિવેદનો કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોના આક્રમક વલણને દર્શાવે છે. લોકસભામાં કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ પણ સરકારને સવાલ કર્યો હતો કે, “જો ઓપરેશન સિંદૂરનો હેતુ જમીન લેવાનો ન હતો, તો પીઓકે ક્યારે લેશો?” આ ઉપરાંત, AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ પહેલગામ હુમલા પર સવાલ ઉઠાવ્યા, “આપણી પાસે 7.5 લાખ સૈન્ય અને અર્ધલશ્કરી દળો છે, તો આતંકવાદીઓ 400 કિલોમીટર ઘૂસીને 26 લોકોની હત્યા કેવી રીતે કરી ગયા?”
આ પણ વાંચો- US Tariff on India : ભારત પર શું થશે અસર ? Gujarat first પર નિષ્ણાતો, ઉદ્યોગપતિઓએ આપી પ્રતિક્રિયા


