Weather Update : દેશમાં હવામાનનો કહેર! ક્યાંક વરસાદ, ક્યાંક હિમવર્ષા
- દેશમાં ફરી હવામાનમાં પલટો: દક્ષિણમાં ભારે વરસાદ, ઉત્તરમાં ઠંડીનો ચમકારો
- ચક્રવાતી સિસ્ટમનો પ્રભાવ: તમિલનાડુ-આંધ્રમાં રેડ એલર્ટ જાહેર
- દક્ષિણ ભારતમાં ભારે વરસાદની ચેતવણી, ઉત્તર ભારતમાં ઠંડીની શરૂઆત
- IMDનું હવામાન એલર્ટ: તમિલનાડુમાં રેડ એલર્ટ, ચેન્નઈમાં ઓરેન્જ એલર્ટ
India Weather Update : હાલમાં દેશના હવામાનમાં ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવાર બાદ મુખ્ય શહેરોમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધ્યું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત અનેક મોટા શહેરોનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 300 નો આંકડો વટાવી ગયો છે, જેમાં આજે લખનઉ દેશનું સૌથી પ્રદૂષિત શહેર રહ્યું છે. આ સાથે, હવામાનમાં પણ પરિવર્તન આવ્યું છે અને લોકોને હવે હળવી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. આજે, 23 ઓક્ટોબરના રોજ, ઘણા વિસ્તારોમાં હવામાન પ્રમાણમાં ઠંડું રહ્યું હતું. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા નવીનતમ હવામાન અપડેટ જારી કરવામાં આવ્યું છે, જે મુજબ આવતીકાલે, 24 ઓક્ટોબરના રોજ દેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ બંગાળની ખાડી પર ચક્રવાતની સંભાવના અને તેની અસર
હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ બંગાળની ખાડી પર એક ચક્રવાત રચાઈ રહ્યું છે. આજે બપોર સુધીમાં, આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને દક્ષિણ-પશ્ચિમ તથા નજીકના પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં તીવ્ર બનવાની ધારણા છે. આ ચક્રવાતી અસરને કારણે ઉત્તર તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો પર સૌથી વધુ અસર જોવા મળશે.
આ રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ
આ સિસ્ટમને કારણે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટક અને તેલંગાણામાં 23 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદની આગાહી છે. તમિલનાડુમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે, જેના કારણે IMD એ વિલ્લુપુરમ, કુડ્ડલોર, મયિલાદુથુરાઈ, નાગપટ્ટીનમ, તિરુવલ્લુર, તંજાવુર, પુડુક્કોટાઈ અને રામનાથપુરમ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આનો અર્થ એ છે કે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. રાજધાની ચેન્નઈને ઓરેન્જ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. બુધવારે ચેન્નઈમાં ભારે વરસાદને કારણે શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી હતી અને આજે પણ ભારે વરસાદની સંભાવના છે. આ 5 દિવસ દરમિયાન આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, તેલંગાણા અને માહેમાં વાવાઝોડા અને વીજળી પડવાની પણ આગાહી છે.
IMD Weather Warning !
Heavy to very heavy rainfall (7-20cm) over south peninsular India during 22nd-24th with extremely heavy falls (≥ 21cm) over North Tamil Nadu, Puducherry & Karaikal, Rayalaseema and Coastal Andhra Pradesh & Yanam on 22nd October, 2025.
Stay alert, avoid… pic.twitter.com/tRAPffVZbP— India Meteorological Department (@Indiametdept) October 22, 2025
પૂર્વી અને મધ્ય ભારતમાં હવામાનની સ્થિતિ
ચક્રવાતની અસર માત્ર દક્ષિણ સુધી સીમિત નથી. 23 થી 26 ઓક્ટોબર દરમિયાન ઓડિશામાં જ્યારે આગામી 5 દિવસમાં મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં પણ વાવાઝોડાની સાથે વરસાદની શક્યતા છે. જ્યાં દક્ષિણ ભારતમાં વરસાદનું જોર છે, ત્યાં ઉત્તર ભારતમાં ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. હવામાન વિભાગના મતે, આગામી 48 કલાકમાં તાપમાન ઘટવાથી ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે, જે સામાન્ય કરતાં ઓછું રહેશે. દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે મહત્તમ તાપમાન 32.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે રાત્રિનું તાપમાન 21.8 ડિગ્રી સેલ્સિયસ હતું. આજે દિલ્હીમાં આકાશ આંશિક રીતે વાદળછાયું રહેશે અને તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર
આ દરમિયાન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે ફરી એકવાર રાજસ્થાનના હવામાનમાં પરિવર્તન આણ્યું છે. વાદળોની ગતિવિધિ અને દિવાળીના ફટાકડાના ધુમાડાને કારણે જયપુર અને અન્ય જિલ્લાઓમાં તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો વધારો જોવા મળ્યો છે. 25 થી 28 ઓક્ટોબર દરમિયાન દક્ષિણપૂર્વ રાજસ્થાનના કોટા અને ઉદયપુર વિભાગના કેટલાક ભાગોમાં વાદળછાયું આકાશ અને છૂટાછવાયા વરસાદની આગાહી છે. જોકે, અન્ય ભાગોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની અપેક્ષા છે.
હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાથી પ્રવાસીઓમાં ખુશીનો માહોલ
ઉત્તરી પર્વતીય રાજ્યોમાં હવામાનમાં ફરી એકવાર ફેરફાર જોવા મળ્યો છે. હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિ જિલ્લાઓ તેમજ મનાલીના ઊંચા વિસ્તારોમાં તાજી હિમવર્ષા થઈ છે. હિમવર્ષાના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે અને આ વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આ બરફવર્ષાથી પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે, કારણ કે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની અપેક્ષા છે. રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પણ નોંધાયો છે.
આ પણ વાંચો : દિવાળાની ઉજવણી બાદ Delhi-Ncr માં પ્રદૂષણનો કહેર! AQI રેડ ઝોનમાં પહોંચ્યું


