Weather Report : દેશમાં ક્યાંક ઠંડી તો ક્યાંક ભારે વરસાદની આગાહી
- દેશભરમાં શિયાળાની ઠંડીનું તોફાન
- તમિલનાડુમાં ભારે વરસાદની આગાહી
- મધ્યપ્રદેશમાં શીતલહેરથી ઠંડીનો કહેર
- દિલ્હીમાં ઠંડી સાથે પ્રદૂષણનો માર
- હિમાલયના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા
- માછીમારો માટે દરિયાકાંઠા પર ચેતવણી
- રાજ્યોમાં ગાઢ ધુમ્મસ અને શીત લહેરની આગાહી
- તમિલનાડુ અને કેરળમાં તોફાની પવનની શક્યતા
- ડિસેમ્બરમાં હવામાનમાં અચાનક ફેરફાર
- ઉત્તરાખંડના કેદારનાથમાં બરફની ચાદર
- દક્ષિણ ભારતના દરિયાકાંઠે વરસાદી તોફાન
Weather Report : દેશભરમાં શિયાળાની ઋતુ વિવિધ રૂપમાં જોવા મળી રહી છે. ક્યાંક તોફાન જોવા મળે છે, તો ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, તો અન્ય જગ્યાઓએ શીત લહેરના કારણે ઠંડીનો પ્રકોપ યથાવત છે. કેટલાક રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે, જ્યારે દિવસ દરમિયાન તડકાના કારણે લોકોને ઠંડીમાંથી થોડીક રાહત મળી રહી છે.
હવામાન વિભાગે જારી કરી ચેતવણી
આ વર્ષે ડિસેમ્બર મહિનો સામાન્ય રીતે જોઈએ તેટલી ઠંડી લાવ્યો નથી. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી 22 ડિસેમ્બર સુધી હવામાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે અને હાલની પરિસ્થિતિ યથાવત રહેશે. આવનારા 5 દિવસ માટે દેશભરમાં ક્યાં શીત લહેર ફૂંકાશે, ક્યાં ધુમ્મસ છવાશે, ક્યાં તોફાની પવન ફૂંકાશે અને ક્યાં ભારે વરસાદ વરસશે, તે અંગે હવામાન વિભાગ સતર્ક છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ, 16 ડિસેમ્બરે દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં લો પ્રેસરનું ક્ષેત્ર બનાવાયું છે. 17-18 ડિસેમ્બરના રોજ તે વધુ સક્રિય બનવાની શક્યતા છે અને તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ તમિલનાડુ તરફ આગળ વધે તેવી શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ મધ્ય અને ઉપરના ટ્રોપોસ્ફિયરમાં ચાટના રૂપે સક્રિય છે. આ બંને પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે તમિલનાડુમાં 17 અને 18 ડિસેમ્બરે અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
માછીમારોને દરિયાકાંઠાથી દૂર રહેવાની સલાહ
વધુમાં, 17 થી 19 ડિસેમ્બર સુધી કોસ્ટલ આંધ્રપ્રદેશ અને રાયલસીમાના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 17 થી 20 ડિસેમ્બર વચ્ચે તમિલનાડુ, કેરળ, પુડુચેરી, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને રાયલસીમાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને વીજળી સાથે છૂટાછવાયા વાવાઝોડા થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ દરમિયાન 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે ભારે અસરકારક થઈ શકે છે. માછીમારોને દરિયાકાંઠાથી દૂર રહેવાની ખાસ સલાહ આપવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તટવર્તી વિસ્તારોમાં સાવધાની જાળવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
અન્ય રાજ્યોમાં પણ આવી જ સ્થિતિ રહેશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ મધ્યપ્રદેશના વિવિધ વિસ્તારોમાં શીત લહેરથી તીવ્ર શીત લહેર આવવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પૂર્વ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, પશ્ચિમ રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ઠંડીનું મોજું પ્રવર્તી શકે છે. મધ્યપ્રદેશના વિવિધ વિસ્તારોમાં ઠંડીનો દિવસ રહેવાની શક્યતા છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં સવારે અને સાંજે ગાઢ ધુમ્મસ થઈ શકે છે. પૂર્વ રાજસ્થાન અને મધ્ય પ્રદેશના અલગ-અલગ ભાગોમાં ગ્રાઉન્ડ હિમ થવાની સંભાવના છે.
દિલ્હીમાં ઠંડી અને પ્રદૂષણ એક સાથે
રાજધાની દિલ્હીમાં ફરી એકવાર વાયુ પ્રદૂષણ વધવા લાગ્યું છે. સોમવારે AQI 400 થી વધુ રહ્યો હતો. આજે મંગળવારે AQI 418 છે. આથી દિલ્હીમાં GRAP-3ની સાથે GRAP-4 પણ લાગું કરી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગે દિલ્હીમાં 22 ડિસેમ્બર સુધી કોલ્ડવેવ ચાલુ રહેવા માટે યલો એલર્ટ આપ્યું છે. સોમવારે પાટનગરનું મહત્તમ તાપમાન 24.5 અને લઘુત્તમ 4.5 ડિગ્રી નોંધાયું હતું. ડીસેમ્બર મહિનામાં દિલ્હીમાં ચોથી વખત તાપમાન 5 થી નીચે ગયું છે.
પર્વતીય રાજ્યોમાં હવામાનની સ્થિતિ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. કેદારનાથ ધામમાં છેલ્લા 8 દિવસથી હિમવર્ષા ચાલુ છે અને લગભગ એક ફૂટ બરફ પડ્યો છે. મંદિરની સામે આવેલી નંદીની મૂર્તિ પણ બરફની ચાદરથી ઢંકાઈ ગઈ છે. ગૌરીકુંડથી કેદારનાથ ધામ સુધીના 16 કિલોમીટરના વિસ્તારમાં 2 ઈંચ સુધીનો બરફ જમા થયો છે. 22 ડિસેમ્બર પછી ભારે હિમવર્ષા શરૂ થવાની સંભાવના છે.
આ પણ વાંચો: દિલ્હી-NCR માં પારો ગગડ્યો! પંજાબ-હરિયાણામાં જોવા મળી હાડ થીજવતી ઠંડી